શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : સોમવાર, 16 મે 2022 (12:22 IST)

અમદાવાદી મિકેનિકલ એન્જિનિયર યુવાનનું સ્ટાર્ટઅપ, DZOR નામની APP બનાવી અર્બન મહિલાઓને આત્મનિર્ભર બનાવી

DZOR APP
કોરોનાકાળ બાદ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ તેમના સ્ટાર્ટઅપને લોકો સુધી પહોંચાડવા પ્રયત્નો કરી રહી છે. મેળા, મહોત્સવ, એક્ઝિબિશન દ્વારા ગ્રામ્ય વિસ્તારની મહિલાઓએ બનાવેલી વસ્તુઓ વેચાય અને તેઓ સ્વનિર્ભર થાય એવા સતત પ્રયાસ થઈ રહ્યા છે. પરંતુ શહેરમાં રહેતી હજારો મહિલાઓ હરીફાઈ વધતાં પોતાની બનાવેલી ચીજવસ્તુઓને વેચવા માટે યોગ્ય પ્લેટફોર્મ શોધી રહી છે. અમદાવાદના યુવાન અનુશીલ સૂતરિયા આ મહિલાઓને આત્મનિર્ભર થવા તેમજ તેમનો બિઝનેસ આગળ વધારવા ઓનલાઈન ખરીદી માટેની એક એપ્લિકેશન તૈયાર કરી છે. તેમણે છેલ્લા પાંચ મહિનામાં જ કમિશનથી પાંચ લાખથી વધારે આવક મેળવી છે. હાલમાં 2 હજારથી વધુ લોકોએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. 
DZOR APP
જાન્યુઆરી 2022માં એક એપ્લિકેશન તૈયાર કરી
શહેરમાં રહેતી મહિલાઓ મોટા ભાગે મધ્યમવર્ગની હોય છે, જેઓ નાણાંના અભાવે શો-રૂમ કરી શકતી નથી. ટેક્નોલોજી દ્વારા કેવી રીતે લોકો સુધી પોતાની પ્રોડક્ટ પહોંચાડી શકાય એનું જ્ઞાન પણ તેમને નથી હોતું. પરિણામે, અદભુત પ્રોડક્ટ્સ લોકો સુધી પહોંચે નહીં અને એવી મહિલાઓને નફો મળવાનું તો દૂર રહ્યું, ઊલટાનું નુકસાન વેઠવું પડે છે, એટલે જ ખાસ અર્બન વિસ્તારોની બહેનો માટે અમદાવાદના યુવાન અનુશીલ સૂતરિયાએ જાન્યુઆરી 2022માં એક એપ્લિકેશન તૈયાર કરી છે, જેના થકી અર્બન મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે.
DZOR APP
બુટિક ચલાવતી પોતાની માતાને પડતી તકલીફ જોઈ
અનુશીલ સૂતરિયા આમ તો મિકેનિકલ એન્જિનિયર છે, પણ 20 વર્ષ કરતાં વધારે સમયથી બુટિક ચલાવતી પોતાની માતાને પડતી તકલીફ તેણે જોઇ હતી. ઉત્તમ વસ્તુઓ હોવા છતાં શોપ, એક્ઝિબિશન અને અન્ય વેચાણ કેન્દ્રો પર મોળો પ્રતિસાદ મળતો. કેટલીક વાર ભાડાની રકમ પણ ન નીકળે. એવા સંજોગોને યાદ કરતાં અનુશીલે વેબદુનિયાને જણાવ્યું હતું કે મિકેનિકલ એન્જિનિયર હોવા છતાં મેં આઇ.ટી. ફિલ્ડ પસંદ કર્યું. ઇન્ટરનેટના માધ્યમ અને અન્ય નિષ્ણાત પાસે આઇ.ટી.ની તાલીમ લઇને એક એપ્લિકેશન તૈયાર કરી. જેનો મુખ્ય હેતુ અર્બન મહિલાઓએ તૈયાર કરેલી પ્રોડક્ટને માર્કેટ પૂરું પાડવાનો છે.
DZOR APP
આ એપ્લિકેશન માર્કેટમાં હાલમાં નવી જ  છે
અનુશીલ વધુમાં કહે છે, ‘અમદાવાદ શહેરથી શરૂ કરી દેશનાં વિવિધ રાજ્યોની બહેનોએ મારી તૈયાર કરેલી એપ DZORમાં પોતાની ચીજવસ્તુઓ વેચાણ માટે મૂકી છે. આત્મનિર્ભર થવા માગતી હાલની અર્બન મહિલાઓએ તૈયાર કરેલી ચીજવસ્તુઓ ગ્રાહકો સુધી પહોંચે એ જ મારો ધ્યેય છે. DZOR દેશનાં વિવિધ રાજ્યોની 250થી વધુ મહિલાઓ પોતાની પ્રોડક્ટનું વેચાણ કરી રહી છે. આ એપ્લિકેશન હાલમાં નવી જ માર્કેટમાં છે. એ છતાંય એક હજાર કરતાં વધુ લોકોએ એને ડાઉનલોડ કરી છે. અનુશીલ સૂતરિયાનું આ સ્ટાર્ટઅપ શહેરની મહિલાઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યું છે.
 
