1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 6 માર્ચ 2024 (15:51 IST)

26 માર્ચ સુધી કિંજલ દવે જાહેર મંચ ઉપરથી વિવાદિત ગીત ગાઈ શકશે નહીં

kinjal dave
kinjal dave

- ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીતના કોપીરાઇટનો મામલો  
- હાઇકોર્ટે કિંજલ દવેના આ ગીતને જાહેર મંચ પરથી ગાવા મુદ્દે સ્ટે યથાવત રાખ્યો 
- કાર્તિક પટેલનો દાવો હતો કે, ચાર ચાર બંગડીવાળી ગાડી ગીત તેણે બનાવ્યું છે

ગુજરાતીઓનું પ્રિય ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીતના કોપીરાઇટનો મામલો હાઇકોર્ટમાં છે. નીચલી કોર્ટના ચુકાદા સામે રેડ રીબને હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જે મુદ્દે આજે સુનાવણી હાથ ધરાનાર હતી. પરંતુ બંને પક્ષના વકીલોની સહમતિથી આ મુદ્દે વધુ સુનાવણી 26 માર્ચે હાથ ધરાશે. ત્યારે હાઇકોર્ટે કિંજલ દવેના આ ગીતને જાહેર મંચ પરથી ગાવા મુદ્દે સ્ટે યથાવત રાખ્યો છે. એટલે કે, 26 માર્ચ સુધી હજુ પણ કિંજલ દવે જાહેર મંચ ઉપરથી આ વિવાદિત ગીત ગાઈ શકશે નહીં.

કેસને વિગતે જોતા વર્ષ 2019માં રેડ રીબન એન્ટરટેઈનમેન્ટ દ્વારા અમદાવાદની સિવિલ કોર્ટમાં કિંજલ દવે, RDC મીડિયા અને સરસ્વતી સ્ટુડિયો સામે સિવિલ દાવો દાખલ કર્યો હતો. આ દાવો કોપીરાઈટ એક્ટ 1957ની કલમ 55 મુજબ દાખલ કરવામાં આવ્યો હતો. કાર્તિક પટેલ મ્યુઝિક કમ્પોઝર અને ગુજરાતી વીડિયો બનાવનાર વ્યક્તિ છે. તેનો દાવો હતો કે, ચાર ચાર બંગડીવાળી ગાડી ગીત તેણે બનાવ્યું છે. બાદમાં કિંજલ દવેએ આ ગીત યુ-ટ્યુબ ઉપર રિલીઝ કર્યું હતું. કિંજલ દવેએ આ ગીતની કોપી કરી હતી.અરજદાર રેડ રિબને આ કેસમાં કિંજલ દવે સહિત મીડિયા કંપનીઓને આ ગીત સંબંધી તમામ પ્રવૃત્તિઓ અટકાવવા માગ કરી હતી. તેમજ આ કેસ ફાઈલ થઈ અત્યારસુધી કરેલી કમાણી પર 18 ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવા માગ કરી હતી.

કિંજલ દવે 200 સ્ટેજ પરફોર્મન્સમાં આ ગીત ગાઈ ચૂકી છે. જેથી અરજદારે થયેલ નુકસાનીની પણ માગ કરી હતી.અરજદાર કેસ સાબિત કરવામાં કોર્ટમાં નિષ્ફળ ગયા હતા. જેથી સિટી સિવિલ કોર્ટે 30 જાન્યુઆરી, 2024ના રોજ ગીતના કોપીરાઈટ મામલે કિંજલ દવે તરફે ચુકાદો આપ્યો હતો. પરંતુ 15 દિવસ સુધી ઓર્ડરના અમલીકરણ પર રોક લગાવી હતી. કારણ કે, અરજદારે અપીલ કરવા માટે રજૂઆત કરી હતી. એટલે 14 ફેબ્રુઆરી, 2024 સુધી કિંજલ દવે આ ગીત જાહેર મંચ ઉપર ગાઈ શકી નહોતી.