Last Modified: અમદાવાદ, , શનિવાર, 7 મે 2016 (12:16 IST)
નીટમાં રાહત મળશે
મેડિકલ પ્રવેશ માટે ફરજીયાત સુપ્રીમ કોર્ટના આદેશમાં ગુજરાતને એક વર્ષની રાહત મળે તેવા સંકેતો જણાઈ રહ્યા છે. આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન મેડિકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના વકિલ દ્વારા ગુજરાત સરકારની માંગણી મુજબ, ગુજકેટની પરીક્ષા લેવામાં આવે અને તેના આધારે રાજ્યની મેડિકલ કોલેજમાં પ્રવેશને સમર્થન આપતુ નિવેદન કરવામાં આવ્યુ હતું. જે, ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
જોકે, ભારત સરકારે પોતાનો અભિપ્રાય રજુ કરવા માટે બે દિવસનો સમય માંગ્યો છે. એટલે કે સોમવારે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર પોતાનો જવાબ રજુ કરશે, ત્યારબાદ સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો રજુ કરશે. જોકે, સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કરી દીધુ છે કે, ખાનગી મેડિકલ કોલેજોને તે પોતાની પ્રવેશ પરીક્ષા લેવાની મંજુરી આપી શકે તેમ નથી. એટલે કે, જો સુપ્રીમ કોર્ટ ગુજકેટના સમર્થનમાં ચુકાદો આપે તો પણ સરકારી કોલેજોમાં જ તેના આધારે પ્રવેશ આપી શકાશે. જ્યારે ખાનગી કોલેજ માટે નીટની પરીક્ષા ફરજીયાત રહેશે. ગુજરાતમાં કુલ ૧૮ મેડિકલ કોલેજ પૈકી ૧૬ મેડિકલ કોલેજ સરકારી છે, જ્યારે બે મેડિકલ કોલેજ ખાનગી છે. જોકે, રાજ્ય
સરકારને આજની કાર્યવાહીના આધારે પુર્ણ વિશ્વાસ છે કે, આ વર્ષે ગુજરાતમાં ગુજકેટની પરીક્ષાના આધારે મેડિકલમાં પ્રવેશ આપવાની મંજુરી કેન્દ્ર સરકાર આપશે.
જેના કારણે ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી દીધી છે કે, આગામી ૧૦ મેના રોજ લેવાનાર ગુજકેટની પરીક્ષા તેના રાબેતા કાર્યક્રમ મુજબ જ લેવામાં આવશે. આ ગુજકેટની પરીક્ષામાં ૩૯૩૦૩ વિદ્યાર્થીનીઓ અને ૨૮૯૪૨ વિદ્યાર્થીઓ મળીને કુલ ૬૮૨૪૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ માટે રાજ્યના કુલ ૩૫ શહેરોમાં ૨૯૨ પરીક્ષા કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે.