ગુજરાત સરકારે બજેટમાં વધારાના 40,328 કરોડ રૂપિયાનું દેવું લેવાનો અંદાજ આંક્યો
ગુજરાત સરકારે પોતાના બજેટમાં આ વર્ષે વધારાનું 40,328 કરોડ રૂપિયાનું દેવું લેવાનો અંદાજ આંક્યો છે, આમ સરકાર રોજનું 110.49 કરોડ રૂપિયાનું દેવું કરશે. આ વર્ષના અંતે રાજ્યનું જાહેર દેવું 2.67 લાખ કરોડ રૂપિયાએ પહોંચશે અને તેના વ્યાજની ભરપાઇ પેટે સરકાર કુલ 21,509.39 કરોડ રૂપિયા ચૂકવશે અને આમ રોજના 58.93 કરોડ સરકાર વ્યાજ ચૂકવશે.
ગુજરાત સરકારે ચાલું નાણાંકીય વર્ષમાં રૂપિયો ક્યાંથી આવશે તે માટે આંકેલા અંદાજ પ્રમાણે કુલ આવકોના 21.13 ટકા જેટલો હિસ્સો જાહેર દેવા થકી મેળવવાનું લક્ષ્યાંક રાખ્યું છે. તેની સામે ખર્ચનું સરવૈયું જોઇએ તો સરકાર મૂડી ખર્ચ એટલે કે લોકોને સ્પર્શે તેવી સુવિધાના વિકાસ અને યોજનાઓ પાછળ આખાંય બજેટનો સત્તર ટકા હિસ્સો ખર્ચશે જ્યારે રાજ્યના કુલ બજેટનો 75 ટકા હિસ્સો મહેસૂલી ખર્ચ એટલે કે કર્મચારીઓના પગાર, પેન્શન, વહીવટી ખર્ચ અને રખરખાવ તથા સબસિડીઓ આપવા પાછળ ખર્ચશે. આમ, સંસાધનો વિકસાવવા માટે થનારાં ખર્ચ પાછળ સરકારના કુલ બજેટનો ખૂબ ઓછો હિસ્સો ખર્ચાશે. બજેટના આંકડા પણ દર્શાવે છે કે પાછલાં પાંચ વર્ષમાં મૂડી ખર્ચમાં ઉત્તરોત્તર ઘટાડો થયો છે જે વર્ષ 2015-16ના 19.59 ટકાથી ઘટીને ચાલું વર્ષે 17 ટકા આસપાસ રહેશે.