ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: બુધવાર, 1 મે 2019 (12:21 IST)

આજે ગુજરાતનો જન્મ દિવસ, ચાલો થોડી આછેરી ઝલક માણી લઈએ

આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. ગુજરાત આજે 59 વર્ષનું થયું. હવે વિકાસની હરણફાળની વાત તો દરેક જાણે છે. પરંતુ જોવાનું એ છે કે વિદેશમાં કેવું ગુજરાત વસે છે. આજે અમેરિકા હોય કે બ્રિટન હોય અહીં બિઝનેસ થી લઈને રાજકારણ સુધી ગુજરાતીઓનો દબદબો છે. ત્યારે આવો ગુજરાતની એક આછેરી ઝલકને માણી લઈએ.
 એપ્રિલ 1956માં રાજ્ય પુનઃ રચના પંચની ભલામણોમાં ફેરફાર કરીને ગુજરાત રાજ્ય રચવા અંગે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ વિચારી રહ્યા હતા. એ વખતે મુંબઇમાં મોરારજી દેસાઇ મરીન ડ્રાઇવના આશિયાના નિવાસસ્થાને ગુજરાતના મુખ્યમંત્રી કોને બનાવવા તેના અંગે અગ્રણીઓ સાથે બંધબારણે ચર્ચા શરૂ કરી. જેમાં મોરારજી દેસાઇ, ખંડુભાઇ દેસાઇ અને બળવંતરાય મહેતાના નામ અંગે વિચારણા થઇ હતી. આ પછી જવાહરલાલ નહેરુ અને અગ્રણીઓની રાજ્યરચનાની વિચારણાએ વળાંક લીધો અને દ્વિભાષી મુંબઇ નવેમ્બર 1956માં થયું.
1690માં ગુજરાત રાજ્ય રચાયું ત્યારે ફરી મુખ્ય પ્રધાન કોણ બને એ પ્રશ્ન ઉપડયો હતો. તે વખતે બળવંતરાય મહેતા અને ખંડુભાઇના નામ વિચારાયા હતા. પરંતુ ખંડુભાઇ 1957ની ચૂંટણમાં ઇન્દુલાલ યાજ્ઞિાક સામે હાર્યા હતા અને સંસદ સભ્ય બળવંતરાય  ગુજરાત વિધાનસભાના સભ્ય નહોતા. તેઓ પ્રથમ મુખ્ય પ્રધાન પસંદ થાય પછી 6 માસમાં ચૂંટાય તેમ બંધારણ મુજબ કરી શકાય. પરંતુ છેલ્લા મહાગુજરાત આંદોલનને કારણે ચૂંટણીમાં જીત પ્રશ્નાર્થ હતો. જેના કારણે પસંદગીનો કળશ દ્વિભાષી મંત્રીમંડળમાં ગુજરાતના પ્રધાનોમાં સૌથી વરિષ્ઠ જીવરાજ મહેતા પર ઢોળાયો હતો.
ગુજરાત રાજ્યની સ્થાપના બાદ અમદાવાદમાં આંબાવાડી પાસે પોલિટેક્નિકના મકાનમાં ગુજરાતનું સચિવાલય બનાવવાનું શરૂ કરી દેવાયું હતું. અસારવા પાસે નવી સિવીલ હોસ્પિટલમાં અમુક વિભાગમાં થોડા ફેરફાર કરીને તેમાં ગુજરાત વિધાનસભા શરૂ કરવાનું નક્કી કરાયું હતું. નવરંગપુરા-ઇન્કમ ટેક્સ સર્કલ પાછળ બાળકોની હોસ્પિટલમાં હાઇકોર્ટ શરૂ કરાઇ હતી. પ્રધાનોના નિવાસસ્થાન શાહીબાગમાં ડફનાળા બાજુ નદી કિનારે નક્કી થયા હતા. રાજભવનનું નિર્માણ પણ ત્યાં જ નક્કી થયેલું. એ રાજભવનની ઈમારત મોગલસમ્રાટ શાહજહાંએ બંધાવેલી.
મુંબઇથી ગુજરાત સચિવાલય માટે ફાળવાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની ટ્રેન મુંબઇથી અમદાવાદ ફાઇલો સાથે આવી હતી. મુંબઇના આઇ.સી.એસ. સચિવ એમ.જી. પિમ્પુટકરના વડપણ હેઠ સચિવાલય 'ટ્રાન્સફર'ની કામગીરી હાથ ધરાઇ હતી. મુંબઇમાં તો 19 આઇ.સી.એસ. હતા પણ ગુજરાતને ફાળે પાંચ આઇ.સી.એસ. ફાળવવામાં આવ્યા. ઇશ્વરન્ ગુજરાતના પ્રથમ ચીફ સેક્રેટરી હતા. અન્ય આઇ.સી.એસ.માં મોનાની, ગિદવાણી, જી.એલ.શેઠ, એલ.આર. દલાલ હતા.
ગુજરાત વિધાનસભાનો પ્રારંભ 18 ઓગસ્ટ 1960ના થયો. જેમાં પ્રથમ દિવસે રાજ્યપાલનું પ્રવચન થયું. આમ, વિધાનસભા શરૂ થઇ તે પહેલા જ રાજ્ય સ્થપાયું ત્યારથી જ વિધાનસભાનું માળખું રચવા રાજ્યપાલે કામચલાઉ સ્પિકર તરીકે સુરતના કલ્યાણજીભાઇ વી. મહેતાને નિમ્યા હતા. ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે સુંદરલાલ ટી. દેસાઇ નિયુક્ત થયા જ્યારે અન્ય જજમાં કે.ટી. દેસાઇ, જે.એમ.શેલત, મિયાંભાઇ, પી.એન.ભગવતી, વી.બી. રાજુનો સમાવેશ થતો હતો. એન.રામ ઐયર ગુજરાતના સૌપ્રથમ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ હતા.
1961-62માં રજૂ કરાયેલા ગુજરાતનું સૌપ્રથમ બજેટ રૂપિયા 115 કરોડનું હતું. આ બજેટમાં કુલ મહેસૂલી આવક રૂપિયા 54 કરોડ 25 લાખ, ખર્ચ રૂપિયા 58 કરોડ 12 લાખ અને ખાધ રૂપિયા ૩ કરોડ 87 લાખની હતી. જેની સરખામણીએ આ વખતે રજૂ કરવામાં આવેલું લેખાનુદાન રૂપિયા 1.92 લાખ કરોડનું હતું.