શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By દેવાંગ મેવાડા|

સિરીયલ બોંબ બ્લાસ્ટનો સીલસીલો જારી

PTIPTI
દેશના વિવિધ વિસ્તારોમાં અનેક વખત આતંકવાદી હુમલા થયા છે. જે પૈકીના કેટલાક બોંબ વિસ્ફોટોએ માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનુ ધ્યાન ખેંચ્યુ હતુ. કેટલાક સિરીયલ બોંબ બ્લાસ્ટના કારણે સેંકડો નિર્દોષ લોકોએ જીવ ગૂમાવ્યા હતા અને તેના કારણે કરોડો રૂપિયાનુ નુકસાન પણ થયુ હતુ. દેશમાં થયેલા સિરીયલ બોંબ બ્લાસ્ટના કેટલાક કિસ્સા અત્રે પ્રસ્તુત છે.

વર્ષ 1993માં મુંબઈમાં સિરીયલ બોંબ બ્લાસ્ટ થયેલા, જેમાં મુંબઈ સ્ટોક એક્સચેન્જ, હોટલ સી રોક, હોટલ સેન્ટુર, હોટલ સેન્ટુર સાન્તાક્રુઝ, પ્લાઝા સિનેમા, શિવસેના ભુવન, ઝવેરી બજાર, સેન્ચ્યુરી બજાર, પાસપોર્ટ ઓફીસ, એર ઈન્ડીયા બિલ્ડીંગ, સહારા એરપોર્ટ, પ્લાઝા થિયેટરને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ બોંબ વિસ્ફોટોમાં 250થી વધુ નિર્દોષોના મોત નીપજ્યાં હતા અને 1500ની આસપાસ લોકો ઈજા પામ્યા હતા.

PTIPTI
તેવી જ રીતે વર્ષ 1998માં તામિલનાડુના કોઈમ્બતુરમાં બોંબ વિસ્ફોટ થયા હતા. જેમાં 46 જણાંના મોત નીપજ્યાં હતા અને 200 જણાંને ઈજા પહોંચી હતી. આતંકવાદીઓએ આ વિસ્ફોટો કરવા માટે બનાવેલી યોજના એટલી સચોટ હતી કે, 11 જેટલા શ્રેણીબદ્ધ ધડાકાએ સમગ્ર દેશને હચમચાવી મુક્યો હતો. વર્ષ 2003માં ફરી એકવાર દેશની આર્થીક રાજધાની મુંબઈને નિશાન બનાવવામાં આવ્યુ હતુ. આ વખતે શહેરમાં સિરીયલ બોંબ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ગેટ-વે ઓફ ઈન્ડીયા, તાજમહાલ હોટલ, ઝવેરી બજારમાં તથા મુંબા દેવી મંદિર પાસે કાર બોંબ વિસ્ફોટો કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં અનેક લોકોએ પ્રાણ ગુમાવ્યા હતા.

વર્ષ 2005માં દેશની રાજધાની દિલ્હીમાં સિરીયલ બોંબ બ્લાસ્ટ થયાં હતા. હિન્દુઓના સૌથી મોટા તહેવાર દિવાળીના સમયે થયેલા આ વિસ્ફોટોની નિંદા વિશ્વભરના દેશોએ કરી હતી. આ ઘટનામાં પહેલો બ્લાસ્ટ મુખ્ય બજાર પહાડગંજ નજીક થયો હતો. બીજો બ્લાસ્ટ ગોવિંદપુરી વિસ્તારમાં થયો હતો. ત્રીજો બ્લાસ્ટ દિલ્હીના સરોજીની નગરમાં થયો હતો. આ સિરીયલ બોંબ બ્લાસ્ટમાં અનેક લોકોએ પ્રાણ ગુમાવ્યા હતા. વર્ષ 2006માં વારાણસીમાં સિરીયલ બોંબ બ્લાસ્ટ થયા હતા, જેમાં 28 જણાંના મોત નિપજ્યાં હતા અને 101 લોકોને ઈજા પહોંચી હતી.

PTIPTI
વારાણસીના પવિત્ર ધાર્મિક સ્થળ સંકટ મોચન હનુમાન મંદિર પાસે પહેલો બોંબ વિસ્ફોટ થયો હતો. મંગળવારે ભક્તજનોની ભારે ભીડ હોવાના કારણે આતંકવાદીઓએ આ સ્થળને નિશાન બનાવ્યુ હતુ. બીજો બ્લાસ્ટ વારાણસી રેલ્વે સ્ટેશન પાસે થયો હતો. અને ત્યારપછી એક ટ્રેનમાં પણ વિસ્ફોટ થયો હતો. તેવી જ રીતે વર્ષ 2006માં મુંબઈની લોકલ ટ્રેનમાં સાત વિસ્ફોટો થયા હતા. જેમાં લગભગ 209 લોકોના મોત નીપજ્યાં હતા અને 700થી વધુ લોકો ઈજા પામ્યા હતા. દેશમાં થયેલા સિરીયલ બોંબ બ્લાસ્ટની લાંબી યાદીમાં હવે ગુલાબી નગરી જયપુરનુ નામ પણ જોડાયુ છે. ગઈકાલે અહીં શ્રેણીબદ્ધ રીતે છ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 60થી વધુ લોકોના મોત થયાની આશંકા છે. દેશના વિવિધ વિસ્તારોમાં વધી રહેલા આતંકવાદી હુમલા રોકવા માટે સચોટ પગલાં લેવાય તે જરૂરી છે.