Gujarat Election Special - ગુજરાતમાં બે મુખ્યપક્ષ સિવાયના રાજકીય ચોકા ચાલ્યા જ નથી !

સોમવાર, 21 ઑગસ્ટ 2017 (12:47 IST)

Widgets Magazine


 શંકરસિંહ વાઘેલા સમર્થકોની લાગણીના નામે નવો રાજકીય મંચ ઊભો કરવાની પેરવીમાં છે. જો કે ગુજરાતના રાજકારણની તાસીર છે કે પ્રસંગોપાત ઊભા થઇ જતા આવા રાજકીય મંચોનું બાળમરણ જ થાય છે. એ લાંબુ ટકતા નથી અને એની સાથે જોડાયેલા લોકો પોતાનું રાજકારણ સજીવન રાખવા મુખ્ય રાજકીય પક્ષોમાં ગોઠવાઇ જાય છે. ગુજરાતના સ્થાપના કાળથી માંડીને અત્યાર સુધીનો આવા બાળમરણનો સાક્ષી છે. ઈન્દુચાચાની જનતા પરિષદથી માંડીને છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં કેશુભાઇએ રાજકારણની વૈતરણી પાર કરવા પરિવર્તન પાર્ટીનું નામનું બોયું પકડેલું તે બધુંય આવી શ્રેણીનો એક ભાગ છે.

આ અડધી સદી ઉપરાંતનાં સમયગાળામાં જનતા પરિષદ, નૂતન ગુજરાત જનતા પરિષદ, કિમલોપ, રાષ્ટ્રીય જનતા પાર્ટી (રાજપા), જનતા દળ - ગુજરાત, રાષ્ટ્રીય કોંગ્રેસ, લોકસ્વરાજ્ય મંચ, સુરાજ્ય પરિષદ, યુવા વિકાસ પાર્ટી સહિતની અનેક રાજકીય દુકાનો શરૃ થઇ અને વેપાર-ધંધો કરે એ પહેલાં એનાં શટર પડી ગયાં હતાં.  નવનિર્માણ આંદોલનમાં ફેંકાઇ ગયેલા સ્વ. મુખ્યપ્રધાન ચીમનભાઇ પટેલે ૧૯૭૫ની વિધાનસભાની ચૂંટણી ટાણે 'કિસાન મજદૂર લોકપક્ષ'ની (કિમલોપ) સ્થાપના કરી હતી. ચૂંટણીમાં માત્ર ૧૨ બેઠકો પરથી સભ્યો ચૂંટાયેલા. એ ચૂંટણીમાં કોંગ્રેસવિરોધી પણ ખંડિત લોકચુકાદો હતો. પહેલી બિનકોંગ્રેસી જનતા મોરચાની સરકારના નિર્માણ માટે સભ્યો ખૂટતા હતા એટલે કિમલોપે રાજકીય લાગ સાધી લીધો. ટેકો આપ્યો પણ નવ-દસ મહિનામાં તો પાછો ખેંચી લીધો. પછી કોંગ્રેસને સહયોગ આપ્યો. છેવટે પક્ષનું જ ઊઠમણું થઇ ગયું હતું

ચીમનભાઇએ બીજો પ્રયોગ ૧૯૯૦-૯૧માં જનતદળ ગુજરાતના નામે કર્યો હતો. ૧૯૯૦ની ચૂંટણી ભાજપ સાથે જોડાણ કરીને લડેલા ચીમનભાઇને અડવાણીની રથયાત્રા નડી હતી. કેન્દ્રમાં વીપી સિંહ સરકારે ભાજપનો ટેકો ગુમાવ્યો, ચન્દ્રશેખર સત્તાનશીન થયા એ બધા દિવસોમાં જનતા દળમાંથી જનતા દળ - ગુજરાત તરફ આગળ વધી, કોંગ્રેસનો ટેકો લેવો પડેલો, છેવટે ટેકણલાકડી પણ નહીં ચાલે એવી સ્થિતિ થતાં ચીમનભાઇ આખા પક્ષ - ધારાસભ્યો સાથે કોંગ્રેસમાં જોડાઇ ગયેલા. આમ જનતા દળ - ગુજરાતની સાઇકલ પણ લાંબી ચાલી નહોતી.નવો રાજકીય મંચ ઊભો કરવાની પેરવી કરી રહેલા શંકરસિંહ વાઘેલા ૨૨ વર્ષ પહેલાં મહાગુજરાત જનતા પાર્ટી અને રાષ્ટ્રીય જનતા પાર્ટીના નામે રાજકીય ચોકો ઊભો કરી ચૂક્યા હતા. છેવટે તો કોંગ્રેસનું જ શરણ લીધું હતું. જેમ, ચીમનભાઇએ કર્યું તેમ શંકરસિંહે પણ કર્યું. વિધાનસભાની ૧૯૯૫ની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી પણ ચાવીરૃપ ભૂમિકા ભજવનારા શંકરસિંહને સત્તા ન સાંપડી. પછી બળવો કર્યો, ખજુરાહો પ્રકરણ સર્જાયું. દિલીપ પરીખની આગેવાની હેઠળ, ભાજપમાંથી ૪૪ ધારાસભ્યોનું જૂથ અલગ પડયું, મહાગુજરાત પાર્ટી જેવું સંગઠન ઊભું કર્યું. પહેલાં પોતે અને પછી દિલીપ પરીખને મુખ્યપ્રધાન બનાવ્યા. કોંગ્રેસના ટેકાથી સરકારો ચલાવી.

