ગુજરાતના એક્ઝિટ પોલમાં AAPના સૂપડાં સાફ, કેજરીવાલે કહ્યું,100 બેઠકો નહી મળે તો નિરાશા થશે
ઈસુદાન ગઢવીએ કહ્યું, અમારે ગુમાવવાનું કંઈ નહોતું માત્ર મહેનત કરવાની હતી
ગુજરાતની ચૂંટણીના એક્ઝિટ પોલમાં ભાજપ બહુમતી તરફ છે. જ્યારે કોંગ્રેસ બીજા નંબરની પાર્ટી છે. પરંતુ બહુ ગાજેલી આમ આદમી પાર્ટીને મહેનત પ્રમાણે બેઠકો નથી મળતી તેવું તારણ રજુ કરવામાં આવ્યું છે. આ અંગે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, અમે જે પ્રકારે મહેનત કરી છે તેને જોતા જો અમને 100થી ઓછી બેઠકો મળશે તો આશ્ચર્ય થશે અને નિરાશાનો ભાવ જાગશે.
ચૂંટણીના પોલ ખોટા સાબિત થશેઃ કેજરીવાલ
ગુજરાતની ચૂંટણીમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ નહીં પણ ભાજપ અને AAP વચ્ચે મુકાબલો હોવાનું ચિત્ર ઉપસી આવ્યું હતું. કેજરીવાલે પણ ભાજપ સામે પડકારો ઉભા કર્યાં હતાં. ગઈકાલે દિલ્હીમાં સિવિક બોડીની ચૂંટણીના એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને બહુમત મળ્યો છે પરંતુ હિમાચલ અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થઈ ગયાં છે. ગુજરાતમાં AAP માત્ર 8 બેઠકો જીતી રહી છે. AAP નેતાઓએ દાવો કર્યો હતો કે ચૂંટણીના પોલ ખોટા સાબિત થશે અને પક્ષ હકીકતમાં 100ની નજીક બેઠકો જીતશે.
15 થી 20 ટકા વોટ શેર મેળવવો એ સૌથી મોટી વાત
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, પરિણામ સકારાત્મક છે.નવી પાર્ટી માટે 15 થી 20 ટકા વોટ શેર મેળવવો તે પણ ભાજપના ગઢમાં, એક મોટી વાત છે. હું દિલ્હીના લોકોને અભિનંદન આપું છું. એક્ઝિટ પોલ દર્શાવે છે કે દિલ્હીના લોકોએ ફરી એકવાર AAPમાં વિશ્વાસ મૂક્યો છે. મને આશા છે કે આ પરિણામ આવશે. અમે આવતીકાલ સુધી રાહ જોઈશું.
અમારે ગુમાવવાનું કંઇ નહોતુ માત્ર મહેનત કરવાની હતી : ઇસુદાન ગઢવી
ઇસુદાન ગઢવીએ ગઠબંધન અંગે વાત કરી સંકેત આપ્યો હતો કે અમે જીતી રહ્યા છે. અમે સરકાર બનાવીશું. સાથે જ ગઠબંધન અંગે જણાવતાં કહ્યુ કે, 8મી ડિસેમ્બરે અમે પત્તું ખોલીશું. ઇસુદાન ગઢવીએ પરિણામ અંગે વાત કરતાં કહ્યું કે, અમારી માટે ગુમાવવાનું કંઇ હતું જ નહીં. અમારે તો અહીં મહેનત જ કરવાની હતી. લોકો માટે અવાજ ઉઠાવ્યો છે. પહેલા તબક્કામાં 51 પ્લસ સીટોની ગણતરી છે. બીજા તબક્કામાં 30 જેટલી સીટો મળી રહી છે તેવો દાવો કર્યો હતો