ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય લેખ
Written By
Last Modified: શુક્રવાર, 14 નવેમ્બર 2014 (16:48 IST)

અનેક રોગોનું એક નામ, ડાયાબિટીસ! - આવો જાણીએ શુ કહે છે ડોક્ટર આ વિશે

ભારતમાં ડાયાબિટીસ ધરાવતા ૯૫ ટકા લોકોને ટાઈપ-ટૂ પ્રકારનો ડાયાબિટીસ જોવા મળે છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં ૬.૫ કરોડ લોકો ડાયાબીટીસથી ઓછા-વત્તા પ્રમાણમાં પિડાઈ રહ્યાં છે. ડાયાબિટીસના વધતા દર્દીઓ પર કાબૂ મેળવવામાં નહીં આવે તો ૨૦૩૦ સુધી આ આંકડો િવરાટ સંખ્યાએ પહોંચે તેવો અંદાજ છે. ડાયાબિટીસ સાયલન્ટ કિલર છે અને મોટે ભાગે લક્ષણો ચૂકી જવાય એવા હોય છે.

જેમ કે, તીવ્ર તરસ લાગવી, સતત પેશાબ આવવો, વધુ પડતી ભૂખ લાગવી, વજન ઓછું થવું, તાવ, ઉધરસ થવી વગેરે જેવા ડાયાબિટીસના પ્રાથમિક લક્ષણો છે. એક સ્વસ્થ આહાર અને નિયમિત વ્યાયામનું પાલન, વજન પર નિયંત્રણ અને ટાઈપ-ટૂ ડાયાબિટીક દર્દીઓ સમયસર દવા લીધા કરે તો ડાયાબિટીસના વધતા દર્દીઓ પર નિયંત્રણ લાવી શકાય છે.

ડાયાબિટીસના કારણે શરીરના વિવિધ ભાગો આંખ, કિડની, હૃદય પર તેની આડ અસર થઈ શકે છે તેનાથી બચવા ડાયાબિટીસને કંટ્રોલ રાખવો ખુબ જરૂરી છે. ઈન્ડસ હેલ્થ પ્લસ એબ્નોર્માલિટી દ્વારા જાન્યુઆરીથી ઓક્ટોબર દરમિયાન અમદાવાદમાં સ્ત્રીઓ અને પુરૂષો માટે સર્વે યોજવામાં આવ્યો હતો. આ સર્વે મુજબ ૨૦ વર્ષથી ૩૫ વર્ષ વયજૂથમાં મહત્તમ ૧૫-૨૦ ટકા ડાયાબિટીસના કેસ જોવા મળ્યા છે.

અંધત્વથી બચવા નિદાન થતાં જ સારવાર જરૂરી મોતિયા પછી અંધત્વ માટેનું બીજુ મુખ્ય કારણ ડાયાબિટીસ છે. ડાયાબિટીસ કંટ્રોલમાં હોય તો પણ તેની એક્ટિવિટી શરીરમાં ચાલુ જ હોય છે. ડાયાબિટીસના કારણે મુખ્યત્વે આંખ, મગજ, કિડની અને હૃદયને તકલીફ પડતી હોય છે. પાંચ વર્ષ સુધી અનકંટ્રોલ્ડ ડાયાબિટીસ રહે તો દર્દીની આંખમાં ઝામર આવવી, વહેલા મોતીયો આવવો, આંખના પડદાને નુકસાન થવાની શરૂઆત થાય છે અને છેલ્લે અંધત્વ આવે છે.

