70,000 કરોડ રૂપિયાની જંગી રોકડ અનામત સાથે કોર્પોરેટ જાયન્ટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આખરે દેવા મુક્ત કંપની બની ગઈ છે. કંપનીના અબજોપતિ વડા મુકેશ અંબાણીએ કંપનીને આ સ્તરે પહોંચાડીને દસ મહિના પહેલા આપેલું પોતાનું વચન નિભાવી બતાવ્યું છે.
31 માર્ચ 2012ના રોજ પુરાં થયેલાં નાણાંકીય વર્ષમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાસે કુલ રોકડ બેલેન્સ રૂ. 70,252 કરોડ (13.8 અબજ ડોલર) હતું. કંપની પર રહેલા 68,259 કરોડ (13.4 અબજ ડોલર)ના દેવા સામે રહેલાં આ રોકડ બેલેન્સથી દેશની સૌથી વિશ્વાસપાત્ર કંપનીઓમાં સ્થાન પામતી રિલાયન્સ દેવામુક્ત કંપની બની ગઈ છે.
રિલાયન્સના દેવામાં ગયા નાણાંકીય વર્ષમાં એક ટકાનો વધારો થયો હતો પરંતુ તેની સામે તેના રોકડ બેલેન્સમાં પણ આ જ ગાળામાં 66 ટકા જેટલો વધારો થતાં રિલાયન્સ આ સિદ્ધિ હાંસલ કરી શકી હતી.
31 માર્ચ 2011ના આંકડાં અનુસાર રિલાયન્સ પર 67,397 કરોડનું દેવું હતું અને તેની સામે તેની રોકડ સિલક 42,393 કરોડ રૂપિયા હતી.
રિલાયન્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ 3 જૂન 2011ના રોજ મળેલી કંપનીના શેરહોલ્ડરોની વાર્ષિક સામાન્ય સભામાં જાહેરાત કરી હતી કે કંપની 2011-12ના વર્ષમાં દેવા મુક્ત બની જશે.
પોતાના લક્ષ્યાંકોને સાકાર કરતા 31 માર્ચ 2012ના રોજ પૂર્ણ થતાં નાણાંકીય વર્ષ 2011-12ના પરિણામોના આંકડાં અનુસાર કંપની નાણાંકીય વર્ષ 2010-11ની સરખામણીમાં 13.5 ટકાના વિકાસ સાથે હવે દેવામુક્ત બની ગઈ છે.
કંપનીએ જણાવ્યું હતું કે તે પોતાની રોકડ સિલક ફિક્સ ડિપોઝિટ, બેંક સાથે સર્ટિફિકેટ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ તેમ જ સરકારી બોન્ડમાં રોકશે.
નાણાંકીય વર્ષ 2011-12ના ચોથા ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 21 ટકા ઘટીને 4,236 કરોડ થયો હોવા છતાં કંપનીએ આ નાણાંકીય વર્ષ દરમિયાન 19,724 કરોડ રૂપિયાનો રેકોર્ડતોડ નફો નોંધાવ્યો હતો.
આ વર્ષ દરમિયાન કંપનીનું ટર્નઓવર 31.4 ટકાના વધારા સાથે ઓલટાઈમ હાઈ 3,39,792 કરોડ પર પહોંચ્યું હતું.
વિતેલા નાણાંકીય વર્ષના દેખાવ પર ટિપ્પણી કરતાં મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે અમે ભવિષ્યના વિકાસ માટે મજબુત પાયો નાંખ્યો છે અને અમે ભારતમાં પેટ્રોકેમિકલ તેમ જ અન્ય સાહસોમાં રોકાણ કરી રહ્યા છીએ.
તેમણે ઉમેર્યું હતું કે રિલાયન્સના રિટેલ બિઝનસને મળેલો પ્રતિભાવ ઉત્સાહજનક છે અને અમે દેશના અન્ય ભાગોમાં પણ અમારા સ્ટોર્સ ખોલીશું. પોતાના બ્રોડબેન્ડ એક્સેસ બિઝનસનો ઉલ્લેખ કરતા મુકેશ અંબાણીએ કહ્યું હતું કે અમે બ્રોડબેન્ડ એક્સેસ બિઝનસની શરૂઆત કરી વૈશ્વિક કક્ષાનું તેમ જ હાઈસ્પીડ વાયરલેસ નેટવર્ક આપવા પણ કટિબદ્ધ છીએ.
2011-12ના પરિણામોના પ્રેઝન્ટેશનમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જણાવ્યું હતું કે કન્ઝ્યુમર રિટેલ બિઝનસમાં રોકાણ કરીને તે 500 અબજ રૂપિયાના માર્કેટમાં પણ ઝંપલાવશે.