ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 3 જુલાઈ 2014 (16:43 IST)

ઘરમાં કપડાનાં કબાટ ભર્યા છે છતાં, ઓછા કપડા પહેરવાની ફેશન ચાલી છેઃ મોરારીબાપુ

વૈશ્વિક સંત અને સુપ્રસિધ્‍ધ રામાયણી પૂ. મોરારિબાપુ રામકથાના માધ્‍યમથી વિશ્વના તમામ ધર્મને એક મંચ પર લાવીને શાંતિ, પ્રેમ અને સદ્દભાવનાનો સંદેશો આપવા વિવિધ દેશોમાં  રામકથાનું તત્‍વજ્ઞાન હળવી અને સહજ શૈલીમાં રજુ કરી રહ્યા છે. આજકાલ તેઓ ખ્રિસ્‍તીઓના પ્રદેશ ઇટાલીના રોમ શહેરમાં ગુજરાતીઓ સહિતના ભારતીય શ્રોતાઓ અને સ્‍થાનિક ધર્મપ્રેમીઓને સત્‍ય, પ્રેમ અને કરૂણાનો સંદેશો આપી રહ્યા છે, વિશ્વના ધર્મો આ ત્રણેય પરમતત્‍વોને સ્‍વીકારે, આ ત્રણેય બાબતો ભગવાન રામમાં મૂર્તિમંત છે. ‘‘રામો વિગ્રહવાન ધર્મ'' રામાયણના આદ્ય રચયિતા વાલ્‍મિકીની દ્રષ્‍ટિએ રામ મૂર્તિમંત ધર્મ છે તેથી રામ અને રામાયણ વર્તમાન જગત માટે નિતાંત આવશ્‍યક છે, માનવીને અને સમગ્ર સમાજને ભવિષ્‍યમાં પણ યજ્ઞફળ આપનારી રામકથાનું પૂ. મોરારિબાપુ ઇટરાલીના પ્રાચીન શહેર રોમના કોન્‍સિલીજીયન ઓડીટોરિયમ ખાતે ઇટાલીયન સમય સવારે ૯-૩૦ થી ૧-૩૦, ભારતીય સમય પ્રમાણે બપોરે ૧ થી પ સુધી રામકથાના અર્ક સમાન તત્‍વજ્ઞાન ‘માનસ ભગવાન' વિષયે છેલ્લાં ત્રણ દિવસથી રામ રસનું યાન કરાવી રહ્યા છે. ૧૭૦૦ બેઠકની ક્ષમતાના આ હોલમાં પહેલાં દિવસથી જ શ્રોતાઓની સંખ્‍યા ભરચક રહે છે, ગઇકાલે ચોથા દિવસે ઓડીટોરિયમ બહાર મુકેલ માઇક સ્‍પીકરોમાં રામકથા સાંભળવાવાળા શ્રોતાઓની સંખ્‍યા પણ ઘણી હતી.

    પૂ. મોરારિબાપુએ શ્રીરામ કથાના પ્રથમ ત્રણ દિવસ ભગવાન વિષયે સંવાદી ચર્ચા કરી ભગવાનની સર્વ વ્‍યાયકતાનું દર્શન કરાવ્‍યું બે દિવસ ચાલેલી આ સંવાદમય ચર્ચા ખૂબ જ રસપ્રદ રહી, ગઇકાલે ચોથા દિવસે પૂ. બાપુએ રામકથાના મુખ્‍ય વિષય ‘માનસ ભગવાન' ના ઉપક્રમને આગળ વધારતાં કહ્યું કે, ‘ભગવાન અનંત છે, વિભૂનો કોઇ અંત નથી, જેમાં  છ વસ્‍તુ અનંત છે તેને આપણે ભગવાન કહીએ છીએ, ભગવતા હોય તે ભગવાન. કોઈપણ દેશ અને કાળ માટે આ સનાતન સત્‍ય આત્‍મસાત કરવુ જ રહ્યુ. આવા પરમ તત્‍વને કથામાંથી સમજવુ જોઈએ તો જ કથા શ્રવણની સાર્થકતા છે, હંમેશા હૃદયના દરવાજા ખુલ્લા રાખો, આંખો ખુલ્લી રાખો. આપણે બંધિયાર થઈ ગયા છીએ એટલે જ માનવીય સમસ્‍યાઓ સર્જાણી છે. બાપુએ શ્રોતાઓને શીખ આપતા કહ્યુ કે, ‘કોઈની નિંદા ન કરો, નિદાન કરો. નિદાન હંમેશા કલ્‍યાણ પક્ષે હોય છે. જેનામા ભેદ હોય તે બીજાને શાંતિ નહિ આપી શકે અને મેળવી શકશે પણ નહિં. ભગવાન કૃષ્‍ણ અભેદ છે, તેમના મતે કર્ણ ધર્માત્‍મા છે, દુશ્‍મન પર પણ દયા કરવાવાળો કર્ણ છે, દુશ્‍મનના પણ સારા ગુણ જોવાની આ છે અભેદયતા.

