મિશ્ર ઋતુ અને માખી, મચ્છરોનાં આક્રમણથી ઘરે-ઘરે માંદગીનાં ખાટલા
આ વર્ષે વિલંબથી વરસાદનું આગમન થયુ હતુ. દરમિયાન હાલ શ્રાવણ મહિનાનું અંતિમ અઠવાડિયુ ચાલી રહ્યુ હોવા છતા ભાદરવા મહિના જેવો માહોલ જોવા મળે છે. હજુ શ્રાવણી સરવડાં તેમજ જોરદાર વરસાદી ઝાપટાં વચ્ચે ભારે તડકાના કારણે લોકોના સ્વાસ્થ ઉપર અસર પડી રહી છે. ભારે બફારાના કારણે લોકો પરસેવાથી રેબઝેબ થઈ રહ્યા છે. હાલ ડબલઋતુ જેવુ વાતાવરણ સર્જાતા લોકો તાવ, શરદી, સળેખમ, ઝાડા, ઉલટી, કમળો જેવા વાવરની ઝપટે ચડી રહ્યા છે. ઘેર ઘેર માંદગીના ખાટલા મંડાયા છે. દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.
સામાન્યરીતે ભાદરવા મહિનામાં પડતી ગરમી અને બફારો હાલ શ્રાવણમાં શરૃ રહેતા લોકોના સ્વાસ્થ્ય કથળી રહ્યા છે. હજુ પણ શહેર, જિલ્લાના વિવિધ સ્થળોએ અવાર નવાર વરસાદી ઝાપટાં શરૃ રહેતા ઠેર ઠેર કાદવ કીચડ જામી રહ્યા છે. વરસાદી પાણીના કારણે રસ્તાઓના ખાડાઓમાં પાણી ભરાઈ રહેતા માખી, મચ્છરનો ત્રાસ વધી રહ્યો છે. દરમિયાન કેટલાક સ્થળોએ પાણી લાઈન સાથે ગટરલાઈન ભળી જતા શુધ્ધ પીવાના પાણીના અભાવે ઝાડા, ઉલટીના કેસો વધ્યા છે. તો હવામાનમાં ડબલઋતુ જેવો માહોલ સર્જાતા તાવ, શરદી, સળેખમ જેવી બિમારીનો ભોગ લોકો બની રહ્યા છે.
સરકારી દવાખાનાઓમાં દર્દીઓની લાંબી લાઈનો લાગે છે. બીજી તરફ કેટલાક ખાનગી દવાખાના ચલાવતા ડોક્ટરો દ્વારા દર્દીઓની બિમારી અને ગરજ જોઈને સારવાર અને તપાસના વધારે નાણા પડાવાતા હોવાની રાવ ઉઠી છે.