ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનાં પરિણામોમાં ટાઇ પડ્યા બાદ આજે મળેલી પહેલી સામાન્ય સભામાં ભાજપે કોંગ્રેસના એક સભ્ય પ્રવીણ પટેલને ફોડીને બહુમતી મેળવી લેતાં ફરી એક વાર ઇતિહાસનું પુનરાવર્તન થયું છે. ભાજપ રાજકીય ચાલ ચાલીને કોંગ્રેસને માત આપી સત્તા મેળવવામાં સફળ રહ્યું છે. ફરી એક વાર કોંગ્રેસ તેના સભ્યોને સાચવી શકવામાં અસફળ રહેતાં કોંગ્રેસ માટે 'હાથ કો આયા પર મુંહ ન લગા' જેવો ઘાટ સર્જાયો હતો અને ભાજપે એક વોટથી સત્તા કબજે કરી હતી, જોકે પ્રવીણ પટેલ ભાજપમાં જોડાયાના પગલે જ ગાંધીનગરમાં હાજર રહેલા કોંગ્રેસના ટેકેદારોએ પ્રવીણ પટેલને ધક્કે ચડાવ્યા હતા અને ટપલીદાવ કર્યો હતો. ભાજપે પ્રવીણ પટેલને પક્ષપલટાનો શરપાવ આપીને મેયરપદ આપી દીધું હતું. ભારે હોબાળા વચ્ચે મેયરની ચૂંટણી યોજાઈ હતી અને 17 મત સાથે પ્રવીણ પટેલ મેયર પદે ચૂંટાઈ આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે મેયરનો નિર્ણય ચિઠ્ઠી નાખીને કરવામાં આવે તેવી શકયતા હતી.ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના કુલ આઠ વોર્ડના 32 ઉમેદવારો 16-16 બેઠકો માટે ચૂંટાઇ આવ્યા હતા, પરંતુ છેલ્લી ઘડીએ સમિકરણો બદલાતાં કોંગ્રેસી સભ્યો લઘુમતીમાં આવી ગયા હતા. કોંગ્રેસી નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ભાજપે કોંગ્રેસના સભ્યને સત્તાની સાઠમારીમાં મોટી લાલચ અને પદ આપીને ખરીદી લીધા છે.
શરૂઆતી તબક્કે બંને પક્ષો દ્વારા મેયર પદ અને ડેપ્યુટી મેયર પદ માટે દાવેદારી નોંધાવવામાં આવી હતી. જો કે બંને પક્ષ દ્વારા મેયર પદના ઉમેદવારનું નામ જાહેર નહીં કરાતાં સસ્પેન્સનો માહોલ ઊભો થયો હતો, પરંતુ છેલ્લી ઘડીએ ભાજપ બહુમતીમાં આવતાં મેયરપદે પ્રવીણ પટેલ, ડેપ્યુટી મેયરપદે દેવેન્દ્રસિંહ ચાવડા અને પ્રવીણ પટેલને કોંગ્રેસમાંથી ભાજપમાં ખેંચી લાવવામાં સફળ રહેલા ભાજપી સભ્ય મનુ પટેલને સ્ટેન્ડિંગ કમિટીનો શરપાવ પક્ષે આપ્યો છે.