કોંગ્રેસ પાવર ઓફ પાટીદાર ફિલ્મને ખરીદીને સોશિયલ મીડિયામાં વાયરલ કરશે

power of patidar
Last Modified શુક્રવાર, 27 ઑક્ટોબર 2017 (11:39 IST)

ગુજરાતમાં પાટીદારો દ્વારા ચલાવવામાં આવતા અનામત આંદોલન પર બનેલી પાવર ઓફ પાટીદારને સેન્સર બોર્ડે મંજૂરી ન આપતા રિલીઝ થઇ ન હતી. ફિલ્મ રિલીઝ ન થતા ફિલ્મના પ્રોડયુસર દીપક સોનીએ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પત્ર લખ્યો હતો. કોંગ્રેસ તરફથી ફિલ્મ ખરીદીને હાર્દિક પટેલના સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવશે.

આમ, આગામી દિવસોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સાઇબર વોર વધુ ઉગ્ર બનશે. રાજ્યમાં પાટીદારો પાસ કન્વીનર હાર્દિક પટેલની આગેવાનીમાં અનામત આંદોલન ચલાવી રહ્યા છે. ગુજરાતમાં ચાલતા અનામત આંદોલન પર ગત વર્ષે પ્રોડયુસર દીપક સોનીએ “પાવર ઓફ પાટીદાર” ફિલ્મ બનાવી હતી. ફિલ્મમાં હાર્દિક પટેલનો રોલ સંજય દવેએ કર્યો હતો. રજા મુરાદ, અલી ખાન, જયશ્રી ટી, દેવેન્દ્ર પંડિત સહિત ૧૦૦ થી વધુ કલાકારોએ ફિલ્મમાં રોલ ભજવ્યો હતો. ગત વર્ષે ઓગસ્ટમાં ફિલ્મ તૈયાર થઇ જતા મંજૂરી માટે સેન્સર બોર્ડમાં મોકલવામાં આવી હતી. મુંબઇમાં આવેલા સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મ ગુજરાતની શાંતિ માટે જોખમી હોવાનું કારણ આગળ ધરીને તેના રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સેન્સર બોર્ડના નિર્ણયથી નારાજ દીપક સોનીએ દિલ્હીમાં આવેલા સેન્સર બોર્ડમાં અપીલ કરી હતી, પરંતુ, ત્યાં પણ તેને નિરાશા મળી હતી. સેન્સર બોર્ડ વિરુદ્ધ દીપક સોની હાઇકોર્ટમાં ગયા હોવાથી હાલમાં કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. સેન્સર બોર્ડે ફિલ્મના રિલીઝ પર પ્રતિબંધ મૂકતા દીપક સોની સહિતના ફાઇનાન્સરોના રૃા.૧ કરોડ ફસાઇ ગયા હતાં.


આ પણ વાંચો :