અંધત્વ આવ્યા બાદ અનેક પ્રયત્નો કરવા છતા પણ આંખની રોશની પાછી લાવી શકાતી નથી. ડાયાબિટીસના કારણે આંખની શુક્ષ્મ નસોમાં લોહીનું બ્લોકેજ, ચરબી જામવી અને હેમરેજ થવાની સમસ્યા સર્જાઈ શકે છે. ખાસ કરીને એવા દર્દીઓ જે ડાયાબિટીસનો કોર્સ ચાલી રહ્યો છે અથવા ઈન્શ્યુલિન પર છે એવા ૪૦ વર્ષ ઉંમર વટાવી ગયેલા દર્દીઓએ અંધત્વથી બચવા વર્ષમાં એક વખત અચૂક આંખની તપાસ કરાવવી જરૂરી છે. અત્યાધુનિક પદ્ધતિ દ્વારા આંખની સચોટ સારવાર કરી શકાય છે. ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓ માટે ફંડસ એક્ઝામિનેશન, ઓપ્ટિકલ કોહિરન્સ ટોમોગ્રાફી (OCT) અને ફ્લુઓરેસિન એન્જિઓગ્રાફી ટેસ્ટ ખૂબ મહત્વના ટેસ્ટ છે. - ડૉ. પરિમલ દેસાઈ ઓપ્થેલ્મોલોજીસ્ટ.

ડાયાબિટીસના 40% દર્દીઓ હૃદયરોગના શિકાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આંકડા પ્રમાણે ૪૦ ટકા લોકોના મૃત્યુ ડાયાબિટીસ અને શરીરમાં કોલેસ્ટ્રોલ વધતા થઈ રહ્યાં છે. ડાયાબિટીસના કારણે હૃદયની નળીઓમાં લાંબા, કઠીન, કેલ્શિયમવાળા બ્લોકેજ બનતા હોય છે. સાથો સાથ હૃદયના સ્નાયુઓ નબળા પડતા હોય છે. નળીઓમાં બ્લોકેજ થાય ત્યારે દર્દીને હૃદયનો હુમલો અને હૃદયનો દુખાવો (એન્જાયના) જીવલેણ સાબિત થાય છે.

છાતીની મધ્યમાં થોડી મિનિટ સુધી આરામદાયક ન લાગવું, દબાણ અનુભવવું, કશુંક નિચોવાઈ જતું હોય તેવું અનુભવવું, ખેંચાણ કે ભારેપણું અનુભવવું, દુખાવો થવો વગેરે જેવા ચિહ્નો હાર્ટ એટેકની ચેતવણી આપતા સર્વ સામાન્ય ચિહ્નો છે. આ દુખાવો ખભા, ડોક, હાથ અને જડબા સુધી ફેલાઈ શકે છે. હાર્ટ એટેકની ચેતવણી આપતા ઓછા સામાન્ય ચિહ્નો જેવા કે પેટમાં દુ:ખવું, અપચો થયો હોય તેમ લાગવું, ઉબકા આવવા અથવા ચક્કર આવવા, શ્વાસ લેવામાં તકલીફ થવી અથવા ઝડપી અને ટૂંકા શ્વાસોશ્વાસ થવા, ન સમજાય તેવી બેચેની, નિર્બળતા અને થાક લાગવો, હૃદયનો થડકાટ અને ઠંડો પરસેવો આવે તે હાર્ટ એટેક ચેતવણીના સામાન્ય ચિહ્નો છે. સ્ત્રીઓ માટે હાર્ટ એટેકના લક્ષણો થોડા જુદા હોઈ શકે છે. - ડૉ. જય શાહ, ઈન્ટરવેન્શનલ કાર્ડિઓલોજીસ્ટ

કિડની ફેલ્યોરના ત્રણ દર્દીઓમાં એક ડાયાબિટીક ડાયાલિસિસ માટે આવતા દર ત્રણ દર્દીઓમાંથી એક દર્દીમાં કિડની ફેલ્યોર માટે ડાયાબિટીસ કારણભૂત છે. આવા ગંભીર પ્રશ્નને અટકાવવા દરેક ડાયાબિટીસના દર્દીમાં, હંમેશા માટે ડાયાબિટીસ યોગ્ય રીતે કાબૂમાં હોય તે જરૂરી છે. ડાયાબિટીસના દરેક દર્દીએ કિડની પરની અસરના વહેલા નિદાન માટે દર ૩ મહિને લોહીના દબાણ અને પેશાબમાં પ્રોટીનની તપાસ કરાવવી અત્યંત જરૂરી છે.

