34 વર્ષ પછી સરકાર બાંધકામ માટે 100 કરોડ ખર્ચશે. ગુજરાત વિધાનસભાને મળશે હવે કોર્પોરેટ લુક,
ગુજરાત સરકારે ગુજરાત વિધાનસભાને આખરે 34 વર્ષના લાંબા સમયગાળા બાદ 100 કરોડના ખર્ચે નવો કોર્પોરેટ લુક આપવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. આગામી 2017ના વર્ષમાં અત્યાધુનિક સુવિધાઓ સાથે ગુજરાત વિઘાનસભાનું નવું સંકુલ બનશે. આ માટે ટુંક સમયમાં પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
૮ જુલાઇ ૧૯૮રથી કાર્યરત વિધાનસભા સંકુલ ૩૪ વર્ષ પછી નવો લુક ધારણ કરશે. નવા પ્લાન મુજબ મૂળ સ્ટ્રકચરને યથાવત્ રાખીને ૧૦૦ કરોડના ખર્ચે આગામી ર૦ વર્ષનો વિચાર કરીને સંસદીય સચિવો, દંડકો, વિપક્ષના નેતાઓની ઓફિસની સંખ્યામાં વધારો કરાશે અને આ ઓફિસોને અત્યાધુનિક કોર્પોરેટ લુક અપાશે. સચિવાલય વિધાનસભા સચિવાલય સ્વર્ણિમ સંકુલ ૧ અને રની મધ્યમાં આવેલા વિધાનસભા સંકુલને સ્વર્ણિમ સંકુલનો મેચિંગ લુક અપાશે. તેના માટે બહારનું એલિવેશન પણ તે રીતે તૈયાર કરાશે. હાલના સચિવાલયને યથાવત્ રાખીને જે રીતે તેની આસપાસ બે નવા સ્વર્ણિમ સંકુલ બનાવાયાં છે તે જ રીતે મૂળ સ્ટ્રકચરને યથાવત્ રાખીને સંકુલનું એલિવેશન તેમજ આંતરિક માળખું બદલવામાં આવશે.
આ અંગે વિધાનસભાના સચિવ ડી. એમ. પટેલે જણાવ્યું હતું કે ૧૦૦ કરોડના ખર્ચે તૈયાર થનારી આ બિલ્ડિંગનું મૂળ માળખું યથાવત્ રાખી વાસ્તુશાસ્ત્ર, ગ્રીન બિલ્ડિંગ ટેકનોલોજી, ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, આધુનિક અગ્નિશામક સુવિધા, વોટર હાર્વેસ્ટિંગ સાથે કોર્પોરેટ લુક અને સુવિધા ધરાવતું અતિ આધુનિક વિધાનસભા સંકુલ તૈયાર થશે જે વર્ષ ર૦૧૭માં પૂર્ણ થશે.
હાલમાં તમામ પ્રધાનોની ઓફિસ એક જ ફલોર પર સમાઇ શકે તેમ ન હોવાથી ૩ અને ૪ માળ પર ઓફિસ ફાળવવામાં આવી છે. નવા પ્લાન મુજબ કેબિનેટ અને રાજ્ય કક્ષાના તમામ પ્રધાનોની ઓફિસ એક જ ફલોર પર રહેશે. વાસ્તુશાસ્ત્રીઓની સલાહ મુજબ પ્રધાનોની ઓફિસો, વિધાનસભા કાર્યવાહી માટેના બેઠક ખંડની વ્યવસ્થા આંતરિક અને બાહ્ય માળખું ડિઝાઇન કરવામાં આવ્યું છે.
રાજ્યના મંત્રીઓ વિધાનસભા સંકુલથી સ્વર્ણિમ સંકુલ ૧ અને રમાં સીધા પહોંચી શકે તે માટે આંતરિક બ્રિજ કાર્યરત બનાવાશે. સંકુલની લાઇબ્રેરી, મ્યુઝિયમ, કેન્ટિન વગેરે આધુનિક બનાવવામાં આવશે. દરેક માળ પર એલઇડી, દરેક ફલોર પર પેન્ટ્રી, ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટથી કુદરતી હવા આવે તેવું બાંધકામ કરવામાં આવશે. ધારાસભ્યો તેમજ મહિલા ધારાસભ્યો માટે અલગ કોન્ફરન્સ રૂમ, રિલેકસેશન રૂમ બનાવવામાં આવશે. મુલાકાતીઓ માટે પ્રતીક્ષાખંડ, વિદેશથી આવનારા મહેમાનો અને ભૂતપૂર્વ સ્પીકર માટે સ્પેશિયલ કોન્ફરન્સ રૂમ બનાવાશે.