ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન સ્તબ્ધ... મોડી રાત્રે શાહબાઝ શરીફનું સંબોધન, કહ્યું - અમે લોહીના દરેક ટીપાનો બદલો લઈશું
પાકિસ્તાનના પીએમનો દાવો છે કે ભારતની કાર્યવાહીને કારણે અત્યાર સુધીમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. 40 થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમણે મૃતકોને "શહીદો" ગણાવ્યા અને કહ્યું કે આખું પાકિસ્તાન આ શહીદોની સાથે ઉભું છે.
પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે રાષ્ટ્રજોગ સંદેશમાં કહ્યું કે "ભારતે હવે ગઈ કાલે રાત્રે ઉગ્રતા દાખવીને કરેલી ભૂલનું પરિણામ ભોગવવું પડશે."
તેમણે કહ્યું કે, "કદાચ તેમને લાગ્યું હશે કે અમે પીછેહઠ કરશું."
શહબાઝ શરીફે કહ્યું, "અમે આ જંગને તાર્કિક અંત સુધી લઈ જઈશું અને શહીદોના લોહીનાં એક એક ટીપાંનો હિસાબ લેવાશે."
પોતાના સંબોધનમાં શહબાઝ શરીફે કહ્યું, "મારા વહાલા દેશવાસીઓ, સંખ્યાબળમાં વધુ શક્તિશાળી શત્રુને હરાવવામાં અમુક કલાકનો સમય લાગ્યો. ભારતનાં પાંચ ફાઇટર વિમાનો તોડી પડાયાં. ભારતનાં ગૌરવ ગણાતાં વિમાનો ધૂળમાં મેળવી દેવાયાં."
તેમણે કહ્યું કે, "ગઈ કાલે રાત્રે અમારાં ફાલ્કન વિમાનોએ આકાશમાં વાવાઝોડું સર્જી દીધું."
તેમના દાવા પ્રમાણે, "પોતાના બચાવમાં યોગ્ય જવાબ આપતા પાકિસ્તાનને આવડે છે, એ વાત આપણે ગઈ કાલે સિદ્ધ કરી બતાવી."
તેમણે કહ્યું કે ભારતીય હુમલામાં 26 નાગરિકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 46 ઈજાગ્રસ્ત થયા હતા. તેમણે કહ્યું કે હુમલામાં માર્યા ગયેલામાં બાળકો પણ સામેલ છે.
શહબાઝ શરીફે કહ્યું કે, "ગઈ કાલે રાત્રે પાકિસ્તાને ફરી એક વાર પરંપરાગત હથિયારોના જંગમાં પણ શત્રુ સામે પોતાની શ્રેષ્ઠતા બતાવી હતી."
તેમણે કહ્યું કે, "હું સૈન્ય દળોના વડા અને તમામ સૈનિકોને સલામ કરું છું."