અમિત શાહે કહ્યું, ગુજરાતમાં વિકાસના ઠોસ કામો થયા છે, ફરીવાર બહુમતિથી ભાજપની સરકાર બનશે,
આજરોજ ભુપેન્દ્ર પટેલની સરકારે એક વર્ષ પૂર્ણ થતા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ડીજીટલ માધ્યમથી જોડાયા હતા. આ કાર્યક્રમમાં તેમણે ગુજારતા ફરી એક વખત ભાજપની સરકાર જ બનશે તેવો હુંકાર કર્યો હતો.
ગૃહમંત્રીએ પોતાના નિવેદનમાં આગામી ચૂંટણી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં જ લડવામાં આવશે તેવા સંકેતો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, શરૂઆતમાં ભુપેન્દ્રભાઈ સામે કેટલાક સવાલો ઉભા થયા હતા, કારણ કે તેઓ પહેલીવાર મુખ્યમંત્રી બન્યા હતા અને તેમને કોઈ અનુભવ નથી. પરંતુ તેમણે કાંઈ પણ બોલ્યા વગર નક્કર કામ કરી બતાવ્યું છે. તેઓ એક કાર્યકર્તા અને સંગઠનને સાથે લઇને પોતાનું કામ કરે છે. ફક્ત એક જ વર્ષમાં તેમણે ખુબ મોટી ઉંચાઈ હાંસલ કરી છે. છેલ્લા 20 વર્ષમાં ગુજરાતમાં વિકાસની વણથંભી વણઝાર રહી છે. તેવામાં આજનો દિવસ વિકાસને ગતી આપવાનો દિવસ છે. તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત અમિત શાહે વધુમાં જણાવતા કહ્યું હતું કે ગુજરાતે મૂડી રોકાણનો વિશ્વ રેકોર્ડ જાળવી રાખ્યો છે. આજ રોજ વેદાંતા ફોક્સકોન ગ્રુપ સાથે થયેલા MOU એ હકીકતે ખુબ જ મોટી સિદ્ધી છે. ગુજરાતે નાર્કોટીકસના કેસોમાં પણ સૌથી વધુ કામ કર્યુ છે. ગુજરાતમાં વિકાસના ઠોસ કામો થયા છે. એટલે જ વર્ષ 2022નીચૂંટણીમાં ફરી એક વખત ભાજપ જીતશે અને 2/3 ની બહુમતી સાથે ફરી સરકાર બનાવશે.