શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 11 એપ્રિલ 2017 (20:07 IST)

બોલિવૂડની સુપ્રસિદ્ધ સંગીત બેલડી, શંકર જયકિશન, જાણો ગુજરાતી જયકિશન વિશે

નાનકડા જયના હાથમાં હારમોનિયમ આવતાં જ એ ખીલી ઉઠતાં હતાં અને નીચું જોઈ તેમની આંગળીઓ હારમોનિયમની પટ્ટી પર ફરવા લાગતી.. સમયની રફતાર સખત ચાલતી રહી. શંકરરાવ વ્યાસ, ખેમચંદ પ્રકાશ, મા કૃષ્ણરાવ, પંકજ મલિક, તિમિર બરત, આર.સી.બસીલ,હુસ્નલાલ ભગતરામ, ગુલામ હૈદરથી લઈને નૌશાદ, રામચંદ્ર, એસ.ડી. બર્મન, રોશન, મદનમોહન, વસંત દેસાઈથી લઈને શંકર જયકિશન ફિલ્મ સંગીત ક્ષેત્રે પ્રવેશ્યાં અને ભારતીય ફિલ્મ સંગીતમાં વાત ન્યારી છે એટલી રોચક પણ છે. અહીં આપણે ગુજરાતી માનવી કે જણે હિંદી, ફિલ્મ સંગીતમાં એક નવો અધ્યાય રચ્યો. તેવા સંગીતકાર( શંકર) જયકિશનની વાત કરવી છે.  
 
જયના પિતા ડાહ્યાભાઈ પંચાલ એ જમાનામાં પંચાલ લોકો મોટે ભાગે મિસ્ત્રી કામ કરતાં હતાં. એટલે ડાહ્યાભાઈ મિસ્ત્રીના નામથી તેઓ જાણીતા હતાં. ડાહ્યાભાઈનું મિસ્ત્રી કામ ચોખ્ખું રહેતું હતું. ત્યારે પરિવાર સુરત નજીકના કોસંબામાં રહેતો હતો. જ્યાં જયનો જન્મ થયો હતો. કોસંબાનો રાજવી અને ડાહ્યાભાઈ વચ્ચે કામને લઈને ગેરસમજ થતાં ડાહ્યાભાઈ પરિવારને લઈને વાંસદામાં વસ્યાં. એ સમયે જયની વય હશે એકાદ વરસની. ડાહ્યાભાઈના પત્નીનું નામ અંબાબહેન હતું. પરિવાર ધર્મભીરુ હતો. અને રામ રાખે ત્યમ રહીએ તે મુજબ રહેતો હતો. પરિવારમાં નવ જેટલાં બાળકો હતાં. છ પુત્રીઓ અને ત્રણ પુત્રો હતાં. આવક ઘણી નજીવી હતી. ક્યારેક બે ટંકના ખાવાના પણ ફાંફાં પડી જતાં હતાં. આવી સ્થિતીમાં જયનો ઉછેર થયો હતો. 
 
જય અને બીજા બે ભાઈઓ, મોટાનું નામ બળવંત હતું. એનાથી એમનું નામ બટુંક હતું. અને નવો તે જયકિશન. ડાહ્યાભાઈનો કંઠ સારો હતો. મીઠાશભરી હલકથી તેઓ ભજન કિર્તન કરતાં હતાં. વાંસદા રાજ્ય અલગ હતું. અને ત્યાંના રાજવીને સંગીતનો જબરો શોખ હતો. જેના કારણે અનેક સંગીતકાર ત્યાં આવતાં હતાં. જેમને સંગીત શીખવાનો શોખ હોય તેમને શીખવતાં. આમાં ડાહ્યાભાઈના ત્રણેય પુત્રો સંગીત શીખવા આવતાં. જેમાં જયને ગાયન કરતાં વાદનનો જબરો શોખ હતો. અને એ જમાનામાં હારમોનિયમ વાદ્ય સામાન્ય રીતે વપરાતું હતું. જય નાના હતાં ત્યારથી જ હારમોનિયમ પર આંગળી ફેરવતાં થઈ ગયાં હતાં. 
 
