શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By વૃષિકા ભાવસાર|
Last Updated : સોમવાર, 10 ઑક્ટોબર 2022 (09:59 IST)

ગુજરાતના કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીએ લઘુમતી સમુદાય પર એવું તો શું લખ્યું કે ફટાફટ ટ્વીટ ડિલીટ કરવું પડ્યું?

તાજેતરમાં જ દ્વારકામાં કેટલાક ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ વચ્ચે રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ દબાણ હટાવવા અંગેની પ્રક્રિયા પર વિવાદિત ટ્વીટ કર્યા હતા અને થોડીવારમાં જ તેમણે આ ટ્વીટ ડિલીટ કરી દીધા હતા. કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ પોતાના ટ્વીટમાં બેટ દ્વારકામાં રહેતા મોટાભાગના લઘુમતી સમુદાયના લોકોના સંબંધ પાકિસ્તાન સાથે હોવાના ગંભીર આક્ષેપ લગાવ્યા હતા.

કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ પોતે કરેલા ટ્વીટમાં લખ્યું હતું કે, બેટ દ્વારકાના મોટાભાગના મુસ્લીમ પરિવારોના સંબંધ પાકીસ્તાન સાથે છે. મોટા ભાગના પરિવારોની દીકરીઓ પાકીસ્તાનમાં સાસરે છે. તથા પાકીસ્તાનના મુસ્લીમોની અનેક દીકરીઓ બેટ દ્વારીકામાં સાસરે છે. અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે, 2005ના સેટેલાઈટ મેપમાં બેટ દ્વારીકાની અંદર માત્ર 6 દરગાહો દેખાય છે. જ્યારે વર્ષ 2022ના સેટેલાઈટ મેપમાં અને સ્થળ ઉપર અંદાજે 78 દરગાહ, મજારો અને મચીદ બની ગયેલ છે. જે દરીયા કાંઠે ઊભી થઈ હોય, તેવું સ્પષ્ટ દેખાય છે. આ એન્ટી નેશનલ એક્ટીવીટનો મુખ્ય ભાગ છે.તેમણે લઘુમતી સમાજ વિરુદ્ધ વધુ બે ટ્વીટ કર્યા હતા. જોકે ટ્વીટ કર્યાની મિનિટોના સમયમાં જ વિવાદ થાય તે પહેલા જ તેમણે તમામ ટ્વીટને ડિલિટ કરી દીધા હતા. પરંતુ તેમના આ ટ્વીટ બાદ હવે એક નવો વિવાદ સામે આવી રહ્યો છે.