શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : મંગળવાર, 8 નવેમ્બર 2016 (12:06 IST)

પાતળા થવું છે?, તો અજમાવો આ પાંચ રસ્તા

આધુનિક પેઢી આકર્ષક દેખાવ માટે આદર્શ વજનની દીવાની છે. આમ પણ યોગ્ય આહાર અને યોગ્ય વજન શરીરના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. વધતા વજનને કાબૂમાં લાવવું મુશ્કેલ જરૂર છે, પણ અશક્ય નથી. વજન ઘટાડવા માટે સલાહ આપનારા ઘણા મળશે. તેવી સલાહની મન પર અસર થતાં શરીર ઉપર વિવિધ પ્રયોગો શરૂ કરવામાં આવતા હોય છે. છતાં પણ પરિણામ જોઈએ તેવું મળતું નથી. જો તમારી સાથે પણ એવું બન્યું હોય અને તમે પણ વજન ઘટાડવાના વિવિધ નુસખા અપનાવીને કંટાળી ગયા છો તો નીચે દર્શાવેલા ગોલ્ડન નિયમોને અપનાવશો તો વજનને કાબૂમાં રાખવું સરળ પડશે.

એક સંશોધનમાં બહાર આવ્યું છે કે દરેક વ્યક્તિએ પોતાના ભોજનનો સમય નિયમિત રાખવો જોઈએ. જેથી બે ભોજન વચ્ચેનું અંતર જળવાઈ રહે. બે ભોજન વચ્ચે ઓછામાં ઓછો ચાર કલાકનો સમય રાખવો હિતાવહ માનવામાં આવે છે. વળી તમે દિવસની શરૂઆતમાં બ્રેકફાસ્ટ કરો અને રાત્રીનું ભોજન કરો તે બે વચ્ચેનો સમય ૧૨ કલાકનો હોવો જોઈએ. જેને કારણે તમને દિવસમાં ટાણે ક ટાણે ભૂખ લાગશે નહીં. પરિણામે ચયાપચયની ક્રિયા નિયમિત બનતા વજન પણ વધશે નહીં. ક્યારેક એવું પણ બને કે અચાનક એકદમ ભૂખ લાગી જાય. તેવા સમયે પણ વિવિધ વાનગીમાંથી શું ખાવું તેનો નિર્ણય કરવો અગત્યનો છે. સામાન્ય રીતે ભૂખ લાગે એટલે હાથવગું હોય તેવી બિસ્કિટ, બ્રેડ, તૈયાર ચીપ્સ કે ભૂજિયા સેવ ખાઈને રાહત અનુભવતા હોય છે. આકર્ષક પેકિંગમાં મળતા નાસ્તા આરોગ્ય માટે તો નુકસાનકારક છે.

રોજેરોજનો આહાર સંતુલિત હોવો જોઈએ. દરેક વ્યક્તિએ બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં પર્યાપ્ત માત્રામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટસ્ તથા ફેટસ્ યોગ્ય માત્રામાં લેવા જોઈએ. આજકાલ યુવાનોમાં ડાયેટિંગનો ક્રેઝ વધતો ચાલ્યો છે. જે ફક્ત સમયનો વ્યય જ માનવામાં આવે છે. હકીકતમાં વજન ઘટાડવાની ચાવી તો દરેકના દિલમાં જ સમાયેલી હોય છે. સંશોધનમાં પણ બહાર આવ્યું છે કે ૭૦% લોકો જેઓ ડાયેટ કરે છે તેઓ થોડા વખતમાં જ બમણું વજન ધરાવતા થઈ જાય છે. અમેરિકામાં આવેલી યેલ યુનિવર્સિટીએ કરેલા રિસર્ચમાં બહાર આવ્યું છે કે સ્થૂળતાને વર્તણૂકને લગતો રોગ ગણવામાં આવવો જોઈએ. કારણ કે જેઓ ડાયેટિંગ કરતા હોય છે તેઓ પોતાને લગભગ ભૂખ્યા રાખીને જાતને સજા કરતા હોય છે. પરિણામે તેમનાં શરીરમાં પોષક દ્રવ્યોની ઊણપ સર્જાય છે જે ગંભીર બીમારીનો ભોગ બને છે. તેથી ડાયેટિંગને તો ‘ના બાબા ના’ જ કહેવું જોઈએ. આહારમાં પ્રોટીનનો સમાવેશ કરવો એટલે કે વિવિધ દાળો, સૂકો મેવા, ફળનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો જોઈએ.