ત્યારે સૌ એવું કહેતા કે જયનો મુડ જરા પણ ના હોય પરંતુ તેને હારમોનિયમ આપો તો બધુ ભૂલીને અમી નજર રાખી એવું બજાવવા લાગશે કે સંગીતદેવી તેના આંગળીના ટેરવા પર આવીને બેસી ગયાં હોય. એ સમય મ્યુઝિકલ પાર્ટીનો હતો નહીં. પરંતુ ડાહ્યાભાઈ ભજન ગાવા જતાં અને એક દિવસ તેમના કુટુંબ પર આભ ફાટી પડ્યું. ડાહ્યાભાઈનો અકાળે અકસ્માત થયો અને પરિવાર છત્રછાયા વિનાનો થઈ ગયો. આર્થિક સ્થિતી ઘસાવા લાગી. પરિવારને જાળવી રાખવા માટે બીજાના ઘરકામ અને વાશીંદા કરવાના શરૂ કરી દીધા. ભાઈઓએ ભજન મંડળી શરુ કરી. જય પણ ભજન મંડળીમાં જતો પરંતુ તે માત્ર બહાર બેસીને આકાશને તાકી રહેતો હતો.
 આખરે જયને તેની મોટી બહેનને ત્યાં સુરત મોકલી આપ્યો. કે કદાચ દિકરાનું મન ત્યાં ઠરે પણ ખરું. ત્યારે વલસાડમાં મોટા બનેવી ઘોડાગાડી બનાવવાનું કામ કરતાં હતાં. જેમાં જયનું મન ચોંટ્યું નહીં. એટલે થોડા સમયમાં મોટા બનેવીએ જયને મુંબઈમાં વચેટ બનેવી પાસે મોકલી આપ્યો. બસ જયકિશનને માર્ગ મળી ગયો એમ કહીએ તો ચાલે. જયના એ બનેવીને બોબિન બનાવવા માટેની ફેક્ટરી હતી. જયના આ બનેવીનું નામ છગનલાલ હતું. જયના માતા અંબાબહેનનો કંઠ ઘણો મીઠો અને હલકતર હતો. સંગીતના આછાપાતળા જાણકાર હતાં. એટલે પ્રારંભિક સંગીત જયને માતા તરફથી મળ્યું.
 
મુંબઈમાં જયના બનેવીએ જયનો શોખ જોયો અને તને એ દિશામાં આગળ જવા માટે પ્રોત્સાહન આપ્યું. મુંબઈમાં એ જમાનામાં પણ નૌશાદ, સી-રામચંદ્ર, એસ.એન.ત્રિપાઠી, જેવા સંગીતકારો જોશમાં હતાં. એ સમયે ગુજરાતી નાટ્યજગત સાથે જોડાયેલા ચંદ્રવદન ભટ્ટ ફિલ્મ નિર્માણમાં હતાં. અને નવી નવી પ્રતિભાને ઉજાગર કરવાનું કામ પણ કરતાં હતાં. જયકિશન પોતે ગુજરાતી હતાં. એક ગુજરાતી બીજા ગુજરાતીને ચોક્કસ મદદ કરશે એવા વિચાર સાથે જય રોજ ચંદ્રવદન ભટ્ટની ઓફિસમાં આંટાફેરા કરતાં હતાં. અહીં એક શંકર નામના બીજા માનવી પણ આવતાં હતાં. જેઓએ પૃથ્વી થિયેટરમાં સંગીતકાર રામ ગાંગુલી સાથે કામગીરી બજાવતાં હતાં. 
 
