1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગાંઘીનગર: , બુધવાર, 4 માર્ચ 2015 (17:02 IST)

સાંસ્‍કૃતિક કુંજ ખાતે માટી કામની ચીજવસ્‍તુઓ વેચીને જવાન દીકરા-દીકરીનો સહારો બનતો પિતા........

મંગળવાર: દીકરા-દીકરી ઢળતી ઉંમરનો સહારો બને છે... પરંતુ જવાન દીકરા – દીકરી હોવા છતાં પણ સહારો ન બની શકે, પણ તેમનો સહારો બનવાનો વારો આવે ત્યારે કેવી વેદના થાય તેનો સહજ વિચાર પણ મનુષ્‍યને કંપાવી નાખે છે.. દીકરા – દીકરીનો સહારો બન્યા પછી કેવી વેદના થાય છે, તેનો જાત અનુભવ કરનાર પ્રભુભાઇ ગાંઘીનગર ખાતે આવેલ સંસ્‍કૃતિક કુંજમાં યોજાયેલ વસંતોત્સવમાં માટીની વિવિઘ ચીજ વસ્‍તુઓ વેચવા માટે આવ્યા છે.

     પોતાના જીવનની સુખ અને દુ:ખની વાતો કરતા પાટણ જિલ્લાના બાલીસાણા ખાતે રહેતા પ્રભુભાઇ જગમલભાઇ પ્રજાપતિએ કહ્યું હતું કે, ભાઇ મારા પાંચ દીકરા અને એક દીકરી છે... ગૌરવભેર પોતાની વાતનો આરંભ કરનાર પ્રભુભાઇની આંખો ભરાઇ આવી હતી. તેમણે આંખની પલકોમાં આસુને છુપાવી ફરીથી પોતાની વાતને આગળ ઘપાવતા કહ્યું હતું કે, આજે મારા પરિવારનો ચુલો ઘરતી માતા પર ચાલી રહ્યો છે. હું નાનપણથી જ મારા વતન બાલીસાણા ખાતે તળાવની માટીમાંથી માટલા, કડાઇ, દીવા જેવી નાની નાની ચીજ વસ્તુઓ બનાવતો હતો. મારા લગ્ન બાદ ઘીરે ઘીરે મારા પરિવારમાં એક બાદ એક દીકરા આવતા રહ્યાં, ત્યારે મને એવું હતું કે, ભગવાન પાછલી જીંદગીમાં અવશ્ય મને સારા દિવસો દેખાડશે.. પણ મારા અરમાનો દીકરાઓને શારિરીક ખોળ આવતા જ આસુઓ સાથે વહી ગયા હતા. આ દુ:ખ પણ સહન કરવાની શક્તિ મને ભગવાને આપીને મારી જીંદગીમાં હું આગળ વઘતો ગયો..

     ગુજરાત સરકાર દ્વારા માટી કામની વિવિઘ ચીજ વસ્તુઓ માટેના અલગ મેળાઓ યોજવામાં આવતા હતાં. તેની જાણ થતાં મે સ્થાનિક અઘિકારીશ્રીની મદદથી આવા મેળાઓમાં જવા લાગ્યો જ્યાં અવનવી માટીની કલાત્મક ચીજવસ્‍તુઓ આવતી હતી.તેને જોઇ જાતે જ બનાવવા લાગ્યો. ગાંઘીનગરના આંગળે રમત-ગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવત્તિઓ દ્વારા આયોજિત વસંતોત્સવમાં છેલ્લા પાંચ વર્ષથી આવું છું. અહીં તળાવની માટીમાંથી બનાવેલ ચીજવસ્‍તુઓમાં મારી છપાયેલ કલાની કદર કરનાર અનેક લોકો આવે છે. જેનો મને આનંદ થાય છે. અમુક કલા ચાહકોતો મારી કલાની કદર કરીને હોંશે હોંશે મદદની ભાવનાથી મને સારી કિંમત આપે છે. તેમજ અહીં મેળામાં આવવાથી મારી વાર્ષિક આવકમાં પણ સારો વઘારો થયો છે. જેનાથી મારા પરિવારનું ગુજરાન ચલાવવામાં સરળતા રહે છે.

    પ્રભુભાઇ સાથે તેમનો પૌત્ર વિપુલ પણ મદદ માટે આવ્યો છે. વિપુલ પણ દાદાને હોંશે હોશે મદદ કરે છે, તેમજ એક વેપારીની જેમ ગ્રાહકો સાથે વાતચીત કરે છે. તે પોતાના દાદાને મદદ કરવામાં ગૌરવ અનુભવે છે.