ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગાંધીનગર , બુધવાર, 27 જૂન 2018 (12:07 IST)

ગુજરાતના ૭,૦૦૦ એકમોમાં ૪૫,૦૦૦થી વધુ એપ્રેન્ટિસની માંગ

, રાજ્યમાં તા. ૧ મે, ર૦૧૮ ના રોજ પ૮માં ગુજરાત સ્થાપના દિન-ગુજરાત ગૌરવ દિનની ઉજવણી અવસરે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી  દ્વારા ૫,૦૦૦ યુવાનોને રાજ્યના વિવિધ એક્મો ખાતે એપ્રેન્ટિસ તરીકે કરારબદ્ધ કરીને મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેને રાજ્યભરમાં સારો એવો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. રાજ્યના વિવિધ સરકારી વિભાગોના સહયોગથી બનેલ ક્ષેત્રીય ટીમ દ્વ્રારા અત્યાર સુધી જુદા-જુદા સેકટરના ૭,૦૦૦ થી વધુ એકમોની રૂબરૂ મુલાકાત લઇ એપ્રેન્ટિસ ભરતી માટેની અંદાજે ૪૫,૦૦૦ થી વધુ વેકેન્સી મેળવવામાં આવી છે. આ જગ્યાઓ મુજબ રાજયના વિવિધ સ્થળોએ ૩૦૦ થી વધુ ભરતીમેળાના આયોજન દ્વારા એપ્રેન્ટીસની ભરતી કરવામાં આવી રહી છે. 

જિલ્લા કક્ષાએ એપ્રેન્ટિસ ભરતીના લક્ષ્યાંક ફાળવી કલેકટરની કક્ષાએથી સમીક્ષા કરવામાં આવી રહી છે. જે અનુસાર ગત જુન-૨૦૧૭માં ૨૧,૦૦૦ જેટલા એપ્રેન્ટિસે રાજયના વિવિધ એકમો ખાતે તાલીમ મેળવી હતી. જ્યારે ચાલુ નાણાકીય વર્ષથી અમલમાં આવેલ મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજનાના પરિણામે વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતા હાલમાં જુન-૨૦૧૮ સુધીમાં ૩૮,૦૦૦થી વધુ એપ્રેન્ટિસ વિવિધ ખાનગી એકમો, રાજ્ય તથા કેન્દ્રના જાહેર સાહસો ખાતે તાલીમ મેળવી રહ્યા છે.

આ યોજના અંતર્ગત ટ્રેડ એપ્રેન્ટિસ ઉપરાંત તમામ સ્નાતક, ડિગ્રી તેમજ ડિપ્લોમા ઇજનેરી શાખાના ઉતિર્ણ ઉમેદવારોને એપ્રેન્ટીસ તરીકે તાલીમબદ્ધ કરવા શ્રમ અને રોજગાર વિભાગ સહિત સરકારના જુદા જુદા અન્ય ૦૯ વિભાગોને પણ સહભાગી બનાવવામાં આવ્યા છે. જે અંતર્ગત ઉદ્યોગ અને ખાણ વિભાગ, પ્રવાસન વિભાગ, શિક્ષણ વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ, તેમજ આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગોને પણ લક્ષ્યાંક ફાળવવામાં આવ્યા છે. એપ્રેન્ટિસશીપ તાલીમ યોજનાના સુદઢીકરણના ભાગ રૂપે શરૂ કરાયેલ મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત એપ્રેન્ટિસની શૈક્ષણિક લાયકાત અનુસાર અપાતા પ્રોત્સાહનના પરિણામે એપ્રેન્ટીસ ભરતીમાં નોંધપાત્ર વધારો થયો છે અને આ યોજનાએ યુવાઓને રોજગારક્ષમ બનાવવાની બાબતે સમગ્ર દેશમાં નવો રાહ ચીંધ્યો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયમાં એપ્રેન્ટિસશીપ તાલીમ યોજનાના વ્યાપને વિસ્તારવા માટે ૧ લાખ  એપ્રેન્ટિસની ભરતીના લક્ષ્યાંક સાથેની મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯થી શરૂ કરવામાં આવી છે.