‘હારા હાચી બૂ વે’

ચોંકી ગયાને? ૨૧મી સદીમાં પણ જાપાનની ઓકિનાવા જાતિએ પોતાના ઉપર અપનાવેલ પરેજીનું રાઝ છે. જેટલી ભૂખ હોય તેના ૮૦% જેટલો ખોરાક ખાવો જોઈએ. તેવું તેઓ માને છે. તેથી જ ઓકિનાવા જાતિની એક લાખમાંથી ૫૦ વ્યકિતઓ શતાયુ ધરાવતી જોવા મળે છે. એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે જે ફક્ત નવ મિનિટમાં ભોજન પૂરું કરે છે તેના કરતાં જે વ્યક્તિ પોતાના ભોજન માટે અડધો કલાક ફાળવે છે તે ૭૦% ઓછી કૅલરી ગ્રહણ કરે છે. મોઢામાં કોળિયો ભર્યો નથી કે તેને ગળી જવાની આદત ઘણાને હોય છે. દરેક કોળિયાનો આનંદ મેળવવા માટે મોઢામાં મૂક્યા બાદ તેને ૨૦ વખત ચવાયા બાદ જ પેટમાં ઉતારવો જોઈએ. જેથી ભોજનનો સ્વાદ, તેનું બાહ્ય સ્વરૂપ અને તેની સુગંધ જે તે વ્યક્તિના મગજમાં નોંધાઈ જાય છે. તેથી ‘હારા હાચી બૂ વે ’ જાપાનીઝ મંત્રને સારા સ્વાસ્થ્ય માટે અપનાવવો જોઈએ.

તમે જો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ હો અને તમે કોઈપણ સંજોગોમાં તંદુરસ્ત રહેવાનું વિચારી લીધું હોય તો કેટલીક વાનગીઓ અને આદતો પ્રત્યે વફાદાર રહેવું આવશ્યક બની જાય છે. માનવમાત્રને સ્વાદિષ્ટ વાનગીઓની લહેજત માણવી પસંદ હોય છે. ૪૦ વર્ષની ઉંમર બાદ જેમને લાંબું અને તંદુરસ્ત જીવન જીવવાની ઈચ્છા હોય, તેમને માટે તંદુરસ્ત જીવન જીવતા વડીલોએ અપનાવેલી એક સલાહ અમલમાં મૂકવા જેવી છે. તળેલી વાનગીઓ ખાવાની ઈચ્છા થાય ત્યારે ફક્ત તેને ચાખવી જ જોઈએ. ભરપેટ મનફાવે તેટલી આરોગવી જોઈએ નહીં. જેમ કે મેંદામાંથી બનતી વાનગી જેવી કે કેક, બિસ્કિટ, પેસ્ટ્રી, ડૉનટ વિ. તળેલી વાનગીઓથી તો બને તેટલું દૂર રહેવું આવશ્યક છે જે ફક્ત શરીરમાં અનાવશ્યક ચરબીની માત્રા વધારે છે. જે લાંબેગાળે હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ કે કૉલેસ્ટરોલ વધારીને હદયની ગંભીર બીમારીને આમંત્રણ આપે છે.

