મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: સોમવાર, 25 માર્ચ 2019 (14:34 IST)

ભાજપમાં સુરત બેઠક પરથી ઉદ્યોગપતિ મહેશ સવાણીની દાવેદારી

mahesh savani
ભાજપે બાકી રાખેલી 10 બેઠકો પૈકી સુરતમાં વર્તમાન સાંસદ દર્શના જરદોસને રીપિટ કરાય તેવી શક્યતા ઓછી છે ત્યારે મૂળ સૌરાષ્ટ્રના એવા સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ સુરત બેઠક માટે પોતાની દાવેદારી નોંધાવી છે. મહેશ સવાણીએ રવિવારે ગાંધીનગરમાં પ્રદેશ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. પાટીદાર અનામત આંદોલન ચરમસીમાએ હતું ત્યારે હાર્દિક પટેલ અને સરકાર વચ્ચે સમાધાન માટે સૌપ્રથમ મહેશ સવાણી અને મુકેશ પટેલે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. મહેશ સવાણીએ જણાવ્યું હતું કે મને ટિકિટ મળે તો સુરતમાં 65 ટકા મૂળ સૌરાષ્ટ્રના મતદારો હોવાથી ભાજપને ફાયદો થાય તેમ છે અને તેની અસર બારડોલી, ભાવનગર, જૂનાગઢ બેઠકને પણ પડશે.

બીજીતરફ હજુ જૂનાગઢ બેઠક પર ઉમેદવારનું નામ જાહેર નહીં થતા વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાની ટિકિટ કપાવાની દહેશતને પગલે તેમના સમર્થકો ગાંધીનગર કમલમ સુધી પહોંચ્યા હતા અને ચુડાસમાને રીપિટ કરવાની માંગણી કરી હતી. ગીરસોમનાથ જિલ્લાની 4 વિધાનસભા બેઠક પરથી એકમાત્ર ચુડાસમાનું નામ અપાયું હતું. જૂનાગઢ જિલ્લાની વિધાનસભા બેઠકોમાં અન્યોની દાવેદારી હતી પરંતુ તેમણે પ્રથમ રાજેશ ચુડાસમાની જ રજૂઆત કરી હતી. પાર્ટીએ પ્રથમ યાદીમાં ચુડાસમાનો સમાવેશ કેમ ન કર્યો તે પ્રશ્ન અમે ઉઠાવ્યો છે. હજુ પણ અન્ય ઉમેદવાર અંગે વિચારવાને બદલે રાજેશ ચુડાસમાને રીપિટ કરવાની રજૂઆત પાર્ટીના નેતાઓને કરી છે.