શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Updated : ગુરુવાર, 17 સપ્ટેમ્બર 2020 (18:29 IST)

સુરત: PM મોદીના જન્મદિવસ નિમિત્તે 11 દિવસમાં 70 હજાર વૃક્ષોનું માસ પ્લાન્ટેશન

આજે 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રીના જન્મદિન નિમિત્તે પાલિકાના ડેપ્યુટી મેયર નિરવ શાહે 70 હજાર વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે. સુરતના પ્રદૂષણમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે નિરવ શાહનો આ અંગત પ્રયાસ પણ પ્રશંસાને પાત્ર છે. આમ તો સુરત મનપા પર્યાવરણ દિવસે વૃક્ષા રોપણના કાર્યક્રમોનું આયોજન કરે છે અને શહેરીજનોને પણ વિનામૃલ્યે વૃક્ષો આપી પ્રેરે છે પરંતુ લાંબા ગાળાના આયોજન થકી કાયમી ગ્રીન પોકેટ ઊભા કરવામાં આવે તે વધુ શહેરના પ્રદૂષણને ઘટાડવા ઉપયોગી નીવડી શકે એમ છે. 
 
ડેપ્યુટી મેયર નિરવ શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના 17 સપ્ટેમ્બરે જન્મદિન નિમિત્તે શહેરમાં વસ્તીની લગોલગ 70 હજાર વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે. અભિયાનની શરૂઆત તારીખ 6 સપ્ટેમ્બરે સવારે 8.30 કલાકે ભીમરાડ મહાવીર કોલેજ સામે પુણ્યભૂમિ એપાર્ટ. સામેના ખુલ્લા પ્લોટ પર થશે. તારીખ 17 મી સુધીમાં 70 હજાર વૃક્ષો વાવવાનું અભિયાન પૂર્ણ કરાશે. 
 
પાલિકાના પ્લોટો-પાણીની ટાંકી-સુએઝ પ્લાન્ટની જગ્યાઓ પર માસ પ્લાન્ટેશન કરાશે. સુરતને વધુ હરિયાળુ બનાવી આવનારી પેઢી ખુલ્લા મને શ્વાસ લઈ શકે તે માટેનો સંકલ્પ છે અને પ્રત્યેક વ્યક્તિએ એક વૃક્ષ રોપાય તે દિશામાં અમો કાર્યરત રહીશું.
 
મહાપાલિકા સહિતની સંસ્થાઓ દર વર્ષે વૃક્ષારોપણના કાર્યક્રમો કરતી આવી છે. પરંતુ અર્બન ગ્રીન ગાઈડલાઈન પ્રમાણે સુરત શહેરમાં ગ્રીન કવરેજ 18 થી 20 ટકા સામે ફક્ત 11.57 ટકા જ છે. ત્યારે આ કાર્યક્રમ મહત્વનો બની રહે છે. સુરતના ગ્રીન કવરમાં વધારો થાય તે માટે પ્રોજેક્ટ સુરત, મારૂતિવીર જવાન ટ્રસ્ટ, ક્રેડાઈ, નેચર ક્લબ, યુથ નેશન, હાર્ટસ વર્ક ફાઉન્ડેશન, મિશન ગ્રીન-કતારગામ, મહાવીર ઈકો પ્રોજેક્ટ ઉપરાંત કલરટેક્ષ ગ્રુપ દ્વારા વિવિધ કાર્યક્રમો સમયાંતરે કરાય છે અને આ હરિયાળા પ્રોજેક્ટમાં પણ તેઓ સાથ આપી રહ્યા હોવાનું નિરવ શાહે જણાવ્યું હતું. 
 
ઉલ્લેખનીય છે કે, નિરવ શાહ જીવદયા માટે પણ કામ કરતા આવ્યા છે અને કોરોનાકાળમાં પણ તેