1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 16 નવેમ્બર 2022 (12:20 IST)

Ishudan Gadhvi Assets- ઈસુદાન ગઢવીની કુલ સંપત્તિ કેટલી?

ishudan gadhavi
આમ આદમી પાર્ટીના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ જામ-ખંભાળિયામાંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે.
 
ઉમેદવારીપત્રક ભરતી વખતે ઈસુદાને સોગંદનામું રજૂ કર્યું હતું અને પોતાની સંપત્તિની જાણકારી આપી હતી.જે અનુસાર નાણાકીય વર્ષ 2021થી 2022 દરમિયાન પોતાની કુલ આવક રૂપિયા 3,06,400 જાહેર કરી હતી. જ્યારે આ જ વર્ષ દરમિયાન તેમનાં પત્ની હીરબાઈની આવક 4,20,000 જાહેર કરી હતી.
 
સોગંદનામામાં તેમણે હાથ પર રોકડ રૂ. 3,27,800 દર્શાવ્યા છે જ્યારે તેમની પત્ની પાસે રોકડ રૂપિયા 1, 68, 510 હોવાનું જણાવ્યું છે.
 
ઈસુદાન અને તેમનાં પત્ની બન્ને પાસે બે-બે બૅન્કખાતાં છે.ઈસુદાનનાં બન્ને ખાતાંમાં અનુક્રમે રૂ. 3,858 અને 1,500 સિલક છે. જ્યારે તેમનાં પત્નીનાં બન્ને ખાતાંમાં રૂ. 25,791 અને રૂ.10,000 સિલક દર્શાવાઈ છે.
 
આ ઉપરાંત ઈસુદાન અને તેમનાં પત્ની બન્નેનાં નામ પર બે-બે લાખ રૂપિયાની એલલાઈસીની પૉલિસી પણ બતાવાઈ છે. ઈસુદાન પાસે 10 ગ્રામ સોનું છે જેની બજારકિંમત 48,000 રૂપિયા છે. જ્યારે તેમનાં પત્ની પાસે 120 ગ્રામ સોનું છે જેની બજારકિંમત રૂ. 5,76,000 છે.
 
આમ ઈસુદાનની સંપત્તિનું મૂલ્ય રૂ. 5,81,158 છે જ્યારે તેમનાં પત્ની પાસેની કુલ સંપત્તિનું મૂલ્ય રૂ. 9,80,301 થાય છે.
 
આ ઉપરાંત ઈસુદાન પાસે અમદાવાદમાં ઘુમા ગામમાં ત્રણ ફ્લેટ છે. જેમાંથી એક ફ્લેટમાં તેમની પત્નીની ભાગીદારી છે.આ ઉપરાંત ઈસુદાન પાસે તેમના ગામ પીપળિયામાં બે ખેતર પણ છે.
 
ઈસુદાનની સ્થાવર સંપત્તિનું મૂલ્ય રૂ. 79,75,000 થાય છે જ્યારે તેમનાં પત્નીની સ્થાવર સંપત્તિનું મૂલ્યુ રૂ.15,50,000 થાય છે. જોકે, ઈસુદાનના માથે રૂપિયા 40,53, 595ની જવાબદારી છે જ્યારે જ્યારે તેમનાં પત્નીના માથે રૂ. 9,91,886 જવાબદારીના છે.