ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 24 ઑક્ટોબર 2016 (14:12 IST)

જાણો કોંગ્રેસ દ્વારા કરવામાં આવનારા ભાજપ વિરૃધ્ધનાં આંદોલન કેમ અટકી પડયાં

વિધાનસભાની ચૂંટણીને પગલે કોંગ્રેસે ભાજપ સરકારની નિષ્ફળતા સામે લડવા આંદોલનાત્મક કાર્યક્રમો ઘડયા હતાં . કોંગ્રેસે રાજ્યભરમાં યોજેલા લોકદરબાર અને જનઆક્રોશ રેલીન ભરપૂર પ્રતિસાદ સાંપડયો હતો. આમ છતાંયે કોંગ્રેસના નેતાઓની ટાંટિયાખેંચમાં અત્યારે આંદોલનોના કાર્યક્રમો જ અટકી પડયાં છે. ખુદ હાઇકમાન્ડે નરેન્દ્ર મોદીના હોમટાઉન ગુજરાતમાં જીએસપીસી સહિતના કૌભાંડોને ચગાવીને દેશભરમાં મોદી વિરૃધ્ધની લહેર દોડાવવા આદેશ કર્યો હતો પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અંદરોઅંદરની એટલી ખેંચતાણ કરી રહ્યા છે ભાજપ સરકારની નિષ્ફળતા જ ભૂલાઇ ગઇ છે.

એક તરફ, ભાજપે વહેલી ચૂંટણી યોજવાની તૈયારીઓ સાથે કાર્યકરોને કામે લાગી જવા આદેશ કર્યો છે તો બીજી તરફ, કોંગ્રેસે ભાજપ સામે લડવા આંદોલનાત્મક કાર્યક્રમોની જાહેરાતો તો કરી પણ કયાંય પ્રજાલક્ષી પ્રશ્નોની વિરોધપક્ષ તરીકે લડત દેખાતી નથી. થોડાક વખત પહેલા જ પૂર્વમંત્રી જયરામ રમેશે અમદાવાદ આવીને જીએસપીસી કૌભાંડનો ખુલાસો કરી રાજ્યભરમાં કોંગ્રેસ આંદોલન કરશે તે વાત પણ ખુદ કોંગ્રેસ જ ભૂલી ગઇ છે. જમીન સંપાદનના કાયદામાં મોદી સરકારે ફેરફાર કર્યા તેનો પણ ખેડૂતોએ જોરદાર વિરોધ કર્યો તે મુદ્દે પણ કોંગ્રેસ ભાજપ સામે મેદાને પડવાની વાત કરી પણ આ મામલે પણ કંઇ કર્યું નહીં. દારૃ જુગારના અડ્ડા પર મહિલા કોંગ્રેસે રેડ પાડીને ભાજપને બદનામ કરવાની કોશિશ કરી પણ તેમાંયે ઝાઝુ કઇં ઉકળી શક્યુ નહીં .
ગિફટ સિટીના કૌભાંડમાં પણ કોંગ્રેસે વિરોધ કર્યો નથી. આવા તો ઘણા મુદ્દે કોંગ્રેસે આંદોલન કરવા જાહેરાતો કરી હતી પણ હવે એવી સ્થિતી છેકે, કોંગ્રેસના કાર્યકરો ભાજપ સામે લડવા તૈયાર છે પણ નેતાગીરી વિના આંદોલનો કરવા ક્યાં તે સવાલ સર્જાયો છે. જનઆક્રોશ રેલી અને લોકદરબાર કાર્યક્રમને સફળતા મળી હતી તેમ છતાંયે કોંગ્રેસે જાણે ભાજપ સરકાર સામેના આદોલનો જ બંધ કરી દીધાં છે જેના લીધે કાર્યકરોમાં નારાજગી પ્રવર્તી રહી છે.