બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 26 ઑક્ટોબર 2020 (11:40 IST)

ઢોલીવુડના જાણિતા કલાકાર મહેશ કનોડિયાનું નિધન, અલગ અલગ 32 અવાજો કાઢતા હતા

ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ લોકસભા સાંસદ મહેશ કુમારનું રવિવારે લાંબી માંદગી બાદ 83 વર્ષની ઉંમરે ગાંધીનગર ખાતે નિધન થયું હતું. મહેશ કનોડિયાના નિધનથી ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણીથી લઈ અનેક રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. તેઓ ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર નરેશ કોનડિયાના મોટાભાઈ હતા. મહેશ-નરેશ નામે મ્યૂઝિકલ કાર્યક્રમો દેશ અને વિદેશમાં આપ્યા હતા. 

 
પીએમ મોદીએ હિતુ કનોડિયા સાથે ફોન પર વાત કરી શોકગ્રસ્ત પરિવારને સાંત્વના આપી હતી પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, “ગુજરાતના મશહૂર સંગીતકાર અને ગાયક શ્રી મહેશ કનોડિયાના અવસાનથી દુઃખ અનુભવું છું. શ્રી મહેશ કનોડિયાએ ગુજરાતી લોકસંગીતને લોકપ્રિય બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. તેઓની લાંબા સમયની સંસદસભ્ય તરીકેની પ્રભાવી કામગીરીનો હું નજીકથી સાક્ષી રહ્યો છું.”

મહેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મો ઉપરાંત ગરબા, લોકસંગીત, અને અન્ય ગેર ફિલ્મી આલ્બમોમાં પણ સંગીત આપ્યું છે. આ ઉપરાંત તેમણે છોટા આદમી, મેરી દોસ્તી તેરા પ્યાર, હસીના માન જાયેગી, આઝાદી કે દિવાને, રફુચક્કર, રાજા ઔર રાના, કૌન, લાજવંતી, કુરબાની, મેરા ફેંસલા, પ્યાર મહોબત, મજે લે લો, તેરે પ્યાર મેં અને આવારા લડકી જેવી હિન્દી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે. તેમણે “અપૂર્વ કન્નસુમ” નામની એક કન્નડ ફિલ્મમાં પણ સંગીતકાર તરીકેની ભૂમિકા ભજવી છે. “નીલી આંખે” નામની હિન્દી વિડિયો ફિલ્મમાં પણ પણ સંગીત આપ્યું છે.
 
મહેશ કનોડિયા ખૂબ જ સંઘર્ષ કરીને આગળ આવ્યા હતા. તેઓ મહેશ કુમાર એન્ડ પાર્ટી નામે મ્યૂઝિકલ પ્રોગ્રામ કરતા હતા. જેમાં તેઓ નાના પ્રોગ્રામ આપતા હતા. ગામેગામ પ્રોગ્રામ આપવાના શરૂ કર્યાં. તેઓ સ્ત્રીઓના અવાજમાં પણ ગાતા હતા. મહેશ કનોડિયા તેઓ 32 અલગ અલગ કલાકારોના અવાજમાં ગાતા હતા. 80ના દાયકોમાં ગુજરાતી ફિલ્મોમાં તેઓએ સંગીત આપવાનું શરૂ કર્યું હતું. તેમની વણઝારી વાવ, તમે રે ચંપો અને અમે કેળ, મેરુ માલણ, જોગસંજોગ, સાહ્યબો મારો ગુલાબનો છોડ જેવી પ્રખ્યાત ગુજરાતી ફિલ્મોમાં તેઓએ સંગીત આપ્યું છે. તેઓ સતત બે ટર્મ સુધી પાટણની બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ વર્ષ 2018માં ડોકટરની પદવીથી નવાજ્યા હતા. તેમને કલા અને સંગીત ક્ષેત્ર સહિત વિવિધ ક્ષેત્રની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડીલીટી ની પદવી અપાઈ હતી.
 
લાંબી માંદગી બાદ સંગિતકાર મહેશ કનોડિયાનું અવસાન થતા તેમના ફૅન્સ દુ:ખી થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, મહેશ કનોડિયાના નાના ભાઈ નરેશ કનોડિયા કોરોના સંક્રમિત છે અને તેઓ અમદાવાદની યુ.એન.મહેતા હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. અત્યારે તેમની હાલત સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્યારે બે દિવસ પહેલાં તેમના મૃત્યુની અફવાઓ ઉડી હતી.