શાકભાજી ફળોનાં ભાવે અને ફળો મેવાનાં ભાવે વેચાઇ રહ્યા છેઃ જાયે તો જાયે કહાં?
વરસાદ ખેંચાતા શાકભાજીની આવક ઘટી છે પરિણામે ભાવો આસમાને પહોંચ્યાં છે. કોથમીર અને ફુદીનાના ભાવે તો જાણે રેકોર્ડ તોડી નાંખ્યો છે. બજારમાં કોથમીર અને ફુદીનાનો કિલોનો ભાવ રૃા.૧૫૦ સુધી પહોંચ્યો છે. આદુ, મેથીના ભાવે પણ સેન્ચુરી વટાવી લીધી છે. ભાવ વધારો થતાં લોકોએ ટામેટા પણ કિલોના રૃા. ૮૦ના ભાવે ખરીદવા મજબૂર થવું પડયું છે. ગરીબ- મધ્યમ વર્ગના લોકો તો શાકભાજી ખરીદવા પણ અસક્ષમ બન્યાં છે. ઉંચા ભાવે શાકભાજી ખરીદવી લોકોને મોંધી પડી રહી છે જેથી કારમી મોંઘવારીનો અહેસાસ અનુભવાઇ રહ્યો છે.
શાકભાજીના ભાવોમાં ફરી એક વાર ઉછાળો જોવા મળ્યો છે. હોલસેલ માર્કેટથી આવતી શાકભાજી છુટક બજાર અને લારીઓ સુધી પહોંચતા વધુ મોંધી બની જાય છે. આજે તો હોલસેલ માર્કેટમાં યે કોથમીર અને ફુદીનાનો ભાવ રૃા.૧૫૦ બોલાઇ રહ્યો હતો જયારે છુટક બજારમાં કોથમીર અને ફુદીનાનો ૧૦૦ ગ્રામનો ભાવ રૃા.૧૭-૧૮ રહ્યો હતો. કદાચ સિઝનમાં પ્રથમવાર કોથમીર અને ફુદીનાનો ભાવ આટલો ઉંચો રહ્યો છે તેમ હોલસેલ વેપારીઓનું કહેવું છે.
ટામેટાના ભાવ ઉંચકાયાને હજુ એકાદ બે દિવસ થયાં હતાં ત્યારે આજે ફરી કિલોના ભાવમાં રૃા.૧૦ વધ્યાં હતાં. બજારમાં ટામેટા કિલોનો ભાવ રૃા.૭૦થી વધીને રૃા.૮૦ બોલાયો હતો. મરચાના ભાવમાં પણ રૃા.૫ નો વધારો થયો હતો. મરચા રૃા.૭૦થી વધીને કિલોના રૃા.૭૫ના ભાવે વેચાઇ રહ્યાં હતાં. મેથીની ભાજીના ભાવ પણ રૃા.૧૦૦એ પહોંચ્યાં હતાં. લીંબુના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. રૃા.૭૦માં કિલોએ વેચાતાં લીંબુનો ભાવ આજે બજારમાં રૃા.૮૦ સુધી રહ્યો હતો. ડુંગળીનો કિલોના ભાવ રૃા.૨૫ જયારે બટાકા રૃા.૩૦ના ભાવે વેચાઇ રહ્યાં હતાં.આદુના ભાવે રૃા.૧૦૦નો આંકડો વટાવ્યો હતો.
લીલી ડુંગળી, કોબિજ, ફુલાવર, રીંગણ, વટાણા સહિતની શાકભાજીના કિલોના રૃા.૮૦- ૮૫ સુધીના ભાવ રહ્યાં હતાં. શાકભાજીનું આ વખતે ઓછુ વાવેતર થતાં આવકમાં ઘટાડો થયો હોવાનું વેપારીઓ કારણ જણાવી રહ્યાં છે. સારા વરસાદના આગમન બાદ જ શાકભાજીના ભાવમાં ઘટાડો થાય તેવા અણસાર છે.અત્યારે તો શાકભાજીના ભડકે બળતાં ભાવોને લીધે આમ આદમીનો મરો થયો છે. કારમી મોંઘવારીમાં શાકભાજી ખાવાનું યે લોકો માટે દોહ્યલુ બન્યું છે. હવે લોકો ખરેખર અચ્છે દિનની રાહ જોઇને બેઠાં છે.બાકી તો ગરીબ- મધ્યમ વર્ગ માટે ખરાબ દિન શરૃ થયા છે.
