મંગળવાર, 12 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By વૃષિકા ભાવસાર|
Last Updated : બુધવાર, 12 ઑક્ટોબર 2022 (13:10 IST)

ગોપાલ ઈટાલિયાએ કહ્યું, અમારી સરકાર બનશે તો ભાજપે વિવિધ સમાજ પર કરેલા ખોટા કેસ દૂર કરીશું

GOPAL ITALIYA
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022  પૂર્વે આમ આદમી પાર્ટી જનતાને આકર્ષવા વિવિધ મુદ્દાઓને લઈ ચૂંટણી મેદાનમાં આવી ગઈ છે. તેવામાં ગોપાલ ઈટાલિયાના વાઈરલ વીડિયોના વિવાદે ભારે હોબાળો મચાવ્યો છે. આ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં ગોપાલ ઈટાલિયાએ ગુજરાતમાં જે જે સમાજ પર ભાજપ દ્વારા ખોટા કેસો દાખલ કરાયા છે એને દૂર કરી ન્યાય અપાવવાની વાત કરી હતી. તથા વાઈરલ વીડિયો અંગે તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

ગોપાલ ઈટાલિયાએ ગુજરાતમાં થયેલા વિવિધ આંદોલનોનો મુદ્દો ટાંકી ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપ સરકારે સત્તાનો દુરૂપયોગ કરી માલધારી સમાજ, પાટીદાર, દલિત સમાજ અને આદિવાસી સહિત અન્ય સમાજોના કેટલાક લોકો પર ખોટા ખોટા કેસ દાખલ કર્યા છે. માલધારી સમાજની વાત સાંભળવાના બદલે ભાજપે મહિલાઓ અને યુવાનો પર ખોટી FIR કરી જેલમાં પૂરી દીધા છે. એટલું જ નહીં આદિવાસી સમાજે કરેલા જમીન સંપાદનના આંદોલનોને તોડવા માટે ભાજપ દ્વારા ખોટા ખોટા કેસ દાખવ કરવામાં આવ્યા છે. દલિત, ઠાકોર સમાજના પણ ઘણા લોકો સામે ભાજપે ખોટી ખોટી FIR નોંધી દીધી છે. ગોપાલ ઈટાલિયાએ વધુમાં ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે પોલીસે ગ્રેડ પે આંદોલન કર્યું હતું. આ દરમિયાન પોલીસની માગણી સ્વીકારવાના બદલે કેટલાક અધિકારીઓ સામે ખોટી-ખોટી FIR નોંધી જેલ ભેગા કરાયા છે. આ તમામ સાથે અન્યાય થયો છે જેની જાણ આમ આદમી પાર્ટીને છે. ઈટાલિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો અમારુ સૌથી પહેલું કામ જે જે સમાજના લોકો સામે ભાજપે ખોટા ખોટા કેસ દાખલ કર્યા છે એને દૂર કરવાનું રહેશે. અમારી સરકાર આ તમામ લોકોને ન્યાય અપાવવા માટે સૌથી પહેલું ડગલું ભરશે. ભાજપ સરકારે સત્તાના દુરૂપયોગથી જે જે લોકો સામે ખોટા કેસો કર્યા છે એ બધા અમે દૂર કરીશું.