શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 6 મે 2020 (10:38 IST)

મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય, પ્રતિ યુનિટ 16 પૈસાનો ઘટાડો, અંદાજે રૂપિયા ૩૧૦ કરોડની રાહત ગ્રાહકોને થશે

રાજ્યમાં વીજ વપરાશ કરતા વીજ ગ્રાહકોને સસ્તા દરે વીજળી મળી રહે અને વીજ ઉત્પાદન ખર્ચનું ભારણ ગ્રાહકો પર ન પડે તે માટે રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણયો ગ્રાહકોના હિતમાં કર્યા છે જેના ભાગરૂપે રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ ૧૬ પૈસાનો ઘટાડો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેના પરિણામે રાજ્યના અંદાજે ૧.૩૦ કરોડથી વધુ ગ્રાહકો ને રૂપિયા ૩૧૦ કરોડની રાહતો ના લાભ મળશે.
 
ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે ઉમેર્યું કે વીજ વપરાશ કર્તા ગ્રાહકો પાસેથી વીજ બિલમાં એનર્જી ચાર્જ ઉપરાંત ફ્યુઅલ સરચાર્જ લેવામાં આવે છે. આ ફ્યુઅલ સરચાર્જની વસુલાત નામદાર ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા નક્કી કરેલ ફોર્મ્યુલાના આધારે વસૂલવામાં આવે છે. પાછલા ત્રિમાસિક ગાળા દરમિયાન એટલે કે જાન્યુઆરી ૨૦૨૦થી માર્ચ ૨૦૨૦ દરમિયાન ફ્યુઅલ સર ચાર્જની વસુલાત પ્રતિ યુનિટ રૂ ૨.૦૬ પૈસા લેખે વસૂલાતો હતો તેની સામે એપ્રિલ ૨૦૨૦ થી જૂન ૨૦૨૦ ના ત્રિમાસિક ગાળા દરમિયાન ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ રૂપિયા ૧.૯૦ ના દરે વસૂલવાનો થાય છે આમ ગત ત્રિમાસિક ગાળા કરતાં આ ત્રિમાસિક ગાળામાં ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટમાં ૧૬ પૈસાનો ઘટાડો થયો છે આ ઘટાડાના કારણે વીજ ગ્રાહકોને રૂપિયા ૩૧૦ કરોડની રાહત મળશે. 
 
આ ફ્યુઅલ સરચાર્જ ઘટવાનું મુખ્ય કારણ એ છે કે આ ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય સરકારે સસ્તા દરે ગેસ ગ્રાહકોના હિતમાં ખરીદ્યો છે અને ગેસ આધારિત વીજ ઉત્પાદન કર્યું છે જેને લીધે વીજ ઉત્પાદન ખર્ચ ઓછું થયું છે જેનો સીધો લાભ વીજ ગ્રાહકોને આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે એટલે કે અંદાજે ૧.૩૦ કરોડ થી વધુ ગ્રાહકોને આ લાભ સીધે સીધો મળતાં તેમના વીજ બીલમાં રાહત થશે અને બિલ ઓછું આવશે.