મુંબઈ એરપોર્ટે તુર્કીની કંપની સાથે કરાર સમાપ્ત કર્યો
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (CSMIA) એ તુર્કી ઉડ્ડયન કંપની સેલેબી સાથેનો કરાર સમાપ્ત કર્યો છે. કારણ કે ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓનો હવાલો આપીને તેની સુરક્ષા મંજૂરી રદ કરી હતી.
અધિકારીઓએ શુક્રવારે આ માહિતી આપી. મુંબઈ અને અમદાવાદ એરપોર્ટ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, સેલેબીની સુરક્ષા મંજૂરી રદ કરવાના સરકારના નિર્ણય બાદ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA) અને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPIA) પર સેલેબી સાથેનો ગ્રાઉન્ડ હેન્ડલિંગ કન્સેશન કરાર રદ કરવામાં આવ્યો હતો.
એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સેલેબીને તમામ ગ્રાઉન્ડ હેન્ડલિંગ સુવિધાઓ તાત્કાલિક સોંપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે જેથી સરળતાથી કામગીરી સુનિશ્ચિત થાય. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે પસંદ કરેલી નવી ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીઓ દ્વારા કોઈપણ વિક્ષેપ વિના બધી એરલાઇન્સને સીમલેસ સેવા પૂરી પાડવાનું ચાલુ રાખીશું. CSMIA અને SVPIA ખાતે સેલેબીના તમામ હાલના કર્મચારીઓને હાલની રોજગાર શરતોના આધારે નવી ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીઓમાં ટ્રાન્સફર કરવામાં આવશે.