લોહીનું દબાણ વધવું, પેશાબમાં પ્રોટીન જવું, સોજા આવવા, વારંવાર લોહીમાં ખાંડ ઘટી જવી કે ડાયાબિટીસ માટે લેવામાં આવતા ઈન્જેક્શન કે દવાની માત્રામાં ઘટાડો થવો વગેરે ડાયાબિટીસને કારણે કિડની બગડવાની નિશાની સૂચવે છે.જે દર્દીને ડાયાબિટીસને કારણે આંખમાં તકલીફ માટે લેસરની સારવાર લેવી પડી હોય તેવા દર્દીઓમાં કિડની બગડવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે. તેથી આવા દરેક દર્દીએ કિડની માટે નિયમિતપણે તપાસ કરાવતા રહેવી અત્યંત જરૂરી છે. કિડની બગડતી અટકી શકે તે તબક્કાના સૌથી વહેલા નિદાન માટે શ્રેષ્ઠ અને એકમાત્ર એવી તપાસ, તે પેશાબની 'માઈક્રોઆલ્બ્યુમિનયુરિયા' ની તપાસ છે. ૪૦ વર્ષ પછી કોઈ પણ તકલીફ ન હોવા છતા દર વર્ષે લોહીનું દબાણ, ડાયાબિટીસ, કિડનીનું ચેક-અપ કરાવવું જરૂરી છે. - ડૉ. એચ એલ ત્રિવેદી, કિડની ઈન્સ્ટિટ્યૂટ, ડાયરેક્ટર.

સામાન્ય રીતે ખોરાકમાંથી આપણને લો-ગ્લાયસેમિક ઈન્ડેક્સ અને હાઈ-ગ્લાયસેમિક ઈન્ડેક્સ તત્વો મળતા હોય છે. જેની ડાયાબિટીસના દર્દીઓ સહિત શરીરમાં એક પણ તકલીફ ન હોય તો પણ તેનું સમતોલન રાખવું જરૂરી છે. આખુ અનાજ જેમકે ઘઉંનાં ફાડા, ચોખા, બાજરી, તમામ પ્રકારના કઠોળ, તમામ શાકભાજી, તમામ ફળો વગેરે રૂટિન આહારમાંથી લો-ગ્લાયસેમિક ઈન્ડેક્સ તત્વ શરીરને મળે છે. જ્યારે ઠંડા પીણા, ટ્રેટ્રાપેક્સ, મીઠાઈ, મેદાની વસ્તુઓ, ખાંડ-ઘી અથવા તેલ મિક્ષિત વાનગી, શેરડીનો રસ, કેરીનો રસ વગેરેમાંથી હાઈ-ગ્લાયસેમિક ઈન્ડેક્સ તત્વ મળે છે.

આપણા શરીરમાં ખાસ કરીને પ્રોટીન, ચરબી અને કાર્બોહાઈડ્રેટનું સંયોજન અને પ્રમાણ વ્યવસ્થિત હોવું જોઈએ. સારામાં સારૂ પ્રોટીન તેલ વગર ફણગાવેલા કઠોળ, ઓછા ફેટનુ દૂધ અને તેની બનાવટની વસ્તુઓ, બદામ, પીસ્તા, અખરોટ, પીકન દર્દીના ડાયાબિટીસનો કંટ્રોલ કરવા અને શરીરમાં પ્રોટીન માટે ખુબ ઉપયોગી છે. ડ્રાયફૂટના કારણે મગજનો પણ વિકાસ થાય છે.

