શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 6 ઑગસ્ટ 2014 (16:21 IST)

પુરુષો પણ પોતાના દેખાવ-ફેશનને વધુ મહત્વ આપતા થયા

ઉપયોગિતાની વાત અહીં નથી કરવાની પણ બદલાતો મરદ હવે ખરા અર્થમાં મેટ્રોસેક્સુઅલ બની રહ્યો છે. અને હા આલ્ફામેલની જમાત પણ ઊભી થઈ જ રહી છે. થોડો સમય પહેલાં ધરમપુરના અંતરિયાળ વિસ્તાર કપરાડામાં આદિવાસી મેળો જોવા ગયા તો ત્યાં પણ મેટ્રોસેક્સુઅલ મેલ જ જોવા મળ્યા. કલરફુલ ચીનોસ, સ્લીમ શર્ટ, પગમાં નાઈકી કે રિબોકના જૂતાં અને વાળને જેલથી કટ પ્રમાણે ગોઠવેલા. હાલમાં ચાલી રહેલા શોપિંગ મોલમાં સેલમાં પુરુષોને જે રીતે ખરીદી કરતાં જોયા કે હું ખરીદી કરવાનું ભૂલી ગઈ. સેલનું નામ પડે એટલે ગૃહિણીઓ પતિના ક્રેડિટ કાર્ડ પર કે કમાતી હોય તે પોતાના ક્રેડિટ કાર્ડ પર ખરીદી કરવા દોડતી જોઇ છે. હાલમાં જ એક લિપસ્ટિક લઈને હું પેમેન્ટ માટે લાઈનમાં ઊભી હતી ત્યાં મારી આગળ બે-ત્રણ પુરુષોને હાથમાં બે ડઝન મોજાં, બે ડઝન બ્રાન્ડેડ અન્ડરવેઅર, બોક્સર, પંદર વીસ પેન્ટ,શર્ટ, ટી શર્ટ અને શોર્ટ ખરીદીને વીસ પચીસ હજારનું બિલ ભરતા જોયા. પછી મેં ધ્યાનથી જોયું તો કાઉન્ટર પર પુરુષોની સંખ્યા વધુ હતી. કારણ કે સાંજનો સમય હતો. દરેક પુરુષોના હાથમાં પાંચ-છથી વધુ વસ્તુઓ તો હતી જ.

વળી બીજે દિવસે પતિ અને દીકરા માટે પેન્ટ, શર્ટ ખરીદી કરવા ગઈ ત્યાં જોયું કે મારી જેમ દરેક ટ્રાયલ રૂમની બહાર સ્ત્રીઓ બેઠી હતી અને પુરુષો અંદર દશેક કપડાં લઈને ટ્રાયલ રૂમમાં જતા. પહેર્યા બાદ બારણું ખોલી પત્નીની સામે જોતાં. મોટેભાગે કંઇ બોલે નહીં. પુષ્પક ફિલ્મનો સીન યાદ આવ્યો. તેમાં કમલ હસન હિરોઇનને ચહેરાના હાવભાવ દ્વારા તેની ખરીદી માટે પ્રતિભાવ આપે છે. પત્નિઓ પણ ગરદી હોવાને કારણે કે પછી કંટાળેલી હોવાને કારણે મોટેભાગે ઇશારાથી હા કે ના કહેતી હતી. ટૂંકમાં આજનો પુરુષ મેટ્રોસેક્સુઅલ બની રહ્યો છે. અર્થાત પોતાના દેખાવ અંગે તે વધુ સભાન બની રહ્યો છે. પુરુષ પહેલાં પોતાના માટે ખરીદી કરતો નહીં. એમ કહેતાં સાંભળ્યું છે કે અમારે શું પેન્ટ શર્ટ ચઢાવ્યા કે તૈયાર... પહેલાં પુરુષો પત્નીઓ માટે વાપરી શકે એટલે કમાતા. પણ હવે પુરુષો પોતાના માટે પૈસા વાપરતા થયા છે. આલ્ફા મેલની વસતિ હજી આપણે ત્યાં ઓછી છે. ફક્ત પોતાના માટે જીવતા પુરુષો. જો કે એવી સ્ત્રીઓ પણ હોય જ છે. આ વ્યક્તિઓ મોટાભાગે નારસીસ પ્રકૃતિની હોય છે. સતત પોતાના દેખાવ અને પોતાના સંદર્ભેજ વિચારે. મેટ્રોસેક્સુઅલ ખરેખર તો માર્કેટિંગ અને મીડિયાનો શબ્દ છે. હકિકતે તો અપરિણીત, વેલડ્રેસ્ડ પોતાના દેખાવ પર પૈસા વાપરતા પુરુષ માટે આ શબ્દ વપરાશમાં લેવાયો હતો. પણ છેલ્લા દશકાથી આ શબ્દને વિસ્તૃત રીતે વાપરવામાં આવે છે. ખરીદી કરવી તે ફેમિનાઈન એટલે કે સ્ત્રૈણ પ્રવૃત્તિ ગણાતી. પુરુષો મોટેભાગે ખરીદી કરતા નહીં.