ફિલ્મ ‘ટશન’માં કરીના કપૂરની ઝીરો સાઈઝ ફિગરે ફિલ્મીરસિયાઓમાં ધૂમ મચાવી હતી. કરીના કપૂર તેની તંદુરસ્તીનું રહસ્ય બતાવતા કાયમ જણાવતી હોય છે કે હું ખૂબ મોંઘાં ફળો કરતાં કેળું ખાવામાં માનું છું. ઘી તો મને પરોઠા ઉપર લગાવવું અતિ પ્રિય છે. કારણ કે મારા દાદી જે ૮૫ વર્ષે પણ કોઈપણ જાતના દર્દ વગર ફરી શકતા તેની પાછળનું રહસ્ય પરોઠા પરનું એક ચમચી ઘી જ છે. તેનું કહેવું છે કે તે ગમે ત્યાં શૂટિંગમાં જાય પણ એક કલાક માટે ચાલવા જવાનું ભૂલતી નથી. આધુનિક જીવનશૈલીએ આપણું હરવા-ફરવાનું, સક્રિય રહેવાનું જાણે કે બંધ જ કરી દીધું છે. તેથી જ વજન ઉતારવાના કે પાતળા રહેવા માટેના બીજા કોઈ પણ ઉપાયો કરતા કસરત એક નિર્દોષ અને સંપૂર્ણ સુરક્ષિત ઉપાય છે. ભૂખ્યા રહેવું -દવાઓ ખાવી વગેરે ઉપાયો શરીર માટે હાનિકારક બની શકે છે. રોજની એક કલાક કાર્ડિયો કે વજન ઊંચકવાની કસરત કરવી જ જોઈએ. વજ ન ઉતારવા માટે દરેક વ્યક્તિએ ૧૦ હજારથી ૧૫ હજાર પગલાં રોજના ભરવાં જોઈએ. કસરત કરવાથી રૂધિરાભિસરણની પ્રક્રિયા તથા શ્ર્વસનતંત્ર વધુ કાર્યક્ષમ બની જાય છે. લોહીનું પરિભ્રમણ વધુ સારું થવાથી તથા ઊર્જા ઉત્પન્ન કરવા માટે વધુ ઓક્સિજન મળી રહેવાથી થાક ઝડપી લાગતો નથી. કામ વધુ કરવાની ઈચ્છા થાય છે. એક કલાક ચાલવાથી વ્યક્તિ લગભગ ૬૦૦૦-૭૦૦૦ પગલાં ભરે છે. નાનું બાળક જન્મતાના થોડાક જ કલાકોમાં હાથપગ હલાવીને પૂરતો શારીરિક શ્રમ મેળવી લે છે. તેથી જ શરીરનો ઝડપી વિકાસ થવા લાગે છે. નિયમિત કસરત અને યોગ્ય આહાર શરીરને સશક્ત અને તંદુરસ્ત રાખવા માટે ખૂબ જ જરૂરી છે. જે ઉંમર વધવાની પ્રક્રિયા ધીમી પાડે છે. કસરત કરનાર વ્યક્તિ વધુ સુદૃઢ અને સુંદર દેખાય છે. જો તમે પણ વધુ આકર્ષક દેખાવા માગતા હો તો ફિલ્મી કલાકારો દ્વારા અપાતી લોભામણી જાહેરખબરો, ફેરિયાઓ દ્વારા વેચવામાં આવતી બિનઆરોગ્યપ્રદ તળેલી વાનગીઓ તથા વિદેશી ફાસ્ટફૂડના ચરબી વધારતા ખોરાકથી દૂર રહેવું જોઈએ. ભારતીય સંસ્કૃતિની પરંપરામાં સાથે ભોજન કરવાથી પણ એકબીજા પ્રત્યે પ્યાર અને તંદુરસ્તી જળવાઈ રહે છે. જે વજનને કાબૂમાં રાખવામાં પણ મદદરૂપ થાય છે. અમેરિકન સંશોધનમાં પણ તેને સમર્થન મળ્યું છે. જે આપણે ભારતીય વિસરી તો નથી ગયાને!