ડાયાબિટીસના દર્દીઓએ કોમ્પ્લેક્સ કાર્બોડાઈડ્રેડ મેળવવા આહારમાં ખાસ ફોતરાવાળી દાળનો ઉપયોગ કરવો જોઈએ. ડાયાબિટીસના દર્દીઓએ રિફાઈન્ડ એટલે કે ખૂબ જ ઝીણા પીસાયેલા લોટ (મેંદો) નો બને તો ઉપયોગ ટાળવો જોઈએ. સાથો સાથ બટર, સફેદ માખણ, ચરબી વાળું ચીજ, ક્રિમનો ખોરાકમાં ઉપયોગ ઘટાડવો જોઈએ કારણકે આના કારણે શરીરમાં કોલેસ્ટ્રોલ વધી શકે છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને વેટ ટ્રેનિંગ કરવી ખુબ આવશ્યક છે. વેટ ટ્રેનિંગ કરવાને કારણે શરીરમાં લેવાતુ ઈન્શ્યુલિન વધુ સારી રીતે પરિણામ આપી શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ બને તો બે-બે કલાકે જમતા રહેવું જોઈએ. એક સાથે પેટ ભરીને જમવાથી શરીરમાં એક સાથે ગ્લુકોઝ વધે છે અને બીનજરૂરી વેડફાઈ જાય છે. - ડૉ. જાનકી પટેલ, ડાયેટિશ્યન

બદામ ખાવાથી ડાયાબિટીસ થવાની સંભાવના ઓછી યુરોપમાં સંશોધકોએ ભૂમધ્ય આહાર અને તેની હૃદય રોગો પર થતી અસરની શોધ કરવા માટે ૪.૭ વર્ષનો ડાયાબિટીક દર્દીઓ પર અભ્યાસ કર્યો હતો. જેમાં ૭૪૪૭ લોકોમાં ભૂમધ્ય આહાર, શુદ્ધ ઓલિવ ઓઈલ અને બદામ સહિત મિશ્રિત નટ્સ તેમજ એક ઓછી ચરબી નિયંત્રિત આહારમાં તુલના કરવામાં આવી હતી. જેમાં નિયંત્રિત સમૂહની તુલનામાં બદામ કે ઓલિવ ઓઈલની સાથે પૂરક એક ભૂમધ્ય આહારનું પાલન કરવાવાળા સમૂહોમાં ડાયાબિટીસની વૃદ્ધિનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું.

૧૫ આવશ્યક પોષક તત્વોથી પૂર્ણ બદામ, ભૂખને નિયંત્રિત રાખવા માટે અને નાસ્તા માટે એક યોગ્ય વિકલ્પ છે. આ ઉપરાંત કેલિફોનિયા આલ્મન્ડ્સ દ્વારા થયેલા રિસર્ચ પ્રમાણે બદામથી શરીરના વજન પર પ્રભાવ નથી પડતો. ભોજનના રૂપમાં ૪ સપ્તાહ માટે બદામ (૪૩ ગ્રામ પ્રતિ દિન) ખાય છે તેવા અને બદામ ન ખાનારા લોકોનું વજન તેટલુ જ રહે છે. ડાયાબિટીસના દર્દીએ કયા ટેસ્ટ કરાવવા સામાન્ય ડાયાબીટિસના દર્દીએ દર મહિને FBS, PPBS અને દર ત્રણ મહિને HBA1C બ્લડ રિપોર્ટ કરાવવો જોઈએ. આ ઉપરાંત યુરિન રૂટિન અને માઈક્રોબાયોલોજી ટેસ્ટ કરાવવો હિતાવહ છે. ૩૦ વર્ષ પછી કોઈ પણ વ્યક્તિને એક પણ તકલીફ ન હોય તો પણ RBS, લિપીડ પ્રોફાઈલ, ક્રિએટિનિન, યુરિન માઈક્રોઆલ્બ્યુમિન યુરિયા, ECG અને ECO ટેસ્ટ દર વર્ષે અચૂક કરાવવા જોઈએ.

કિડની તંદુરસ્ત રાખવા આટલું કરો રોજ ૩ લિટરથી વધુ (૧૦-૧૨ ગ્લાસ) પાણી પીવું નિયમિત કસરત કરવી, યોગ્ય વજન જાળવવું. ૪૦ વર્ષની ઉંમર બાદ ખોરાકમાં મીઠું ઓછું લેવું. ધૂમ્રપાન, તમાકુ, ગુટકા, દારૂનો ત્યાગ કરવો. ડૉક્ટરની સલાહ વગર બિનજરૂરી દવાઓ ન લેવી.