પાંચ લાખ રૂપિયાના રોકાણથી DZOR નામની એપ્લિકેશન તૈયાર કરી
અનુશીલ વધુમાં કહે છે, આ એપ્લિકેશન તૈયાર કરવાનો વિચાર ત્યારે આવ્યો, જ્યારે મારી માતા 20 વર્ષ કરતાં વધારે સમયથી બુટિક ચલાવતી હતી. શહેરમાં અમે એક સરવે કર્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં બુટિક હોવાનું અમને જાણવા મળ્યું. ત્યારે મને એમ થયું કે આ કોમ્પિટિશનમાં બુટિક કેવી રીતે ચાલી શકે. આ સવાલના જવાબ બાદ મને આત્મનિર્ભરતા શું હોય એનો વિચાર આવ્યો અને મેં શહેરી મહિલાઓને આત્મનિર્ભર કરવા માટે એક પ્લેટફોર્મ ઊભું કરવા માટેનો વિચાર કર્યો. બસ પછી તો પાંચેક લાખ રૂપિયાના રોકાણ થકી DZOR નામની એપ્લિકેશન તૈયાર કરી. આ એપનું કોઈ માર્કેટિંગ ના કર્યું, પણ શરૂઆત છે એટલે 250 જેટલી મહિલાઓ તેના પર પોતાની પ્રોડક્ટ વેચી રહી છે.
 
લોકલ લોકો પાસેથી ઓરિજિનલ પ્રોડક્ટ ખરીદી શકાય છે
આ એપ્લિકેશનથી અનુશીલ કમિશન પર આવક મેળવી રહ્યો છે. અનુશીલ સૂતરિયા કહે છે, આ એપના માધ્યમથી લોકો કાશ્મીરથી કન્યાકુમારી સુધી જે લોકો પોતાની લોકલ પ્રોડક્ટ બનાવે છે એ લોકો પાસેથી ત્યાંની ઓરિજિનલ પ્રોડક્ટ ખરીદી શકે છે. એમાં તેમને ડુપ્લિકેશનનો મુદ્દો ઉપસ્થિત થતો નથી. એટલે કે અમદાવાદમાં બેઠેલા લોકો લખનઉની ચિકનકારીની પ્રોડક્ટ સીધી જ ખરીદી શકે છે. આ એપમાં લોકલ લોકોને એપોઈન્ટમેન્ટ બુક કરાવવા માટે પણ રસ્તો ખુલ્લો કરાયો છે, એટલે કે જે લોકો માત્ર એપોઈન્ટમેન્ટ પર જ કામ કરે છે તે લોકોની ગ્રાહકો સાથે એપોઈન્ટમેન્ટ બુક કરી આપવામાં પણ આવે છે. આ એપમાં મુખ્યત્વે મહિલાઓ જ પોતાની પ્રોડક્ટ વેચી રહી છે.
 
યુઝર્સ પણ યુનિક પ્રોડક્ટ બનાવનારને એપ પર ઈન્વાઈટ કરી શકે છે
અનુશીલ કહે છે, આ એપની સૌથી મોટી ખાસિયત એ છે કે એમાં શહેરમાં લોકલ રસ્તા પર બેસીને કામ કરી રહેલા દરજીઓને પણ આવરી લેવામાં આવ્યા છે, કારણ કે લોકોને ખૂબ ઓછી ખબર હોય છે કે શહેરમાં કઈ જગ્યાએ દરજીઓ બેઠા છે. તો આ દરજીઓને એપમાં મેપ દ્વારા લોકેટ કરી શકાય છે. બીજું ખાસ કરીને એ છે કે જે લોકો યુનિક પ્રોડક્ટ બનાવી રહ્યા છે તે લોકોને પણ એપ પર આવનારા યુઝર્સ ઈન્વાઈટ કરી શકે છે.