   ચાર કલાકની આ શિસ્‍તબદ્ધ કથામાં શ્રોતાઓની ચીઠ્ઠીઓના જવાબ આપતા પૂ. બાપુએ કહ્યુ કે, ‘કથા પ્રેમવાટિકા છે, ધર્મશાળા છે, રામકથાનું આદર્શ પાત્ર ભરત માનવ સમાજને પ્રેમનો સંદેશો આપે છે, કથામાં ધર્મનું શિક્ષણ આપવામાં આવે છે છેલ્લે ધર્મશાળા પણ ઉચિત શબ્‍દ છે. ભગવાન શિવ દ્વારા રચિતશ્રી રામકથા તેમણે પાર્વતીને સંભળાવી હતી ત્‍યારબાદ સદીઓથી આ સનાતન સત્‍યનો સંદેશો આપતી કથાએ તત્‍કાલીન માનવ સમાજને જીવનનું પથદર્શન કરાવ્‍યુ છે.

   પૂ. મોરારીબાપુએ રોમ ખાતેની ચોથા દિવસની કથામાં જીજ્ઞાષુ શ્રોતા સમુદાય સમક્ષ માનવ સમાજ જેને પરમતત્‍વ-ભગવાન માને છે તેની બૃહદ પરિભાષા સમજાવતા કહ્યુ કે, ‘માનવ સ્‍વરૂપે ઘટતી ઉપર અવતરેલ દિવ્‍યાત્‍મામાં ૬ અનંત વસ્‍તુનું દર્શન થાય છે... આંતર-બાહ્ય ઐશ્વર્ય. આ દિવ્‍ય ઉપલબ્‍ધિને આલોચનાની કોઈ અસર થતી નથી. આવી અખંડ કિર્તીના માલિક હોય છે ત્રીજી અનંત વસ્‍તુ, અનંત શ્રી - શોભા, સૌંદર્ય. પરમાત્‍માનું સૌંદર્ય અખંડ રહે છે, હંમેશા અખંડ શ્રી વિભુષિત હોય છે, અનંત આગેકૂચ અને અનંત વિક્રમ - પરાક્રમ છે. અખંડ જ્ઞાન અને અખંડ વૈરાગ્‍ય ભગવાનની ઓળખ છે. અખંડ સ્‍વાર્થરહીત સમજ ભગવાનની અનંતતાના માપદંડ છે. આ પુર્ણ પરમાત્‍મા, પુર્ણ બ્રહ્મના આપણે અંશો છીએ ત્‍યારે પ્રવર્તમાન કલીકાળમાં ભગવાનના આવા ઐશ્વરીય ગુણોને શા માટે ન અનુસરીયે? શ્રી રામ અનંત છે, શ્રી રામ કથા અનંત છે. ભુતળ ઉપરના સર્વે માનવીઓને દિવ્‍ય અને ઉચ્‍ચતર જીવનનો સંદેશો આપે છે. તુલસીદાસે આ કથાને ભાષાબધ્‍ધ કરી, આપણે ભાવબધ્‍ધ કરીએ એ સમયની માંગ છે.

   પૂ. બાપુએ કહયું કે, વિશ્વના માનવ સમાજને ધરતી ઉપર દિવ્‍ય જીવનનો સંદેશો આપતા બે ભારતીય સદગ્રંથો ભાગવત અને રામાયણ-રામકથાના ચિરાગ-દિવાને બુઝાવવા સમયે સમયે અનેક આંધી-તોફાનો આવ્‍યા પણ બુજાવી શકયા નથી. માનવીને સદપ્રકાશ આપતી આ દિવ્‍ય જયોત આજે પણ અનેક માનવીના જીવનને પ્રકાશ આપી રહી છે.

   રામાયણના આદર્શ મહિલા પાત્રો કૌશલ્‍યા, રામના નાનાભાઇ લક્ષ્મણના ધર્મપત્‍ની વિશ્વના દંપતીઓ માટે આદર્શ બની રહેવા જોઇએ. પતિને પ્‍યાર કરો, પતિ-પત્‍નિ પારસ્‍પરીક આદર અને પ્‍યાર કરે આ છે રામકથાની શીખ. બાપુએ હળવો વ્‍યંગ કરતા કહયું કે, આજે આપણા ઘરે વસ્ત્રોના કબાટો ભર્યા છે. પરંતુ આપણે ઉઘાડા પડતા જઇએ છીએ!! આવું કેમ?