આ શંકર મુળ આંધ્રપ્રદેશના હૈદરાબાદના હતાં અને સંગીતકાર બનવા માટે મુંબઈ આવ્યાં હતાં. ત્યારે તેઓ પૃથ્વી થિયેટરમાં જોડાયાં હતાં. પૃથ્વી થિયેટરમાં સંગીત સાથે નાની મોટી ભૂમિકા પણ કરતાં હતાં. એક સમયે જય અને શંકર ચંદ્રવદન ભટ્ટની ઓફિસમાં મળી ગયાં. ધીરે ધીરે વાતચીત શરૂ થઈ. જયકિશને પોતાના મનની વાત કરી અને શંકરે પણ તેમના મનની વાત કરી. બંનેનું લક્ષ્ય એક જ હતું. શંકરે તરત જયને કહ્યું કે પૃથ્વી થિયેટર્સમાં હારમોનિયમ માસ્ટર્સની જરૂર છે. જયે હા કહી. શંકર જયને પાછા પૃથ્વીરાજ પાસે લઈ ગયાં. મુલાકાત કરાવી. રામ ગાંગુલી સાથે જય હારમોનિયમ વાદક તરીકે જોડાયાં. એ અરસામાં પણ રાજકપૂર એટલી જ ઉંમરના હતાં. અને આગ નામની ફિલ્મ બનાવી રહ્યો હતો. જેના સંગીતકાર પણ રામ ગાંગુલી હતાં. આ ફિલ્મમાં શંકરે કહીં કા દીપક કહાં કી લાલી ગીતમાં માછીમારની ભૂમિકા પણ કરી હતી. 
 
વિશ્વ મહેરા,પૃથ્વીરાજ કપૂરના સાળા અને રાજ- શમ્મી અને શશીકપૂરના મામા, જેઓ આર.કેના પ્રોડક્શન મેનેજર હતાં. અને રાજકપૂર નિર્મિત તમામે તમામ ફિલ્મનું પ્રોડક્શન કામ સંભાળતાં હતાં. તેઓ પૃથ્વી થિયેટર્સમાં પણ સક્રિય હતાં. જ્યારે રાજકપૂર આગ બનાવી રહ્યાં હતાં ત્યારે પણ વિશ્વ મહેરા રાજ સાથે હતાં. તેઓના કહેવા મુજબ ફિલ્મના ગીતોની રેકોર્ડિંગ ડિસ્ક તૈયાર કરવા માટે એચ.એમ.વી સ્ટુડિયોના ગીતનું પુનઃ રેકોર્ડિંગ કરાતું હતું. કારણ એ સમયે જે રેકર્ડ બનતી તે 78ની બનતી હતી. જેમાં માત્ર અઢી કે પોણા ત્રણ મિનિટનું ગીત રેકોર્ડ કરી શકાતું હતું. તે સમયે આગ ફિલ્મની જે રેકોર્ડ બજારમાં આવી હતી તેના પર સંગીતકાર રામગાંગુલીનું નામ હતું. જ્યારે ટ્યુન બાય શંકર કે જયકિશનનાં નામ પ્રસિદ્ધ થયાં હતાં. 
 
વિશ્વ મહેરાના કહેવા મુજબ બરસાત ફિલ્મનું સંગીત પણ રામ ગાંગુલી જ તૈયાર કરી રહ્યાં હતાં. પરંતુ ત્યારે વિશ્વ મહેરાને કાને એવી વાત આવી કે રામ ગાંગુલી રાજકપૂરની ફિલ્મ માટે બનાવેલા ટ્યૂન કોઈ બીજાને આપી રહ્યાં છે. આ વાત વિશ્વ મહેરાએ રાજને કરી અને રાજ મુંઝવણમાં મુકાઈ ગયાં કે હવે કરવું શું. ત્યારે વિશ્વ મહેરાએ શંકર અને જયકિશનને સંગીતનું સુકાન સોંપવા માટેની સલાહ આપી. જે રાજે સ્વીકારી અને બરસાતના સંગીતકાર તરીકે શંકર-જયકિશન આવ્યાં. અને પહેલી જ ફિલ્મથી ફિલ્મ સંગીતની દુનિયામાં છવાઈ ગયાં. વિશ્વ મહેરાએ એમ પણ રાજકપૂરને જણાવ્યું હતું કે જે કંઈ બરસાતના ગીતોની તરજ બનાવી છે તે માત્ર અને માત્ર શંકર અને જયકિશને જ બનાવી છે. જે રામગાંગુલીએ એપૃવ માત્ર કરી છે. 
 
