સંજીવ કુમાર

દેવાંગ મેવાડા|
વર્ષો વિતી ગયા ફિલ્મ શોલે રીલીઝ થયાને. પરંતુ આજે પણ તે ફિલ્મના એક-એક પાત્રો ફિલ્મ રસિયાઓના માનસપટ પર છવાયેલા છે. પછી તે જય-વીરુની જનમોજનમની દોસ્તી હોય કે પછી બોલકણી બસંતી, અથવા તો શૂરમા ભોપાલી, અંગ્રેજો કે જમાને કે જેલર અને ગબ્બરના પાત્રો. જો કે આ બધામાં એક પાત્રના ધારદાર અભિનય વિના અન્ય પાત્રો કદાચ આટલા લોકપ્રિય નીવડ્યા ન હોત એમ કહેવું વધુ પડતું નથી. તે પાત્ર એટલે આપણા પોતીકા ગુજરાતી અભિનેતા હરીહર જરીવાલા ઉર્ફે સંજીવકુમારે નીભાવેલું ઠાકુર બલદેવ સિંહનું પાત્ર.

શોલે બન્યાને 30 વર્ષથી વધુ અને સંજીવ કુમારને મૃત્યુ પામ્યાને 20 વર્ષથી વધુનો સમય વહી ગયો છે. પરંતુ આજે પણ તેઓ તેમની અભિનયક્ષમતાના બળે ફિલ્મ રસિયાઓના દિલોદિમાગમાં જીવંત છે. માત્ર શોલેના ગંભીર ઠાકુરનું જ પાત્ર શું કામ, તેમણે તો દરેકે-દરેક પાત્રને ફિલ્મી પડદે જીવી બતાવ્યું છે. તેમાં શોલેના ઠાકુરસાહબની સાથે, સીતા ઔર ગીતાના ડોક્ટર, ખીલોનાનું ગાંડાનું પાત્ર, અંગુરનો ડબલ રોલ, અને નયા દિન નયી રાતના નવ નવ રોલ ની વાતજ કંઇક અલગ છે. આ ફિલ્‍મમાં તેણે દરેક કિરદારને પોતાના આગવા અભિનય વડે યાદગાર બનાવ્યા છે.

9 જૂલાઈ 1938ના રોજ મુંબઈમાં એક ગુજરાતી પરીવારમાં જન્મેલા સંજીવ કુમારે 1965માં ફિલ્મ નીશાના દ્વારા હિન્દી ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરી. 1968માં તેમણે તે વખતે સ્ટારડમ ભોગવતા દિલીપ કુમાર જેવા લોકપ્રિય અભિનેતા સાથે ફિલ્મ સંઘર્ષમાં અભિનયની તક મેળવી. ત્યારબાદ તો તેમણે ક્યારેય પાછા વળીને જોયું નથી.

1970માં રીલીઝ થયેલી ફિલ્મ ખીલોનાએ તેમને લોકપ્રિય બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો અને ત્યારબાદ તો જાણે કે ફિલ્મો સુપરહીટ થવા માટે સંજીવ કુમારની જ વાટ જોઈ રહી હતી.
1972માં સીતા ઔર ગીતા અને 1973માં મનચલી ફિલ્મે આ અભિનેતાને વધુ નીખાર્યો. નોંધપાત્ર વાત તો એ છે કે સંજીવ કુમારે તેમની અભિનેતા તરીકેની કારકિર્દીના શ્રેષ્ઠતમ સમયગાળામાં પણ પૈસા પાછળ પડવાને બદલે સહજ અને હૃદયસ્પર્શી અભિનયને મહત્વ આપ્યું.

1970ના દાયકાની શરૂઆતમાં ફિલ્મ ડાયરેક્ટર ગુલઝાર સંજીવ કુમારના અભિનયથી આકર્ષાયા. પરિણામે સંજીવ કુમારનું ફલક વિસ્તર્યુ. સંજીવ કુમારે કુલ મળીને ગુલઝારની નવ ફિલ્મોમાં અભિનય કર્યો. ગુલઝાર-સંજીવની જોડીની ફિલ્મોમાંથી આંધી (1975), મૌસમ (1975), અંગુર (1981) અને નમકીન (1982) સૌથી વધુ લોકપ્રિય રહી.
બીજા અભિનેતાઓથી વિરૂદ્ધ હંમેશા પડકારાત્મક ભૂમિકાઓને આવકારતા. સંજીવ કુમારે રંગભૂમિ અને ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનયક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. આ અભિનેતાને મળેલા પુરસ્કારો, માનસન્માનનો આંકડો તેમની કાબેલીયતનો પૂરાવો આપે છે.
1968માં ફિલ્મ શીખરમાં અભિનય માટે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ, 1971માં ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, 1973માં ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર, 1975માં ફિલ્મ આંધી માટે શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ અને 1976માં ફિલ્મ અર્જુન પંડિત માટે શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ સંજીવ કુમારને એનાયત કરવામાં આવ્યો હતો.
1985માં માત્ર સુડતાલીસ વર્ષની ઉંમરે ઠાકુર સાહેબે આપણી વચ્ચેથી હરહંમેશ માટે વિદાય લીધી. તેઓ આજીવન અપરિણીત રહ્યાં. નવાઈની વાત તો એ છે કે જે અભિનેતાએ રૂપેરી પડદે અનેક વખત કુશળતાપૂર્વક વૃદ્ધની ભૂમિકા નીભાવી હતી તે પોતે જીવનના પચાસમાં મુકામ સુધી પણ પહોંચી ન શક્યા.

સંજીવ કુમાર તેમના અભિનયને કેટલા સમર્પિત હતા તે વાતનો તો તેના પરથી જ ખ્યાલ આવી જાય છે કે તેમણે અભિનય કર્યો હોય તેવી દશ ફિલ્મો તેમના મૃત્યુ સુધી તૈયાર થઈ ચૂકી હતી, પણ તે દશ ફિલ્મો તેમના મૃત્યુ બાદ રીલીઝ થઈ શકી. તેમાંય સંજીવ કુમાર અભિનીત પ્રોફેસર કી પડોસન તો છેક તેમના મૃત્યુના આઠ વર્ષ પછી 1993માં રીલીઝ થઈ.


આ પણ વાંચો :