શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Updated : સોમવાર, 27 ફેબ્રુઆરી 2017 (14:39 IST)

હોમ ટિપ્સ - જો રસોડું હોય સાફ , તો રોગ રહે દૂર

ગૃહિણીનું રાજ બીજે ક્યાંય ચાલે કે ન ચાલે પણ રસોડામાં તેનું એકચક્રી શાસન હોય છે. આમ તો સ્ત્રી દિવસનો વધુમાં વધુ સમય રસોડામાં ગાળતી હોય છે. જો કે જમાનાના બદલાવ સાથે અને સ્ત્રીઓ બહાર કામ કરતી હોવાને કારણે એ સમય ઓછો થતો જાય છે અને હકીકતમાં પણ સ્ત્રીએ સવારના એકથી દોઢ કલાક અને સાંજના એક દોઢ કલાકથી વધારે સમય રસોડમાં ન ગાળવો જોઈએ. આજકાલ આપણી પાસે મિક્સર, બ્લેન્ડર, જયુસર અને ઑવન જેવી કેટલીક સગવડતા છે પછી રસોઈ કરતાં કેટલી વાર? એમાંયે જો હાથવાટકી હોય એટલે કે આપણી દીકરી કે મદદ કરવાવાળી બાઈ હોય તો તે આપણને બધું તૈયાર કરી આપે પછી તો રસોઈ કરતાં જરાય વાર લાગે જ નહીં.

રસોડાની વાત કરીએ તો તેમાં આપણી રસોઈ થાય છે અને સ્થળને સ્વચ્છ રાખવું જરૂરી છે. પ્રદૂષણ ફક્ત બહાર જ હોય છે એવું નથી. ઘરની અંદરની હવામાં પણ રજકણ, કેમિકલ્સ અને જીવજંતુ હોય છે. જેને કારણે કેટલીય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઉપસ્થિત થાય છે. એમાંયે કિચનમાં તો કેટલાંયે પદાર્થો ઢોળાતા હોય, કેટલાય પદાર્થોના ડાઘ પડતા હોય. કિચનમાં જીવજંતુ થવાના વધારે ચાન્સ છે. પણ જો થોડું ધ્યાન રાખવામાં આવે તો કિચન ચકાચક રહે છે. આવો, વિચારીએ કઈ રીતે કિચનને સ્વચ્છ રાખી શકાય.

એક સ્ત્રી પરિવારજનો માટે પ્રેમથી રસોઈ બનાવે છે. પ્રેમની સાથે સાથે તેમનું આરોગ્ય પણ જળવાઈ રહે તેવું દરેક સ્ત્રી ઈચ્છે છે. અને તેથી જ આપણું રસોડું સ્વચ્છ અને જંતુમુક્ત હોવું જોઈએ. એ માટે થોડા ધ્યાનપૂર્વક વર્તીશું તો સ્વચ્છ, સુઘડ, જંતુરહિત રસોડું અને એમાં બનાવેલી રસોઈ પરિવારજનો માટે અણમોલ નજરાણું સાબિત થશે. દિવસમાં માત્ર કલાક, દોઢ કલાક જ કિચનને ફાળવવો હોય અને છતાં રસોડું દમામદાર રાખવું હોય તો દરેક વસ્તુ માટે અલગ જગ્યા રાખો. આપણે જેમ આપણાં ઘરમાં રહીએ છીએ તેમ દરેક વસ્તુને તેનું પોતાનું ઘર આપો. આમ કરવાથી તમને રસોઈ વખતે જે વસ્તુ જોઈતી હશે એ સરળતાથી મળી જશે, કારણ કે એ વસ્તુ એની ચોક્કસ જગ્યા પર હશે. વાસણ સાફ કરીને મૂકવાનું પણ સરળ બનશે. પ્લાસ્ટિકની થેલીઓ, સિલ્વર ફોઈલ વગેરે માટે પણ એક ખાનું રાખો. આ બધી વસ્તુઓ સરળતાથી મળવી જોઈએ.

સામાન્ય રીતે આપણે દાળશાક વધારીએ છીએ ત્યારે ત્યાં આજુબાજુની ટાઈલ્સ પર તેલ, ઘી, દાળ, શાકના ડાઘા પડે છે. રસોઈ કરતી વખતે જ તરત જ આ ડાઘ સાફ કરી નાખવા. આમ કરવામાં બે મિનિટથી વધારે સમય નહીં લાગે. રાત્રે પ્લેટફોર્મનું સિન્ક એકદમ ખાલી અને સાફ હોવું જોઈએ. વાસણ સાફ કરવાનું સ્પંજ જંતુઓનું ઘર છે, અને તેમાંથી જંતુઓ ફેલાય છે. આ સ્પંજ સાફ રાખવા જરૂરી છે.

ઘણીવાર રસોઈ બનાવતી વખતે આપણાં તપેલાં કે લોયાની સપાટી દાઝી જાય છે. આ બળેલા ભાગને સાફ કરવા માટે વાસણમાં ચપટી સાબુ નાખો અને થોડું પાણી નાખો પછી એને ગેસ પર મૂકીને ઉકાળો. પછી પાણીને ઠંડું પડવા દો. એ પાણીથી બળેલું વાસણ સાફ કરશો તો એ બળેલો ભાગ સહેલાઈથી સાફ થઈ જશે. ઑવનમાં રાંધતી વખતે ખોરાક જો અવનવા બેઝ પર ઢોળાય કે બળી જાય તો થોડું મીઠું નાખો જેને કારણે ધુમાડો ઓછો થશે અને ઢોળાયેલો ખોરાક સહેલાઈથી સાફ થઈ જશે. ઑવન ઠંડુ થયા પછી આ સફાઈ કરવી જોઈએ. મીઠા સાથે થોડા તજ ભેળવીને રાખવાથી બળ્યાની વાસ ઓછી થઈ જશે.