રાજ કપૂરે આગ પછી 1948માં પહેલવહેલી પોતાની ઓફિસ શરૂ કરી. 1949ના ઓક્ટોબરમાં બરસાત ફિલ્મનું મૂર્હત કર્યું અને રિલિઝ કર્યું એ પહેલા હવામાં ઉડતા જાયે, મેરા લાલ દુપટ્ટા મલમલકા, જીયા બેકરાર હે છાયી બહાર હૈ અને બરસાત મેં હમસે મીલે તુમ સજન ગીતો ગલીએ ગલીએ ગૂંઝતા થઈ ગયાં. 
 
ટુંકમાં વાત કરીએ તો શંકર અને જયકિશન બંનેને ફિલ્મમાં સંગીતકાર બનવાની ખ્વાહિશ હતી. એક આંધ્રના હતાં જેઓ રીધમ પર જબરો કાબુ ધરાવતાં હતાં તે શંકર હતાં, બીજા જયકિશન હતાં જેની આંગળીઓ જાદુઈ ત્વરાથી હાર્મોનિયમ પર ફરતી હતી. ચંદ્રવદન ભટ્ટને ત્યાં મળ્યાં. પૃથ્વી થિયેટરમાં ત્યારે હારમોનિયમ માસ્ટરની જરૂર હતી. શંકરના કારણે જયને ત્યાં કામ મળી ગયું. રાજકપૂર ત્યારે ફિલ્મો બનાવવા માટે થનગનતા હતાં. આગ બનાવી અને પછી એવું ઘટનાચક્ર બન્યું કે બરસાત ફિલ્મથી શંકર જયકિશન હિન્દી ફિલ્મ જગતને અચાનક મળી ગયાં.
 
બરસાત ફિલ્મનું જે પહેલું ગીત રેકોર્ડ કર્યું હતું. તે બરસાત મેં હમસે મીલે તુમ સજન તુમસે મીલે હમ હતું. જેની સ્વરબદ્ધતા આપણા ગુજરાતી જયકિશને કરી હતી. બરસાતથી જ રાજની ટીમમાં બે ગીતકાર જોડાયાં એક હતાં શૈલેન્દ્ર અને બીજા હતાં હસરત જયપુરી. શૈલેન્દ્રના ગીતોમાં  શુદ્ધ હિન્દી શબ્દોનો પ્રયોગ કરાતો હતો. જ્યારે હસરતના ગીતોમાં ઉર્દુ અને ફારસી શબ્દો બહુ સાંભળવા મળતાં હતાં. મોટે ભાગે હસરતના શબ્દોને જયકિશને તરજમાં બાંધ્યાં છે. હસરત જયકિશન વચ્ચેની ટ્યુનિંગ મોટેભાગે શંકર કંપોઝ કરતાં હતાં. પરંતુ આ વાત હિંદી સિનેમાના સંગીતપ્રેમીઓ કદાચ જાણતા નહીં હોય. આ બે વ્યક્તિ એકાકાર બનીને તેમનું કામ કરતા રહેતાં હતાં. 
 
જયકિશનના પરિવારમાં એક ભાઈને ગાંજાનું જબરુ વ્યસન હતું. જેના કારણે તેણે જીવ ગુમાવ્યો હતો. જયકિશનને દારૂની લત સમય સાથે કિર્તી મળતાં લાગી ગઈ હતી. અહીં એક વાત કરવી છે આજે સબ ટીવી પર જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પ્રસારિત થઈ રહી છે તેના નટુકાકા ઘનશ્યામ નાયકના પિતા રંગલાલ નાયક અને રંગલાલ નાયકના પિતા જેઓ સારા સંગીતજ્ઞ હતાં તેઓ વાંસદામાં રહેતા હતાં ત્યારે જયકિશનને તેમણે શાસ્ત્રીય સંગીત શીખવાડ્યું હતું. એ પહેલા વાડીલાલ અને પ્રેમશંકર નામના ગુણીજન પાસેથી શાસ્ત્રીય સંગીતના પાઠ ભણ્યાં હતાં. જો કે મુંબઈમાં પગ મુક્યા પછી જય બર્મનદા જેવા સંગીતપ્રેમીને પણ મળ્યાં હતાં.
 
