ચૂંટણી ખર્ચની અધુરી વિગતો મુદ્દે અમિત શાહ સહિત 4 ઉમેદવારોને નોટીસ
ચૂંટણી ખર્ચની અધૂરી વિગતો આપવા બદલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત અમદાવાદના ભાજપ-કોંગ્રેસના મળી ચારેય ઉમેદવારને ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે. ગાંધીનગર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સી.જે. ચાવડાને પણ આ જ કારણ હેઠળ નોટિસ આપી છે. પ્રચારની સાથે ખર્ચની પૂરેપૂરી વિગતો ચૂંટણી વિભાગને મોકલી આપવી ફરજિયાત છે. જેનું ઉલ્લંઘન થઇ રહ્યું હોવાથી શહેરની પૂર્વ-પશ્ચિમ બેઠકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને નોટિસ ફટકારી છે. પૂર્વમાં 18 ઉમેદવારો અને પશ્ચિમમાં 9 ઉમેદવારોને નોટિસ ફટકારાઇ છે. ભાજપ અને કોંગ્રેસ જેવી અગ્રણી પાર્ટીઓ જ ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહી છે. પરંતુ ખર્ચની તમામ વિગતો ઓનલાઇન મૂકવાની હોવાથી અધિકારીઓને ન છૂટકે નોટિસ આપવી પડે છે. શહેરની લોકસભાની પૂર્વ બેઠકનાં ભાજપનાં ઉમેદવાર હસમુખ પટેલ અને ગીતા પટેલ સહિત છ ઉમેદવારોને ખર્ચની અધૂરી વિગતો રજૂ કરવા બદલ નોટિસ ફટકારાઇ છે. ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે રજૂ કરેલા 1.50 લાખના ખર્ચની સામે 15 લાખનો ખર્ચ અને કોંગ્રેસના ગીતા પટેલના 2.25 લાખના ખર્ચની સામે 4.50 લાખ ખર્ચ અંદાજવામાં આવ્યો છે. 12 ઉમેદવારોએ તો હિસાબ જ રજૂ કર્યા નથી. જ્યારે પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર ડો.કિરીટ સોલંકી 14 હજાર મૂકેલા ખર્ચની વિગતની સામે દસ લાખથી વધુ ખર્ચ અંદાજવામાં આવ્યો છે.