અલ્પેશ ઠાકોર રાધનપુરથી ચૂંટણી લડશે અને જીતશેઃ પાટીલનો સંકેત
પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યાં હતા. એ સમયે તેમણે અલ્પેશ ઠાકોર રાધનપુરથી ચૂંટણી લડશે અને જીતશે તેવા સંકેત આપ્યા હતા. જોકે તેમણે એમપણ કહ્યું હતું કે ઉમેદવાર કોણ રહેશે એ પીએમ અને અમિત શાહ નક્કી કરે છે.ચાણસ્મા ખાતેના શસ્ત્ર પૂજનના કાર્યક્રમ બાદ તેમણે જણાવ્યું હતું કે, પીએમ મોદી અને અમિત શાહ અન્ય ઉમેદવારોની જેમજ અલ્પેશ ઠાકોરની ઉમેદવારી અંગે નિર્ણય કરશે.
અલ્પેશ ઠાકોર અમારા સિનિયર આગેવાન છે. એ ઇલેક્શન લડે અને એ સીટ પર વિજયી થાય તેવી શુભેચ્છા આપીએ છીએ. દરેક ઉમેદવાર પોતાના વિસ્તારમાં મહેનત કરતા હોય છે. રાધનપુર તેમનો વિસ્તાર છે. એ લડશે અને જીતશે એવો અમને વિશ્વાસ છે.બનાસ ડેરી શીત કેન્દ્ર ખાતે દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, રાધનપુર વિધાનસભાની અંદર હું ચુંટણી લડવાનો છું મને પરણાવજો અને વાવ વિધાનસભામાં શંકરભાઈ ચૌધરીને પરણાવજો.અલ્પેશ ઠાકોરે 2015માં દારૂના દૂષણને દૂર કરવા કરવા માટે સામાજીક આંદોલન શરૂ કર્યું હતું અને બાદમાં કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. 2017માં કોંગ્રેસની ટિકિટ પર રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને ભાજપના લવિંગજી સોલંકી સામે જીત્યા હતા. બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. 2019ની પેટા ચૂંટણી ભાજપની ટિકિટ પરથી આ બેઠક પર ચૂંટણી લડ્યા હતા. જોકે એ વખતે તેમનો કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ સામે પરાજય થયો હતો.