ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By એજન્સી|

ભજ્જીનો સાવ સસ્તામાં છુટકારો થયો કહેવાય

હવે હું આવુ વર્તન કયારેય નહીં કરૂ તેમ કહેનાર ભજ્જી સીધો રહેશે

PTI

ઇંડિયન પ્રીમિયર લીગની મેચ દરમિયાન શ્રીસંતને લાફો મારવાને મામલે હરભજનસિંઘનો અપેક્ષા અનુસાર સસ્‍તામાં છુટકારો થઇ ગયો છે. હરભજનને કઇ સજા ફટકારવી તે નક્કી કરવા બીસીસીઆઇની શિસ્‍ત સમિતિની બેઠક બાદ હરભજન ઉપર પાંચ વન-ડે મેચનો પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો. આમ, હરભજન આવતા મહિને બાંગલાદેશ ખાતે રમાનારી ત્રિકોણીય શ્રેણી તેમજ એશિયા કપની પ્રારંભિક કેટલીક મેચ ગુમાવશે. બીસીસીઆઇએ સાથે હરભજનને એવી ચેતવણી આપી છે કે, તે ભવિષ્‍યમાં આવી કોઇ ભૂલ ફરી કરશે તો તેના પર આજીવન પ્રતિબંધ લદાઇ શકે છે.

બીસીસીઆઇએ શ્રીસંતને પણ પોતાની આક્રમકતા ઉપર અંકુશ રાખવા લેખિત ચેતવણી આપી છે. તો પછી શ્રીસંતને કેમ છોડી દીધો. તો એ પણ સવાલ થાય શા માટે ભજ્જીને ફકત 5 જ મેચની સજા થઇ.. લોકો તો એમ વાતો કરતા હતા કે ભજ્જીની કેરિયર સમાપ્ત થઇ જશે. જો આવો કોઇ કેસ પાકિસ્તાન બોર્ડ સમક્ષ આવ્યો હોત તો શોએબ અખ્તરની જેમ જ ભજ્જીને મુર્ઘો બનાવીને જીવંત ભર પ્રતિબંધ લાગુ કરી દેત. મને એ નથી સમજાતુ કે એક મહિનો શોએબને કેમ છુટ આપવામાં આવી.. ચલો જવા દો.. આતો પાક બોર્ડ છે.. ચાહે તો સજા અને ચાહે તો છુટકારો..

જ્યારે હરભજન અને શ્રીસંતના લાફા પ્રકરણની તપાસ કરનાર બીસીસીઆઇના કમિશનર સુધીર નાણાવટીએ અમદાવાદમાં જણાવ્યું હતું કે મેં સુનાવણી શરૂ કરી તે પહેલાં જ હરભજને ત્રણ બાબત કહી હતી જે મને સ્પર્શી ગઇ હતી. પ્રથમ તો તેણે બે દિવસને જિંદગીના સૌથી ખરાબ દિવસ તરીકે વણર્વ્યા હતા. પ્રથમ તો તેણે લગભગ પાંચથી છ વર્ષ પહેલાં પોતાના પિતાને ગુમાવ્યા તે દિવસને તથા શ્રીસંતને તમાચો માર્યોતે દિવસને જિંદગીના સૌથી કાળા દિવસ તરીકે વણર્વ્યા હતા.

નાણાવટીએ જણાવ્યું હતું કે સુનાવણી માટે હાજર થતાંની સાથે હરભજને કહ્યું હતું કે તે શ્રીસંતની જાહેરમાં માફી માગે છે અને તેણે એવી પણ ખાતરી આપી હતી કે ભવિષ્યમાં આ પ્રકારની બિના ફરીથી નહીં બને તેની કાળજી રાખીશ. તેના ચહેરા પર પશ્ચાતાપ સ્પષ્ટપણે જણાઇ આવતો હતો. આ ઉપરાંત હરભજન પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીને તેને ઓછી સજા કરવા માટે મારા પર ઘણા ક્રિકેટપ્રેમીઓના ઇ-મેલ તથા ફોન-કોલ્સ પણ આવ્યા હતા આ બાબત પણ મને સ્પર્શી ગઇ હતી.
PTI

ભૂતપૂર્વ ક્રિકેટર ચેતન શર્માએ હરભજન- શ્રીસંત વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, મેદાન ઉપર બનેલી ધટનામાં બન્ને ખલાડી એટલા જ જવાબદાર છે તો પછી સજા એકલા હરભજનને જ કેમ ? આ વિવાદમાં શ્રીસંતને પણ સજા મળવી જોઈએ.

પત્રકારો સમક્ષ ચેતન શર્માએ જણાવ્યુ હતુ કે મેદાન ઉપર બન્ને ખેલાડીઓએ ખરાબ વર્તન કર્યુ હતુ, શ્રીસંતને માત્ર ચેતવણી આપીને છોડી મુકવો યોગ્ય નથી. આઈપીએલ ટૂર્નામેન્ટ યુવા ખલાડીઓ માટે આશિર્વાદ રૂપ છે. ટૂર્નામેન્ટમાં નવી પેઢીના ખેલાડીઓને અનુભવી ખેલાડીઓ પાસેથી કઈક શિખવાની સારી તક છે.