આ શબ્દ માર્ક સિમ્પસન નામના લેખકે પોતાના લેખમાં પ્રથમવાર ૧૯૯૪માં વાપર્યો હતો. પણ ૨૦૦૨ની સાલમાં જ્યારે સિમ્પસને જ ડેવિડ બેકહેમને મેટ્રોસેક્સુઅલ મેન તરીકે આલેખ્યો ત્યારથી વધારે પોપ્યુલર બન્યો. ડેવિડ બેકહેમ પોતાના દેખાવ અને ખરીદી અંગે સતત મીડિયામાં ચમકતો રહ્યો હતો. તે સમયે કોઇ પુરુષ પોતાના દેખાવ અંગે આટલો સભાન હોય તે નવાઈની વાત ગણાતી. આજે આ બાબત એટલી નવાઈ પમાડે એટલી નથી રહી. પારંપરિક પુરુષો કરતાં આ પુરુષ જરાક જુદો પડે છે તેની ચોઈસને કારણે. આ પુરુષો દરેક જાતના ક્રિમ વાપરે છે, જીમ કે યોગ ક્લાસમાં જાય છે. બ્રાન્ડેડ વેલટેઇલર્ડ વસ્ત્રો પહેરે છે. સલૂનમાં એપોઇન્ટમેન્ટ લઈને વાળ કપાવે, રંગાવે, ફેશિયલ, મેનીક્યોર, પેડીક્યોર કરાવે. ફેશનના મેગેઝિનો વાંચે વગેરે...

સિમ્પસને મેલ ઇમપરસોનેટર નામે પુસ્તક પણ લખ્યું છે. તેમાં એણે સિગમેન્ડ ફ્રોઇડનો ઉલ્લેખ કરીને નારસીસ એટલેકે પોતાની જાતના પ્રેમમાં હોય તેવી વ્યક્તિ મેટ્રોસેક્સુઅલ કહેવાય છે. પહેલાં લોકોને એવી પણ માન્યતા હતી કે આવા પુરુષો મોટેભાગે સજાતીય હોય, પરંતુ હવે એવું નથી રહ્યું. ૨૦૦૫માં રિટેઇલ એનાલિસ્ટ માર્ક કોહેને ગે ઓર સ્ટ્રેઇટ ? હાર્ડ ટુ ટેલ નામે ન્યુયોર્કમાં પ્રસિદ્ધ થયેલ લેખમાં લખ્યું છે કે હવે પહેલાંના પ્રમાણમાં વધુને વધુ પુરુષો જાતે ખરીદી કરવા જાય છે. ૧૯૮૫માં ફક્ત ૨૫ ટકા પુરુષો જ પોતાના કપડાં જાતે ખરીદતા હતા. ૭૫ ટકા સ્ત્રીઓ જ પુરુષો માટે કરતી હતી. ૧૯૯૮માં ૫૨ ટકા પુરુષો પોતાની ખરીદી કરતા થયા અને ૨૦૦૪માં ૬૯ ટકા પુરુષો જાતે ખરીદી કરવા માંડ્યા અને ત્યારબાદ સતત એ ટકાવારી વધી જ રહી છે. એક સર્વે પ્રમાણે હવે ૯૫ ટકા પુરુષો જાતે ખરીદી કરવા શોપિંગ મોલમાં જાય છે. એટલે કે પરિણીત હોય કે ન હોય હવે આજનો પુરુષ પોતાના દેખાવ અંગે સભાન થઈને શોપિંગ કરે છે.

