1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: સોમવાર, 1 એપ્રિલ 2019 (13:00 IST)

લોકસભા ચૂંટણી 2019- ઉમેદવારીપત્રક ભરવામાં માત્ર 4 દિવસ બાકી છતાય બંને પક્ષો ઉમેદવારો શોધી રહ્યાં છે

લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ છે પરંતુ હજુ સુધી કોંગ્રેસ 13 બેઠકો ઉપર ઉમેદવારો નક્કી કરી શકી નથી. જ્યારે ભાજપના ત્રણ નામ પણ અટક્યા છે. રવિવારે ભાજપે વધુ 4 બેઠકો માટેના ઉમેદવાર જાહેર કર્યા હતા. તેમાં પોતાના ત્રણ વર્તમાન સાંસદોની ટિકિટ કાપી છે. જ્યારે છોટા ઉદેપુરથી મહિલા ઉમેદવાર ગીતા રાઠવાને મેદાનમાં ઉતાર્યા છે. પહેલીવાર આ બેઠક પરથી કોઈ મહિલા ઉમેદવાર હશે. કોંગ્રેસની યાદીમાં વિલંબનું એક કારણ બળવાનો ડર પણ છે. ગુજરાતમાં 23 એપ્રિલે વોટિંગ થવાનું છે.પાટીદાર બહુમતી ધરાવતા ગાંધીનગરમાં ભાજપે અમિત શાહને મેદાનમાં ઉતાર્યા છે. 
કોંગ્રેસે પહેલા અહીંથી ધારાસભ્ય સી.કે. ચાવડાને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું હતું. પરંતુ શાહના આગમન પછી તેઓ કોઈ પટેલ ઉમેદવારને શોધી રહ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપને નુકસાન પહોંચાડનારી અમરેલી બેઠક માટે પણ કોંગ્રેસે હજુ કોઈ ઉમેદવાર નક્કી કરી શકી નથી. અહીં ઘણાં દાવેદાર મેદાનમાં છે. અહીં કોંગ્રેસને બળવાનો ડર વધુ છે. આથી તે મજબૂત ઉમેદવાર શોધી રહી છે. જામનગરમાં કોંગ્રેસ હાર્દિક પટેલને ઉતારવાની હતી પરંતુ હાઈકોર્ટે મંજૂરી ન આપતા આ બેઠક પણ લટકી છે. ભાજપ તરફથી અહીં વર્તમાન સાંસદ પૂનમ માડમ મેદાનમાં છે આથી કોંગ્રેસ કોઈ મજબૂત ઉમેદવાર શોધી રહી છે.
ખેડામાં છોટે સરદાર તરીકે ઓળખાતા દિનશા પટેલ મજબૂત દાવેદાર છે પણ તેઓ ચૂંટણી લડવાનો ઇનકાર કરી ચૂક્યા છે. આથી કોંગ્રેસ અહીં પણ મુશ્કેલીમાં છે. અમદાવાદ પૂર્વની બેઠક 2008થી અસ્તિત્વમાં આવી છે. બે વાર ચૂંટણી યોજાય અને બંનેવાર ભાજપનો વિજય થયો છે. ગયા વખતે ફિલ્મ અભિનેતા પરેશ રાવલ મેદાનમાં હતા. 
જો કે આ વખતે તેઓ ચૂંટણી લડવાના નથી. કોંગ્રેસ અહીં ગુજરાતી અને બિનગુજરાતી ચહેરા શોધી રહી છે પણ તે ભાજપની યાદીની રાહ જુએ છે. સુરત 1984થી ભાજપનો ગઢ છે. ભાજપના વર્તમાન સાંસદ દર્શનાબેન ટિકિટની દોરમાં આગળ છે પણ એક ચર્ચા અહીંથી સૌરાષ્ટ્રના વતનીને ઉતારવાની પણ છે. આથી કોંગ્રેસ પણ અટકી છે. જો ભાજપ સૌરાષ્ટ્રના કોઈ નેતાને અહીંથી ઉતારે તો કોંગ્રેસ પણ સૌરાષ્ટ્રના નેતાનો દાવ રમી શકે છે. ભાવનગરમાં ભાજપે ભારતીબેન શિયાળને રિપીટ કર્યા છે. કોંગ્રેસ કોળી સમાજના કોઈ મજબૂત ચહેરાની શોધમાં છે. આવી સ્થિતિ સુરેન્દ્રનગરની બેઠકની છે.