૧૯૯૮ની ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા પક્ષની (રાજપા) રચના કરી વિધાનસભાની ચૂંટણી લડયા. સમખાવા પૂરતા ચાર સભ્યો ચૂંટાયા પછી જાણે અસ્થી ઉપાડીને જતા હોય એમ કોંગ્રેસમાં વિલીન થઇ જઇ રાજપાના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. નોંધપાત્ર બાબત એ છે કે ચારથી વધુ સભ્યો ન ચૂંટાવી શકેલા શંકરસિંહ હમણાં છોડી તે પહેલા ૧૮૨ બેઠક લડી કોંગ્રેસને વિજયી બનાવવા પોતાને સુકાન સોંપવામાં આવે તેવી વાતો કરતા હતા !કોંગ્રેસમાં માધવસિંહથી નારાજ થઇને રતુભાઇ અદાણીએ ૧૯૮૪ની આસપાસ રાષ્ટ્રીય કોંગ્રેસ નામનો રાજકીય મંચ તરતો મૂકેલો. એકાદ સાંસદ અને ચાર-પાંચ ધારાસભ્યો એમની મૂડી હતી. પણ ૧૯૮૫ની ચૂંટણી આવતા - આવતામાં તો એ રાષ્ટ્રીય મંચ ક્યાં ગયો એની ખબર જ ન પડી. બધા મૂળ પક્ષ કોંગ્રેસમાં, રતુભાઇ એમની સેવાકીય પ્રવૃત્તિમાં જોતરાઇ ગયા. ભૂતપૂર્વ મુખ્યપ્રધાન બાબુભાઇ જશભાઇ પટેલે 'લોકસ્વરાજ મંચ'ના નામે રાજકીય સંગઠનનું નિર્માણ કરેલું. લોકોને એમની વાતમાં રસ પડયો નહોતો. હા, ૧૯૯૦ની ચૂંટણીમાં તેઓ મોરબીમાંથી ચૂંટણી લડી વિધાનસભામાં આવ્યા હતા. ચીમનભાઇ અને છબીલદાસની સરકારમાં પ્રધાન પણ બન્યા હતા. પણ એમનો મંચ અને સમર્થકો વિખેરાઇ ગયા હતા.બાબુભાઇના ચુસ્ત અનુયાયી, માજી નાણાંપ્રધાન દિનેશ શાહે સુરાજ્ય પરિષદ રચેલી પણ નગારાંના અવાજમાં પિપૂડીનો અવાજ કોણ સાંભળે ? એટલે થોડુંક જીવીને એનુંય બાળમરણ જ થયેલું.

