બકરીઓએ દારૂ ઢીંચ્યો, ભૂલી ગઇ ભાન, દવાખાને લઇ જવી પડી
તમે એ કહેવત તો સાંભળી જ હશે કે 'બકરી બરફ ખાઈ ગઈ'. વધુ પડતો દારૂ પીને લવારી કરતા વ્યક્તિ માટે આ કહેવત વપરાય છે. પરંતુ મહેસાણા જિલ્લાના ખેરાલુમાં તો ખરેખર બકરી જ બરફ ખાઈ ગઈ તેવો ખાટ સર્જાયો. ખેરાલુના રમેશ પટણી ગત ગુરુવારની સવારે ઘણા પરેશાન હતા, કેમકે તેમની ચાર બકરીઓ દારૂ પીને બેભાન થઈ ગઈ હતી. રમેશ પશુપાલનનું કામ કરે છે.
રમેશ પાસે ૪૦ બકરીઓ છે, જેમાંથી ચારે દારૂ પી લીધો હતો અને નશામાં ધૂત થઈ ગઈ હતી. બન્યું એવું કે, પોલીસે પકડેલા દારૂને જે જગ્યાએ નષ્ટ કર્યો હતો તે જગ્યાએથી બકરીઓએ જમીન પર ઢોળાયેલો દારૂ પી લીધો હતો. તે પછી બકરીઓને હોસ્પિટલ લઈ જવાઈ, જ્યાં થોડા સમય પછી બકરીઓને ભાન આવ્યું.
રમેશની પરેશાની બુધવારની સાંજે શરૂ થઈ. તેમણે જોયું કે, કેટલીક બકરીઓ અજબ હરકતો કરી રહી છે અને બેભાન થઈ રહી છે. તે પહલા સુધી તે આરામથી ચારો ખાઈ રહી હતી. રમેશે તપાસ કરી તો જાણવા મળ્યું કે, કેટલાક કલાક પહેલા જ પોલીસે દારૂની ૧૧,૫૦૦ બોટલો પર જ્યાં બુલડોઝર ફેરવ્યું હતું, ત્યાં લગભગ ૬૦ ટકા દારૂ જમીનને ચૂસી લીધો હતો પરંતુ કાદવ-કીચડમાં રહી ગયેલો દારૂ આ બકરીઓએ પી લીધો હતો, જેના લીધે તેમને નશો ચડી ગયો હતો.
રમેશે જણાવ્યું કે, 'તેને એક લારી કરી અને બેભાન બકરીઓને ઘરે લઈ આવ્યો. બાદમાં બકરીઓને ભાન તો આવ્યું પરંતુ તે અજબ હરકતો કરવા લાગી. તે તોફાની બની રહી હતી. મેં મારી બકરીઓને ક્યારેય વાડામાં બંધ કરીને નથી રાખી પરંતુ એ રાત્રે મારી પાસે કોઈ ઓપ્શન ન હતો. મેં આખી રાત તેમને પૂરી રાખી, પરંતુ સવાર સુધી ચાર બકરીઓનો હેંગઓવર પૂરો થયો ન હતો. તે પછી હું તેમને હોસ્પિટલ લઈ ગયો.'
ખેરાલુ પોલીસ ઈન્સ્પેક્ટર એસ. એચ. બાવાએ જણાવ્યું કે, 'અમને જાણવા મળ્યું છે કે, બકરીઓ દારૂ પીને બેભાન થઈ ગઈ હતી. અમે ત્યાં દારૂ નષ્ટ કર્યો હતો, પરંતુ અમને લાગ્યું કે, દારૂ જમીનમાં સૂકાઈ ગયો હશે.' આ પહેલા પણ અમદાવાદમાં ગાય અને બકરીઓ દારૂ પીને નશામાં ધૂત થઈ ચૂકી છે.