હવે ફરી થોડી આડ વાત કરી લઈએ. જય એક કોલેજમાં, વાર્ષિકોત્સવના કાર્યક્રમમાં જજ તરીકે ગયાં હતાં. જ્યાં પલ્લવી ગીત ગાવા આવી હતી. પલ્લવીના રૂપ પર જય વારી ગયાં હતાં. પલ્લવીના પિતાને પુત્ર જયકિશન જેવા ફિલ્મ વાળા સાથે લગ્ન કરે તે ગમતી વાત નહોતી. તેમણે વિરોધ કર્યો પરંતુ બંને પક્ષે પ્રેમની જબરી આગ લાગી. હતી. આખરે રાજકપૂર વચ્ચે પડ્યાં હતાં. તેઓ પલ્લવીના પિતા મરીવાલાને મળ્યાં હતાં.  સમજાવ્યાં હતાં અને જય પલ્લવીનાં લગ્ન થયાં હતાં. જય પલ્લવીને ત્યાં સમય જતાં ચૈતન્ય, યોગેશ અને ભૈરવીનો જન્મ થયો હતો. 
 
 આજે વર્તમાનમાં એવા સમાચાર મળી રહ્યાં છે કે પલ્લવી જયના સંતાનો માંથી ભૈરવી ફેશન ડિઝાઈન કરી રહી છે. પલ્લવી પણ તેની સાથે જ છે જ્યારે અન્ય કશા સમાચારો મળતાં નથી. 1971માં જયકિશનનું વધુ દારૂની લતના કારણે અવસાન થયું હતું. 1971ના વરસમાં અંદાજ, જાને અનજાને, કલ આજ ઓર કલ, લાલ પત્થર, મેં સુંદર હું, પરદે કે પીછે, બેઈમાન, જેવી ઘણી ફિલ્મો રીલિઝ થઈ હતી. આશરે 80 જેટલી ફિલ્મોમાં આ જોડીએ સંગીત આપ્યું. તે પછી શંકરે જયકિશનના નામ સાથે 1975 સુઘી સંગીત આપવાનો પ્રયાસ કરી જોયો, આંખો આંખો મેં, નયના, રેશમ કી ડોરી, વચન, ઈન્ટરનેશનલ કુકસ સાજિશ, અને સંન્યાસી. ફિલ્મો રજુ થઈ. 1987ના એપ્રિલ મહિનાની 26 તારીખે શંકર પણ હાર્ટ એટેકમાં અવસાન પામ્યાં. ત્યારે તેમની સ્મશાન યાત્રામાં બહુ થોડા લોકો જોડાયાં હતાં. 
 
શંકર જયકિશનને 1956માં ચોરી ચોરી, 1959માં અનાડી, 1960માં દીલ અપના ઓર પ્રિત પરાઈ, 1962માં પ્રોફેસર, 1966માં સૂરજ, 1968માં બ્રહ્મચારી, 1970માં પહેચાન, 1971માં જોકર, 1972માં બેઈમાન ફિલ્મ માટે ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં હતાં. એટલું જ નહીં અગિયાર વાર ફિલ્મફેર એવોર્ડની ભલામણ કરાઈ હતી.  જયકિશન એક હળવાશ ભર્યાં માનવી હતા, કોટ પેન્ટમાં જોવા એક લ્હાવો હતો. સંગમ અમદાવાદમાં રજુ થયું ત્યારે રાજકપૂરના આશિક એવા બુટપોલીશ કરનારના આગ્રહથી યુનિટ મણીનગર પર ઉતર્યુ હતું. ત્યારે પણ જયકિશનની ચાલમાં જે ઉત્સાહ હતો. તે સાચે જ માણવા જેવો હતો.  બુટ પોલીશ કરનારા રાજુએ સૌને સત્કાર્યા ત્યારે પણ જય રાજુને ભેટી પડ્યાં હતાં. રાજુએ ધરેલો ચાનો કપ પ્રેમથી પી ગયાં હતાં.