શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 28 નવેમ્બર 2017 (12:26 IST)

અમદાવાદમાં મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પૂર્વ મેયર, નેતા સહિતના નેતાઓ ટિકીટ નહીં મળતાં નિરાશ

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધારી પક્ષ ભાજપના એક પણ હોદ્દેદાર કે કોર્પોરેટરને આ વખતે ટિકિટ નથી મળી. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પક્ષના નેતા, એએમટીએસ અને અન્ય નાની કમિટીઓના ચાર જેટલાં ચેરમેનો અને એક ડઝન જેવા મહિલા અને પુરૃષ કોર્પોરેટરો લાઈન ઉભા હતા. દર વખતે મ્યુનિ.ના ત્રણથી વધુ કોર્પોરેટરોને ટિકિટનો લાભ મળતો હોય છે, જેનાથી આ વખતે તમામે તમામ વંચિત રહેતાં કેટલાંક ટિકિટવાંચ્છુઓ નિરાશ થયા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મેયર ગૌતમ શાહે નારણપુરામાં, સ્ટેન્ડિંગ ચેરમેન પ્રવિણ પટેલે દરિયાપુર અથવા અમરાઈવાડી, પક્ષના નેતા બિપીન સિક્કાએ નરોડામાંથી, માજી મેયર અમિત શાહે એલિસબ્રિજમાંથી ટિકિટ માગી હતી, કેટલાંકે તો એફિડેવિટ સહિતના ફોર્મ ભરવા માટેના પેપર્સ તૈયાર રાખ્યા હતા. હોદ્દેદારો પોતપોતાના બચાવમાં કહે છે કે, રિપીટ થીયરી આવી તેના કારણે આમ થયું છે. પણ જાણકારોનું કહેવું છે કે, રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ બેની જગ્યા ખાલી પડી હતી, જ્યાં ઔડાના ચેરમેન ભૂપેન્દ્ર પટેલને ઘાટલોડિયાની ટિકિટ મળી. ઉપરાંત નિર્મળાબહેન વાઘવાણી અને આર.એમ. પટેલ કપાયા ત્યાં પણ કોઈ વર્તમાન કોર્પોરેટરને ટિકિટ મળી નથી. બીજી તરફ કોંગ્રેસમાંથી પણ વિપક્ષના નેતા, પૂર્વ નેતા, અડધો ડઝન કોર્પોરેટરો ટિકિટની લાઈનમાં હતાં, તેમાંથી કોઈને ય ટિકિટ મળી નથી. જમાલપુરમાંથી અપક્ષ કોર્પોરેટર તરીકે જીતેલા ઈમરાન ખેડાવાળા એકને જ ટિકિટ મળી છે. જ્યારે બાપુનગરમાં પૂર્વ મેયર હિંમતસિંહ પટેલને ટિકિટ મળી છે. પરંતુ વર્તમાન અને અગાઉના નેતાઓ કપાયા છે. આ દ્રષ્ટિએ ભાજપની જેમ જ કોંગ્રેસની છાવણીમાં પણ નિરાશાનું વાતાવરણ ખડું થયું છે. અમદાવાદના તુટેલા રોડ, પાણીની તંગી, પ્રદુષણ વગેરે સહિતની સમસ્યાઓ અને વકરેલા ભ્રષ્ટાચારને નાથવામાં મળેલી નિષ્ફળતાએ ભાજપના વર્તમાન હોદ્દેદારોને ટિકિટ વંચિત રાખ્યા હોવાનું કહેવાય છે. અધિકારી અને એન્જિનિયરોના ભ્રષ્ટાચારમાં રાજકારણીઓએ પણ ભાગબટાઈ શરૃ કરી દીધી હોવાનું ચિત્ર ઉપસ્યું હતું, તેના કારણે પણ આમ બન્યું હોવાનું જાણવા મળે છે. પ્રભારીઓ રસ લેતા નથી અને સ્ટીયરીંગ કમિટીનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું છે, જેના કારણે મોકળા મળેલા મેદાનમાં લેવાતા નિર્ણયો અંગે વારંવાર વિવાદો પણ સર્જાયા છે. જ્યારે ઉત્તર ઝોનના હેડકલાર્ક બિપીન ગામીતને છોટુભાઈ વસાવાની ટીબીએસમાંથી ટિકિટ મળતા તેમણે તાત્કાલિક રાજીનામું મંજુર કરાવી દીધું હોવાનું જાણવા મળે છે.