ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By એજન્સી|

21મી માર્ચે પારસીઓનું નવું વર્ષ નવરોજ

3000 વર્ષ પહેલા શાહ જમશેદજીએ પારસી ધર્મમાં નવરોજ મનાવવાની શરૂઆત કરી હતી.

PRP.R

આજથી લગભગ 3000 વર્ષ પહેલા શાહ જમશેદજીએ પારસી ધર્મમાં નવરોજ મનાવવાની શરૂઆત કરી હતી. નવ એટલે નવો અને રોજ એટલે દિવસ. પારસી ધર્મમાં માનનારા લોકો માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. નવરોજના દિવસે પારસી પરિવારોમાં બાળકોથી માંડી તમામ લોકો જલ્દી તૈયાર થઇ નવા વર્ષને વધાવવાની તૈયારીઓમાં લાગી જાય છે. આ દિવસે પારસી લોકો પોતાના ઘરના આંગણે રંગોળીની સજાવટ કરે છે. ચંદનથી ઘરને સુગંધિત કરવામાં આવે છે. આ બધું ફક્ત નવા વર્ષના સ્વાગત માટે નહીં, પરંતુ હવાને શુધ્ધ કરવાના હેતુથી પણ કરવામાં આવે છે.

આ દિવસે પારસી મંદિર અગિયારીમાં વિશેષ પ્રાર્થનાઓનું આયોજન કરવામાં આવે છે. આ પ્રાર્થનાઓમાં વિતેલા વર્ષની તમામ ઉપલબ્ધિઓ માટે ભગવાન પ્રતિ આભાર વ્યક્ત કરવામાં આવે છે. મંદિરમાં પ્રાર્થનાની વિધિ સમાપ્ત થયા બાદ સમુદાયના તમામ લોકો એકબીજાને નવા વર્ષના અભિનંદન પાઠવે છે.

નવરોજના દિવસે ઘરમાં મહેમાનોનો આવવા-જવાનો અને અભિનંદન પાઠવવાનો દોર ચાલુ રહે છે. આ દિવસે પારસી ઘરોમાં સવારે નાસ્તામાં રવો નામની મીઠાઇ બનાવવામાં આવે છે. જેને સુજી, દૂધ અને ખાંડ મેળવીને તૈયાર કરવામાં આવે છે. નવરોજના દિવસે પારસી પરિવારોમાં વિભિન્ન શાકાહારી અને માંસાહારી ભોજનની સાથે મગની દાળ અને ભાત અનિવાર્ય રીતે બનાવવામાં આવે છે. જુદા-જુદા સ્વાદિષ્ટ પકવાનો સાથે મગની દાળ અને ભાત એ સાદગીનું પ્રતિક છે, જેને પારસી સમુદાયના લોકો જીવનપર્યંત અપનાવે છે.

નવરોજના દિવસે ઘર આવનાર મહેમાનો ઉપર ગુલાબજળ છાંટી તેમનું સ્વાગત કરવામાં આવે છે. બાદમાં તેમને નવા વર્ષની શુભ શરૂઆત માટે ફાલૂદો ખવડાવવામાં આવે છે. ફાલૂદો સેવઇઓથી તૈયાર કરેલી એક મીઠી વાનગી છે. જો કે પારસી સમુદાયના લોકોની જીવનશૈલીમાં આધુનિકતા અને પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળે છે. પરંતુ પારસી સમાજમાં આજે પણ તહેવારો એટલા જ પારંપરિક રીતે મનાવવામાં આવે છે, જેટલા વર્ષો પહેલા મનાવવામાં આવતા હતા.

આમ તો ભારતના દરેક તહેવારોમાં ઘર સઝાવટને લઇને મંદિરોમાં પુજા પાઠ કરવા તથા એકબીજાને અભિનંદન પાઠવવા સહિતની બાબતનો સમાવેશ થાય છે. જે વાત આ પારસી લોકોના નવાવર્ષને ખાસ બનાવે છે તે એ છે કે નવરોજ સમાનતાનો ઉદેશ આપે છે. માનવતાની રીતે જોવામાં આવે તો નવરોજની તમામ પરંપરાઓ મહિલાઓ અને પુરૂષો સાથે મળીને નિભાવે છે. તહેવારની તૈયારીઓથી લઇને તહેવારનો આનંદ ઉઠાવવામાં બન્ને એકબીજાને પૂરક બની રહે છે.