માઈક્રોવેવ ઑવન સાફ કરવા માટે બે કપ પાણીમાં બે ચમચા લીંબુનો રસ અથવા વિનેગર મિકસ કરો. તેને કાચના માઈક્રોવેવ સેફ બોલમાં ભરો. પછી બેથી ત્રણ મિનિટ સુધી માઈક્રોવેવ ચાલુ કરીને બાઉલ બહાર કાઢો અને માઈક્રોવેવ પેપર નેપક્ધિસથી સાફ કરો.

ડ્રેનેજમાં કચરો જામ થઈ ગયો હોય તો એને સાફ કરવા માટે અડધો કપ બેકિંગ સોડા રેડો પછી અડધો કપ વ્હાઈટ વિનેગર રેડો અને ડ્રેનેજને કવર કરી દો. આ મિક્સરના ફીણ થાય ત્યાં સુધી રહેવા દો અને પછી આઠ કપ ઊકળતું પાણી રેડી દો. તમારી ડ્રેનેજ લાઈન સાફ થઈ જશે, પણ જો તમે કોઈ કમર્શિયલ ડ્રેનેજ ઓપનર કે ક્લીનરનો ઉપયોગ કર્યો હોય તો એના પછી આ પ્રયોગ ન કરતા. સિન્કમાંથી જીવજંતુનો નાશ કરવા માટે રાતના સૂવાના સમયે સરકામાં બેકિંગ સોડા મિક્સ કરીને સિન્કમાં નાખો અને દસ મિનિટ રહેવા દો. પછી સિન્કને ગરમ પાણીથી ધોઈ લો બધાં જીવજંતુ નાશ પામશે.

સ્માર્ટ અપ્લાયન્સિસની સફાઈ પણ સ્માર્ટલી કરવી જરૂરી છે. બ્લેન્ડરને સાફ કરવા માટે એને હૂંફાળા પાણીથી અડધું ભરો. તેમાં થોડાં ટીપાં લિકવીડ સોપનાં નાખો, કવર કરો અને પછી બ્લેન્ડ કરો. તમારું બ્લેન્ડર ચકચકિત થઈ જશે. ફુડ પ્રોસેસર પણ આ જ રીતે સાફ થઈ શકશે.

કિચનમાં સૌથી વધુ સફાઈની જરૂર છે ફ્રિજને. દર અઠવાડિયે ફ્રિજમાંથી બધા ખાદ્યપદાર્થો બહાર કાઢીને ફ્રિજને સાબુના પાણીથી સાફ કરો. બધા ખાના અને ટ્રે સાફ કરો. પછી ખોરાક પાછો અંદર મૂકો. ફુડ પેકેટસ પરની એક્સપાયરી ડેટ થઈ ગઈ હોય તો તેને ફેંકી દો. ફ્રિજમાં બેકિંગ સોડાનું એક ખુલ્લું બૉક્સ રાખો.

ઓછામાં ઓછા બે મહિનામાં કિચનમાંથી બધો જ સામાન હટાવીને સફાઈ કરો. કિચનમાં મસાલાનો ઉપયોગ તેમ જ વઘાર કરતી વખતે જે ધુમાડો નીકળે તે બાળકો અને વડીલોની તંદુરસ્તી માટે હાનિકારક છે. તેથી કિચનને પ્રદૂષણ મુક્ત રાખવા ચિમનીની વ્યવસ્થા જરૂરી છે અને ચિમનીની પણ નિયમિત સફાઈ કરવી જોઈએ. કિચનની સાફસફાઈ માટે આપણે ઘરે પણ ક્લીનર બનાવી શકીએ. બારીની સફાઈ માટે ૧/૩ કપ વિનેગર અને ૧/૪ કપ આલ્કોહોલ મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ભરી લો. થોડું પાણી નાખીને બારી સાફ કરી શકાય. સાદા લિકવીડ સોપને પાણી સાથે મિક્સ કરીને પણ સરસ સફાઈ થઈ શકે છે. બેકિંગ સોડા અને હૂંફાળા પાણીને મિક્સ કરીને પણ સારું ક્લીનર બનાવી શકા છે. મહિનામાં એક વાર તમારી અભરાઈઓ અને કિચન યુનિટને ભીના કપડાથી સાફ કરો. ડબ્બા ખોલીને જુઓ અંદર રાખેલું કઠોળ કે બીજી કોઈ ચીજ ખરાબ નથી થઈ ગઈ ને?

ગેસ સિલિન્ડર પાઈપની નિયમિતરૂપે તપાસ કરતા રહો અને લાગે કે એ પાઈપ જૂનો થઈ ગયો છે તો બદલાવી નાખો. માઈક્રોવેવ, ફૂડ પ્રોસેસર, ટોસ્ટર, ઈલેસ્ટ્રિક કીટલી જેવા સાધનોની સફાઈ પર ધ્યાન આપો અને ઉપયોગ ન કરતાં હો ત્યારે મેઈન સ્વીચ બંધ રાખો.