એક જમાનાાં ગુજરાતમાં સ્વતંત્ર પક્ષનો 'તારો' એવો ચમક્યો હતો કે વિધાનસભાની ચૂંટણીમાં ૬૭ જેટલી બેઠકો સાથે મજબૂત વિરોધ પક્ષ તરીકે ઊભરી આવ્યો હતો. પણ પછીના દિવસોમાં એનું જોર ઘટી ગયું, કેટલાક લોકો કોંગ્રેસમાં ચાલ્યા ગયા. દેશમાં સ્વતંત્ર પક્ષ ૧૯૭૭ સુધી ટકી રહ્યો પણ ગુજરાતમાં તો એ પહેલાંથી જ એનું નામુ નંખાઇ ગયું હતું. પ્રજાસમાજવાદી પક્ષ ગુજરાતના સ્થાપનાના વર્ષોમાં ચર્ચામાં રહ્યો હતો. એના જાણીતા ધારાસભ્યો બ્રહ્મકુમાર ભટ્ટ, પ્રતાપ શાહ, સનત મહેતા વિધાનસભા ગજવતા. પણ ૧૯૭૧ સુધીમાં એ બધા કોંગ્રેસનો ભાગ બની ગયા હતા. સમાજવાદી પક્ષ અને યુવા વિકાસ પાર્ટી ચૂંટણી ટાણે ઝબક્યાં. એક સમયે મનુ પીઠડીવાળા અને જેઠભાઇ ભરવાડ ધારાસભામાં બેઠા પણ પછી એમનો આગવો રાજકીય વાવટો સંકેલાઇ ગયો હતો.ભાજપ, મોદીને ભરપેટ ગાળો દઇને છૂટા પડેલા કેશુભાઇ પટેલે, ગોરધન ઝડફિયાનો સાથ લઇ ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી) બનાવી. ૨૦૧૨ની ચૂંટણી લડયા. કેશુભાઇ અને નલિન કોટડિયા ચૂંટાયા પણ ખરા. પણ પછી 'ભાજપ શરણમ્ ગચ્છામિ'નો મંત્રોચ્ચાર થયો અને વાત પતી ગઇ. કેશુભાઇ નિવૃત્ત જીવન ગુજારે છે તો નલિન કોટડિયા પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા ક્યારેક ભાજપના ખોળે, ક્યારેક પાટીદારોના ખોળે બેસી જાય છે. ગુજરાતની રાજકીય તાસીર જોઇએ તો બે મુખ્ય રાજકીય પક્ષો જ મહત્વના બની રહ્યા છે. એક સમયે કોંગ્રેસનો સૂરજ તપતો હતો ત્યારે સ્વતંત્ર પક્ષ, જનસંઘ જેવા વિરોધ પક્ષો સબળ મનાતા. કોંગ્રેસનું વિભાજન થયું તો સંસ્થા કોંગ્રેસ - શાસક કોંગ્રેસ જેવાં તડાં અને અન્ય એવી સ્થિતિ રહી. કોંગ્રેસનાં વળતાં પાણી થયાં એટલે ૧૯૯૦ પછી ભાજપનો સિતારો ચમક્યો છે. હવે ભાજપ વિરુધ્ધ કોંગ્રેસ એવી સ્થિતિ છે. વચ્ચે વચ્ચે જનતા પક્ષ, જનતા દળ જેવાં ફડચાં લોકો સામે તરવરતાં રહ્યાં અને પછી ભૂલાઇ ગયાં. અત્યારે તો કોંગ્રેસ અને સંઘના ગોત્રવાળા જ ચર્ચામાં છે. બીજા શબ્દોમાં કહીએ તો રાજકીય કુટુંબ નિયોજન પ્રમાણે 'બે બસ'ની ફોર્મ્યુલા જ ગુજરાતમાં કામ કરી રહી છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ઉત્કલ એક્સપ્રેસના 13 ડિબ્બા પાટા પરથી ઉતર્યા, 23ની મોત 100 ઘાયલ

યુપીનાં મુજફ્ફરનગરમાં ખતૌલી પાસે કલિંગ – ઉત્કલ એક્સપ્રેસ દુર્ઘટનાનો શિકાર થઇ ગઇ હતી. ...

news

VIDEO - શુ આપ અપરાધ કર્યા સિવાય 500 રૂપિયામાં આ જેલની હવા ખાવા તૈયાર છો

નમસ્કાર સમાચાર જરા હટકે મા આપનુ સ્વાગત છે... જેલનુ નામ સાંભળતા જ લોકો ગભરાય જાય છે.. ...

news

ગુજરાતમાં હવે ત્રીજા મોરચાની શક્યતાઓ, બાપુ ભાજપના જુનાજોગીઓ સાથે હાથ મીલાવશે

ગુજરાતની આગામી ચૂંટણી પણ 1995નું સ્વરૂપ ધારણ કરી રહી છે. કોંગ્રેસ મુક્ત દિગ્ગજ નેતા ...

news

ગુજરાતમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની પાંખો વેતરાઈ. ઝોનવાઇઝ પ્રમુખ નિમવા હિલચાલ

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના રાજકીય કાવાદાવા સામે જીત મેળવ્યા બાદ કોંગ્રેસ ફુલફોર્મમાં છે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine