મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :અમદાવાદ: , ગુરુવાર, 19 સપ્ટેમ્બર 2019 (11:10 IST)

ગુજરાતમાં નવા ૯૦૦ પી.યુ.સી. સેન્ટરો શરૂ કરાશે, પી.યુ.સી.ની મુદ્દત ૧૫ ઓકટોબર સુધી લંબાવાઇ

રાજયમાં આજથી જે નાગરીકો નવુ ટુ વ્હીલર ખરીદશે તેને વાહન વિક્રેતાઓ દ્વારા આઇ.એસ.આઇ. માર્કાનું હેલ્મેટ વિના મૂલ્યે ફરજીયાત આપવાનું રહેશે. વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલ રાજય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ મહત્વના નિર્ણયની જાહેરાત કરતા ઉમેર્યુ કે, રાજય સરકાર દ્વારા ટ્રાફીકના નિયમોનું ચુસ્તપણે અમલ કરવાનો નિર્ણય કર્યો છે. જે સંદર્ભે નાગરીકોને પડતી હાલાકી અને તેમની રજૂઆતોને ધ્યાને લઇને આ નિયમોમાં થોડી છુટછાટ આપવામાં આવી છે. રાજયમાં વાહન ચાલકોને  સરળતાથી પી.યુ.સી. મળી રહે તે માટે આગામી સમયમાં રાજયમાં ૯૦૦ થી વધુ પી.યુ.સી. સેન્ટરો નવા  ખોલવામાં આવશે. આ માટેની ટેન્ડર પ્રક્રિયા કરી દિન-૧૦માં સત્વરે શરૂ થઇ જશે. પી.યુ.સી.ની છુટછાટની મુદ્ત ૧૫મી ઓકટોબર-૨૦૧૯ સુધી લંબાવવામાં આવે છે. 
 
આર.સી. ફળદુએ કહ્યું હતું કે, નાગરીકોને હેલ્મેટની ખરીદીમાં પડતી હાલાકી તથા રાજયમાં પુરતા પ્રમાણમાં હેલ્મેટ ન હોઇ તેને ધ્યાને લઇને નાગરીકો હેલ્મેટ ખરીદી શકે તે માટે આગામી ૧૫મી ઓકટોબર-૨૦૧૯ સુધી નાગરીકો ટુ વ્હીલર ઉપર નહી પહેરે તો તેઓની સામે કોઇ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે નહી. કેટલાક તત્વો દ્વારા સોશ્યલ મીડીયાના માધ્યમ દ્વારા વડાપ્રધાન અને મુખ્યમંત્રીના વાહનોના વીમા સંદર્ભે જે સમાચારો વહેતા કરાયા છે તે પાયાવિહોણા છે. તમામ વાહનો રજીસ્ટ્રેશન તથા વીમીત છે. તેથી વડાપ્રધાન અને મુખ્યમંત્રી જેવા વ્યકિતઓ સામે આવા આક્ષેપો કરવા અત્યંત નિંદનીય અને દુઃખદ છે. આ માટે તેઓએ પુરતી ચકાસણી કરી લેવી જરૂરી છે. આવી ગેરલાયક અફવાઓ ફેલાવવા જે પ્રયાસો કર્યા છે તે સંદર્ભે કડકમાં કડક કાર્યવાહી કરવા રાજયના ગૃહ વિભાગને સૂચના આપવામાં આવી છે. 
 
ટ્રાફીકના ચુસ્ત નિયમોનું દરેક વ્યક્તિએ પાલન કરવું  જરૂરી છે. ભલે તે પદાધિકારી હોય કે અધિકારી,  કર્મચારી હોય કાયદો કાયદાનું કામ કરશે જ. જે લોકો ટ્રાફીકના નિયમનો ભંગ કરશે તેમની સામે કાયદાકીય કાર્યવાહી ચુસ્તપણે કરાશે.