વન ડે ટીમમાંથી સૌરવ ગાંગુલીને બહાર કરવા અંગે પુછતા તેણે જણાવ્યુ હતુ કે આ ખોટુ હતું. પ્રદર્શનના આધારે તેણે ક્યારેય કસર છોડી નથી. શર્માનુ માનવુ છે કે ખેલાડીને ટીમમાંથી એકવાર બહાર કરીને બીજી વખત ફરી ટીમમાં લેવાનો અર્થ એ થયો કે તે ખેલાડીને કારણ વગર ટીમની બહાર કરવામાં આવ્યો હતો.

આશ્ચર્ય જન્‍માવે તેવી વાત એ છે કે, થોડા સમય અગાઉ બીસીસીઆઇએ હરભજન પર આઇસીસીની આચારસંહિતાના લેવલ-ચારનો ભંગ કર્યાનો આક્ષેપ મૂક્‍યો હતો. જે મુજબ ખેલાડી પર ઓછામાં ઓછી 10 વન-ડે અને વધુમાં વધુ આજીવન પ્રતિબંધ લદાઇ શકે છે. જોકે, રાતોરાત જ હરભજનની આચારસંહિતાના ભંગ કર્યાના આક્ષેપની કલમ બદલાઇ ગઇ છે.

આ વિષે બોર્ડ સેક્રેટરી નિરંજન શાહે જણાવ્‍યું હતું કે, અમારી તપાસ અલગ પ્રકારની હતી. જેના કારણે હરભજન ઉપર બીસીસીઆઇની જ આચારસંહિતાનો ભંગ કર્યાનો આક્ષેપ મૂકાયો છે. જે મુજબ જ હરભજન પર પાંચ વન-ડેનો પ્રતિબંધ લાદવામાં આવ્‍યો છે. શિસ્‍ત સમિતિની બેઠક સમક્ષ હરભજન પણ ઉપસ્‍થિત રહ્યો હતો. જેમાં તેણે આ પ્રકરણ અંગેની વિગત શિસ્‍ત સમિતિ સમક્ષ રજૂ કરી હતી.

આ ઉપરાંત શરદ પવાર સમક્ષ માફી માગતાં હરભજને ભવિષ્‍યમાં ક્‍યારેય પણ ફરિયાદની તક નહીં આપવા ખાતરી આપી હતી. હરભજન પરનો પ્રતિબંધ હળવો એટલા માટે કહી શકાય કેમકે અગાઉ એવી શક્‍યતા વ્‍યક્‍ત કરાતી હતી કે તેના પર 10 વન-ડેનો પ્રતિબંધ લદાશે. આ ઉપરાંત વાર્ષિક કોન્‍ટ્રાક્‍ટમાંથી પણ 10થી 20 ટકા રકમ કાપવામાં આવી શકે છે. સ્‍પિનરોમાં વિકલ્‍પની કમી ભજ્જીને ફળી તેમ પણ કહી શકાય. કેમકે, હરભજન પછી ભારત પાસે રમેશ પોવાર અને પીયૂષ ચાવલા એમ બે જ સારા સ્‍પિનર છે. પોવાર ફિટનેસ મેળવવા ઝઝૂમે છે જ્‍યારે ચાવલા પાસે અનુભવની કમી છે. એશિયા કપમાં હરભજન ખૂબ જ ઉપયોગી પુરવાર થઇ શકે છે તેમ જોતાં શિસ્‍ત સમિતિએ તેના પર ઓછી મેચનો પ્રતિબંધ લાદવાનું નક્કી કર્યું હશે.

ભજ્જીની તરફેણ કરનારામાં સૌથી મોટો હાથ કમિશનર નાણાવટીને જાય છે, જ્યારે અન્યમાં ધોની, સચિન, સૌરવ જેવા સિનિયર્સ હરભજનને ઓછી સજા થાય તેની તરફેણમાં હતા. અન્‍ય એક બાબત ભજ્જીની તરફેણમાં ગઇ હોય તો તે ફિલ્‍ડ અમ્‍પાયર અમિષ સાહેબાનું નિવેદન છે. સુધીર નાણાવટીના રિપોર્ટમાં પણ અમિષ સાહેબાનું એવું નિવેદન ટાંકવામાં આવ્‍યું છે કે, શ્રીસંતે મુંબઇ ઇંડિયંસ ટીમની ઉશ્‍કેરણી ત્રણ વાર કરી હતી. આ માટે શ્રીસંતને ચેતવણી પણ આપવામાં આવી હતી.

સુધીર નાણાવટીએ પણ પોતાના રિપોર્ટમાં અંતે હરભજનને ફરી તક આપવા ભલામણ કરી હોવાનું જાણવા મળ્‍યું છે. જેમાં તેમણે એમ પણ ઉમેર્યું છે કે હરભજનને પહેલાં જ પોતાની ભૂલ માટે સજા થઇ ચૂકી છે. પોતાની ભૂલ માટે હરભજન પસ્‍તાઇ પણ રહ્યો છે જેના કારણે તેને હળવી સજા થવી જોઇએ. આ તમામ બાબતોએ હરભજનને કડક સજામાંથી બચાવી લીધો હતો.

આમ ભજ્જી અમદાવાદના કમિશનર નાણાવટીના કારણે બચી ગયો કહેવાય, ભજ્જીના સખત વિરોધી ઓસ્ટ્રેલિયન ક્રિકેટના કેપ્ટન પોંટિંગને આ સજાથી સંતોષ નહીં થયો હોય કારણ કે તેતો ભજ્જીને ખુલ્લા પાડી દેવાનું જાહેર કહેતા હતા. હવે ભજ્જી ધ્યાન રાખશે.. નહીં તો તુ તો ગયો.. સમજ્યો..