ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની અનિચ્છા છતાં ગઈકાલે ગોવા ભાજપ કારોબારીમાં રાષ્ટ્રીય પ્રમુખ રાજનાથસિંહે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચાર સમિતિના ચેરમેનપદે વરણી કરી હતી. આ જાહેરાતની સાથે જ મોદી સમર્થક રાષ્ટ્રીય- પ્રાદેશિક નેતાઓ અને કાર્યકરોમાં અને ખુદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મોટો વિજય હાંસલ કર્યો હોય એવી ખુશાલીનો માહોલ ઉભો કર્યો હતો. ઠેર ઠેર ઢોલ-નગારા દારૃખાનું ફોડયું હતું પરંતુ બપોરે અડવાણીએ સંગઠનના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દેતાં મુખ્યમંત્રી સહિત રાષ્ટ્રીય- પ્રાદેશિક નેતાઓનો ઉત્સાહ માતમમાં ફેરવાઈ ગયો હતો.
દેશના વડાપ્રધાનપદને લક્ષ્ય બનાવીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ ચરણમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર ઇન્ચાર્જ બનવા લાંબા સમયથી તૈયારીઓ શરુ કરી હતી. આ માટે તેમણે રાષ્ટ્રીય નેતાઓ અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રી, હોદ્દેદારો વગેરે સાથે ઘનિષ્ઠ આયોજન અને રણનીતિ ઘડી કાઢ્યા હતા. રાષ્ટ્રીય પ્રમુખ પાસે તેમણે આ જાહેરાત કરાવવા અગાઉ પણ પ્રયત્નો કર્યા હતા પરંતુ અડવાણી, સુષ્મા સ્વરાજ, મુરલી મનોહર જોષી, જશવંતસિંહ સહિત કેટલાક હોદ્દેદારો અને સંઘના પ્રચારકોના વિરોધના કારણે જાહેરાત અટકી પડી હતી. પરંતુ ગોવા ખાતેની રાષ્ટ્રીય કારોબારીમાં આ નિર્ણય કરાવવા મક્કમ રહેલા મોદીના કારણે અડવાણીએ નાદુરસ્ત તબિયતનું કારણ આગળ ધરીને ગોવા કારોબારીમાં હાજર રહેવાનું ટાળ્યું હતું. મિડિયામાં અડવાણીનો વિરોધ જાહેર થતા મોદી સેનાએ અડવાણીના નિવાસસ્થાન બહાર દેખાવો યોજ્યા હતા એટલું જ નહીં, પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જે નક્કી થવું જોઈએ તે મોદીની જીદ અને સંઘના દબાણ વચ્ચે રાષ્ટ્રીય પ્રમુખ રાજનાથસિંહે નિર્ણય જાહેર કરી મોદીને પ્રચાર સમિતિના અધ્યક્ષ જાહેર કરી દીધા હતા.
અડવાણી માટે આ જાહેરાત કારમો આઘાત હતો. જે નિર્ણય પાર્ટીના ફોરમમાં વ્યાપક ચર્ચાના અંતે લેવાવો જોઈએ તે નિર્ણય એક વ્યક્તિના દબાણ અને સંઘના કહેવાથી લેવાનો હોય તો પાર્લામેન્ટરી બોર્ડ, ચૂંટણી સમિતિ કે કારોબારી સમિતિનો કોઈ અર્થ જ રહેતો નથી. આ સ્થિતિમાં તેમણે મનોંમંથન કરીને આજે સંગઠનના હોદ્દાઓ પરતી રાજીનામું ધરી દીધું છે. તેમને એ પણ અહેસાસ થયો હશે કે જો રાજીનામું ન આપે તો પણ તેમને હવે પક્ષમાં કોઈ યોગદાન આપવાની સ્થિતિમાં રહેવા દેવાશે નહીં. આ સ્થિતિ આવે તે પહેલા જ તેમણે સમગ્ર ભાજપ પક્ષને આંચકો આપે તેવો નિર્ણય કરીને રાજીનામાનો પત્ર રાષ્ટ્રીય અધ્યક્ષને સુપ્રત કરી દીધો છે.
આ નિર્ણય જાહેર થતાં જ ભાજપના રાષ્ટ્રીય નેતાઓ જેઓ ગઈકાલે મુખ્યમંત્રીને મોટા ફૂલહાર કરી ચૂંટણી ગયા હોય તેવા ચમકતા ચહેરા સાથે મંચ પર હતા એવા તમામ રાષ્ટ્રીય નેતાઓ, પ્રવક્તાઓના મોં વિલાઈ ગયા છે. તેઓ અડવાણીને મળવા- મનાવવા દોડી ગયા હતા. ગુજરાત ભાજપની સ્થિતિ ઘણી વિકટ બની ગઈ છે. ગઈકાલ બપોરથી રાત સુધી મોદી માટે જશ્ન મનાવ્યા પછી આજે જ્યારે અડવાણીના રાજીનામાના સમાચાર અને રાષ્ટ્રીય કક્ષાએ ભૂકંપની સ્થિતિ સર્જાઈ ત્યારે તમામના ચહેરા ઉતરી ગયા હતા. એટલું જ નહિ એક પણ નેતા મિડિયા સમક્ષ ઉભા રહી શકવા જેટલી નૈતિકતા ગુમાવી ચૂક્યા હતા. ભાજપમાં સન્નાટો વ્યાપી ગયો છે. હવે શું થશે નો ગભરાટ તમામ મોદી સમર્થકો કે તેમની કૃપાથી પદ પર રહેલા તમામ નેતાઓની છે. પ્રદેશ પ્રવક્તા આઇ. કે. જાડેજા પ્રદેશ કાર્યાલયમાં ઉપસ્થિત હતા પરંતુ પત્રકારોના એક પણ પ્રશ્નનો જવાબ આપવાનું ટાળી જણાવ્યું હતું કે, અમારા દિલ્હીના નેતાઓ જે કાંઈ કહેવાનું હશે એ કહેશે મારે કશું કહેવાનું નથી.
આ ઘટનાથી મૃતપ્રાય અવસ્થામાં રહેલી કોંગ્રેસમાં સંચાર થયો છે. આજે કોંગ્રેસના નેતાઓએ પત્રકારો સમક્ષ મોદી અને મોદીને મહાન બનાવનારા અડવાણી અંગે અનેક આક્ષેપો કરવાની તક જતી કરી નહોતી.