ધોમધખતા તાપમાં આપણી ત્વચાને કેવી રીતે સલામત રાખી શકાય

Last Modified બુધવાર, 16 માર્ચ 2016 (17:31 IST)

આપણી ત્વચાને ધોમધખતા તાપમાં કેવી રીતે સલામત રાખી શકાય તેની ઉપયોગી ટીપ્સ આપવામાં આવી છે. સૂર્યદેવતા છેલ્લા કેટલાક દિવસોથી પોતાના આકરા મિજાજનો લોકોને પરિચય કરાવી રહ્યા છે અને લોકો ગરમીથી તોબા..તોબા પોકારી ઉઠયા છે. જનજીવન પણ આકુળ-વ્યાકુળ થઈ ગયું છે. અંગ અંગ દઝાડતી ગરમીમાં ડિહાઈડ્રેશન, ઝાડા-ઊલટી તથા વાયરલ ઈન્ફેકશન જેવા રોગચાળાની સાથે સ્કીનને લગતાં ડીસીઝ પણ થતાં જોવા મળે છે. જો આ ડીસીઝને સમય રહેતાં અટકાવવામાં ન આવે તો ગંભીર સમસ્યાનો સામનો દર્દીએ કરવો પડે છે. સૂર્યનારાયણનાં પ્રકોપથી ત્વચાનાં વિવિધ રોગ સાથે એલર્જીની પણ તકલીફ ઉભી થઈ શકે છે.

ત્વચા એ શરીરનું એક પ્રકારનું આવરણ છે. ત્વચા એ સમગ્ર શરીરને આંતરીક અને બાહ્ય રીતે કવચ પુરું પાડે છે અને આ કવચને ઠંડી, ગરમી અને વરસાદથી બચાવવું આવશ્યક છે. ત્વચા અને શરીરનાં આરોગ્ય વચ્ચે ગાઢ સંબંધ છે. ત્વચા એ શરીરનો અરીસો છે. ચમકતી ત્વચા એ સારા આરોગ્યની નિશાની છે. ઉનાળામાં ગરમીથી મુખ્‌યત્વે થતાં ડીસીઝ અને તેનાં વિશે અત્રે માહિતી આપવામાં આવી છે.

(1) ગુમડાં

આ ડીસીઝ સામાન્ય રીતે બાળકોમાં વધુ જોવા મળે છે. આ ડીસીઝ અમુક પ્રકારનાં બેકટેરિયાથી થાય છે. ગુમડાં અનેક પ્રકારનાં હોય છે. જેમ કે ફટકિયા, મુંઢિયા અને આ ગુમડાં ઘણી વખત પીડાદાયક પણ હોય છે. જેમાં રસી ભરાઈ છે અને સોજો પણ આવે છે. ડાયાબીટીસ તથા જે દર્દીની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેને ગુમડાં થવાની શકયતા વધુ હોય છે.


ગુમડાં અટકાવવાનાં ઉપાયો: ગુમડાં અટકાવવા માટે મુખ્યત્વે સ્વચ્છતા અનિવાર્ય છે. ચોખ્ખાઈ રાખવી, ઠંડા પાણીએ નહાવું, બાળકો ધૂળમાં ન રમે તેની ખાસ કાળજી રાખવી, તડકામાં ન જવું, પોષક આહાર લેવો જરી છે.

(2) ધાધર
ધાધર એ એક પ્રકારનો ચામડીનો ચેપી રોગ છે. આ રોગ ઉનાળા અને ચોમાસામાં વધુ થાય છે. ખાસ કરીને પરસેવો વળતો હોય તે ભાગમાં એટલે સાથળનાં મૂળમાં, બેસવાની જગ્યાએ, કમરમાં, ચહેરા, નખમાં અને બાળકોનાં માથામાં જોવા મળે છે. આ રોગ ફુગથી થતો ચેપી રોગ છે. આ રોગમાં દર્દીને મીઠી ખંજવાળ આવે, ફોતરી ખરે તેવાં ગોળ-ગોળ ચાઠાં થાય છે. આ રોગમાં ભેજવાળુ વાતાવરણ સ્વચ્છતાનો અભાવ વિગેરે રોગને ફેલાવવા માટે અગત્યનો ભાગ ભજવે છે.

ધાધરને કેવી રીતે અટકાવી શકાય...
દર્દીના વસ્ત્રો, ટુવાલ, માલ, નેપકીન અલગ રાખવા, પાવડરનો ઉપયોગ કરવો તથા સુતરાઉ વસ્ત્રો પહેરવા
ઘરમાં અન્ય વ્યક્તિને હોય તો તેની પહેલા સારવાર કરાવવી
ધાધર માટે યોગ્ય દવાઓ નિષ્ણાતનાં માર્ગદર્શન હેઠળ લેવી
બજારમાં મળતી સ્ટીરોઈડ ક્રીમનો ઉપયોગ કરવો નહીં.

(3) અળાઈ
ઉનાળામાં જે ચામડી પર પરસેવો વધારે વળતો હોય ત્યાં લાલ રંગની ઝીણી-ઝીણી ફોડલીઓ નીકળે છે અને ખંજવાળ આવે છે. બાળકોમાં વિશેષ જોવા મળે છે. ચહેરા, કપાળ, વાંસા અને હાથ પર અળાઈઓ મુખ્યત્વે જોવા મળે છે.

અળાઈને અટકાવવાનાં ઉપાયો...
તડકામાં બહાર ન જવું, ઠંડા પાણીએ નહાવાનું તથા પાવડરનો ઉપયોગ કરવો. ખુલ્લા સુતરાઉ કપડાં પહેરવા.

(4) સૂર્યપ્રકોપ્ની ‘એલર્જી’

સામાન્ય રીતે સૂર્યના પારજાંબલી કિરણો સવારે લેવાથી ચામડીમાં વિટામીન ‘ડી’ બનતું હોય છે પરંતુ કેટલાક લોકોને તાપ્ની એલર્જીથી આડઅસર પણ થઈ શકે છે. આ પ્રકારનાં રોગોમાં શરીરનાં ખુલ્લા ભાગમાં ખંજવાળ આવે, લાલ ફોલ્લીઓ થાય છે. આ પ્રકારનાં રોગમાં મુખ્યત્વે ફોટો એલર્જી ડર્મેટાઈટીઝ, એકટીનીક લાયકેન પ્લેનસ, પોલી મોર્ફીક લાઈટ ઈરપ્શન જોવા મળે છે.

ઉપાયો
શકય હોય ત્યાં સુધી આકરાં તાપમાં બહાર ન નીકળવું, ફુલ સ્લીવનાં કપડાં, ગોગલ્સ પહેરવા, ચહેરાને માલ અથવા કપડાંથી ઢાંકવો, પ્રવાહી વધુ લેવું, જેમાં વિટામીન સી, લીંબુ, સંતરા, આંબળા, મોસંબીનો જયુસ લેવો.

આંખની ત્વચા નાજુક હોવાથી તેને કવર કરવું.
30 એસપીએફથી વધુ કોમળતાવાળું સનસ્કીન ઉપયોગમાં લેવો, સફેદ અથવા લાઈટ વસ્ત્રો પહેરવા,
ત્વચાને સુંદર બનાવવાનાં ઉપાયો-કાળજી
પોષણયુકત પુરતો ખોરાક, માનસિક તનાવથી દૂર રહેવું.
પુરતી નિંદ્રા લેવી નિયમિત કસરત કરવી, તડકા પ્રદૂષણ અને બિનજરી કોસ્મેટીકથી ત્વચાને દૂર રાખો.આ પણ વાંચો :