છેલ્લાં ત્રણેક વરસથી તો ગોરેપનકી ક્રિમ અને મોશ્ચરાઈઝરનો વપરાશ પણ વધ્યો છે. વળી ખાસ પુરુષો માટેના શેમ્પુ ય મળવા લાગ્યા છે. ટૂંકમાં પુરુષો પોતાના દેખાવ માટે આટલા સભાન પહેલાં નહોતા. અત્યાર સુધી સ્ત્રીઓ તૈયાર થતી હતી પુરુષોને આકર્ષવા માટે કે પછી પોતે સારી દેખાય તો તેનો આત્મવિશ્ર્વાસ બેવડાતો હશે. એવું જ હવે પુરુષોનું પણ થઈ રહ્યું છે. આત્મવિશ્ર્વાસ અને આકર્ષણ બન્ને બાબત મેટ્રોસેક્સુઅલ મેલ વિચારધારા ઊભી કરે છે. અમેરિકાની એસ્થેટિક પ્લાસ્ટિક સર્જરી સોસાયટીના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી પ્લાસ્ટિક સર્જરી ફક્ત સ્ત્રીઓ જ કરાવતી હતી. ૧૯૯૭ની સાલથી પુરુષો પણ પ્લાસ્ટિક સર્જરી કરાવતાં થયા છે. અને તેમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. અને છેલ્લા આંકડા મુજબ ૮લાખ સાત હજાર પુરુષોએ પોતાના દેખાવ બદલવા માટે સર્જરી કરાવી છે. ભારતમાં ય એન્ટી રિન્કલ ટ્રિટમેન્ટ અને જીમનો ઉપયોગ પુરુષોમાં વધી રહ્યો છે. ખાસ પુરુષો માટેના મેગેઝિનો અને તેમાં ય ગ્રુમિંગ માટેના લેખોમાં વધારો થઈ રહ્યો છે. આ દરેક બાબત પૌરુષત્વની વ્યાખ્યામાં બદલાવ લાવી રહી છે.

બે ડઝન જૂતાં ધરાવનાર અને મહિનામાં એકપણ શર્ટ રિપીટ ન કરતા પુરુષો આસાનીથી મળી આવશે. કલર કોમ્બિનેશન બાબતે સજાગતાતો આવી જ છે, પરંતુ મેંચિંગ જૂતાં અને સ્ટાઈલ અંગે પણ પુરુષો સભાનતા કેળવે છે. જરૂર પડે ગ્રુમિંગ એક્સપર્ટની સલાહ લેતાં અચકાતા નથી. મધ્યમવર્ગ તો પોતાની પત્ની કે પ્રેયસીની સલાહ લેતાં થઈ ગયા હોવાથી જ શોપિંગ મોલના પુરુષ ટ્રાયલ રૂમની બહાર સ્ત્રીઓ રાહ જોતી ઊભી હોય તેવાં દ્રશ્યો હવે સહજ થઈ રહ્યાં છે. મેટ્રો સેક્સુઅલ હવે સિંગલ અને શોપોહોલિક નથી રહ્યા, પરંતુ પરિણીત અને વરણાગી હોય તે પણ સહજ છે. સ્ત્રીઓના ગણાતાં ક્ષેત્રમાં પુરુષોનું સ્વાગત છે.