સામાન્ય રીતે ગૃહિણીઓ શાકમાર્કેટ અથવા તો લારી પરથી શાકભાજીની ખરીદી કરે ત્યારે મોટાભાગે કોથમીર કે ફુદીનાની ખરીદી તો કરતી હોતી નથી. શાકભાજીની ખરીદી પર કોથમીર અને ફુદીનો તો બોનસરૃપે જ આપવામાં આવે છે. શાકભાજીના વેપારી કે લારીવાળો કોથમીર કે ફુદીનો મફતમાં આપીને ભાવ માટે બાર્ગેનીંગ કરતી મહિલા ગ્રાહકોને ખુશ કરતાં હોય છે. વરસાદના અભાવે એવી આજે પરિસ્થિતી એવી નિર્માણ થઇ છેકે, કોથમીર અને ફુદીનો મફત તો ઠીક, પણ ૧૦૦ ગ્રામ ખરીદવું યે મોઘું પડી રહ્યું છે. રૃા.૧૫૦ કિલોના ભાવ બોલાતાં કોથમીર અને ફુદીનો જોઇને ગૃહિણીઓ તો એવું કહીને નિસાસા નાંખી રહી છેકે, શુ જમાનો આવ્યો છે કે, મફતિયા કોથમીર- ફુદીનાના પણ ભાવ બોલાઇ રહ્યાં છે.
ફળાહાર કરવો પણ હવે મોંઘુ બન્યું!
શાકભાજીની સાથેસાથે હવે ફળો ખાવા પણ લોકો માટે ખૂબ મોંઘુ પુરવાર થઇ રહ્યું છે.હાલ અમદાવાદમાં સફરજન ૨૦૦ રૃપિયે કિલો અને કેળા ૪૦ રૃપિયે ડઝન વેચાઇ રહ્યા છે.ત્યારે ઓગષ્ટ માસના પ્રથમ અઠવાડીયામાં કાશ્મિર અને હિમાચલ પ્રદેશમાંથી આવનારા સફરજન બજારમાં ઠલવાયા બાદ જ ભાવ અંકુશમાં આવશે તેવી ધારણા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.જ્યારે કેળાના પાકને આ વર્ષે નુકશાની હોવાથી ઉત્પાદનમાં ઘટ છે.ત્યારે તેના ભાવ શ્રાવણ માસમાં હજુ વધે તેવી શક્યતા ફ્રુટ માર્કેટમાં જોવાઇ છે.
સફરજનના ભાવ કાશ્મીર-હિમાચલમાંથી આવક શરૃ થાય તે પછી જ ઘટવાની શક્યતા
હાલ બજારમાં જે સફરજન વેચાઇ રહ્યા છે.તે વિદેશથી આયાત કરેલો માલ હોવાથી ગ્રાહકોને તે ખૂબ જ મોંઘા મળી રહ્યા છે.ઓગષ્ટ માસમાં કાશ્મિર અને હિમાચલ પ્રદેશમાંથી સફરજની આવક થશે ત્યારે ૫૦થી ૧૦૦ રૃપિયે કિલો સફરજ લોકોને ખાવા મળશે. તે માટે હજુ ૨૦ દિવસની લોકોની રાહ જોવી પડશે.જ્યારે કેળા સુરત, ખેડા-આણંદ, વડોદરા સહિતના સ્થળોએથી આવવાના શરૃ થઇ ગયા છે.હાલ નરોડા ફ્રુટ માર્કેટમાં રોજના ૧૫૦ જેટલા કેળાના ટેમ્પાની આવક છે.જે ૨૦૦થી ૨૪૦ રૃપિયાના હોલસેલ ભાવે એક ટોપલી (૧૬થી ૧૮ કિલો) વેચાઇ રહ્યા છે.જે છૂટક ભાવે હાલ ૪૦ રૃપિયે ડઝન વેચાઇ રહ્યા છે.
રમઝાન માસ ઉપરાંત વ્રત-તહેવારો ઉપરાંત આવનાર શ્રાવણ માસને લઇને બજારમાં કેળાની વધુ માંગ છે ત્યારે બીજી બાજુ આ વર્ષે કેળાના પાકને પણ નુકશાન થયું હોવાથી તેના ઉત્પાદનમાં પણ ઘટ છે.ત્યારે આવનારા સમયમાં કેળાની આવકો વધવા છતા તેના ભાવ ૪૦ રૃપિયે ડઝન કે તેથી વધુ થવાની શક્યતા છે.