સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2023
Written By
Last Modified: શનિવાર, 6 મે 2023 (00:21 IST)

GT vs RR: ગુજરાતે રાજસ્થાનને ધમાકેદાર અંદાજમાં હરાવ્યું, IPL 2023 પ્લેઓફમાં સ્થાન લગભગ નિશ્ચિત

gujarat titans
GT vs RR: IPL 2023 ની 48મી મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે તદ્દન ખોટું સાબિત થયુ. આ મેચમાં રાજસ્થાને ગુજરાતને જીતવા માટે માત્ર 119 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે ગુજરાત ટાઇટન્સે 1 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. મેચમાં રાજસ્થાનના બોલરો અને બેટ્સમેનો ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા.
 
ગુજરાતે જીતી મેચ 
119 રનનો લક્ષ્યાંક હાંસલ કરવામાં ગુજરાતની ટીમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો. ઓપનર બેટ્સમેન શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહાએ ખૂબ જ સાવચેતીપૂર્વક બેટિંગ કરી હતી. ગિલ 36 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી હાર્દિક પંડ્યા અને સાહાએ મળીને ગુજરાત માટે મેચ જીતી હતી. હાર્દિકે 39 અને સાહાએ 41 રન બનાવ્યા હતા. રાજસ્થાનના બોલરો મેચમાં કોઈ અસર છોડી શક્યા ન હતા. રાજસ્થાન ટીમ માટે માત્ર યુઝવેન્દ્ર ચહલ જ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.

 
વિખરાઈ ગઈ રાજસ્થાનની બેટિંગ
રાજસ્થાન રોયલ્સની શરૂઆત જરા પણ સારી રહી ન હતી. જ્યારે જોસ બટલર માત્ર 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી યશસ્વી જયસ્વાલ 14 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન સંજુ સેમસને ચોક્કસપણે વિકેટ પર ટકી રહેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે માત્ર 30 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. દેવદત્ત પદ્દીકલે 12 રન બનાવ્યા હતા. રવિચંદ્રન અશ્વિન 2 રન, રિયાન પરાગે 4 રન, શિમરોન હેટમાયર 7 રન, ધ્રુવ જુરેલે 20 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સ સંપૂર્ણ 20 ઓવર પણ રમી શકી ન હતી અને આખી ટીમ 118 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.
 
 ગુજરાત ટાઇટન્સના બોલરોએ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. તેમણે રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનોને સારા સ્ટ્રોક રમવા દીધા ન હતા. મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા, જોશુઆ લિટલને 1-1 વિકેટ મળી હતી. રાશિદ ખાને પોતાની ચાર ઓવરમાં માત્ર 14 રન આપીને 3 વિકેટ લીધી હતી. નૂર અહેમદે 2 વિકેટ લીધી હતી.
 
પ્લેઓફની તરફ વધાર્યા પગલા 
હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સ ટીમ સારું પ્રદર્શન કરી રહી છે. આઈપીએલ 2023માં ટીમે 10 મેચ રમી છે, જેમાંથી તેણે 7માં જીત મેળવી છે. સાથે જ ટીમને માત્ર ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 14 પોઈન્ટ સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે. ગુજરાત ટાઇટન્સનો નેટ રન રેટ પ્લસ 0.752 છે. 14 પોઈન્ટ સાથે, ગુજરાતનું IPL 2023 પ્લેઓફ માટે ક્વોલિફાય થવું લગભગ નિશ્ચિત છે. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ટીમે વર્ષ 2022 ખિતાબ જીત્યો હતો.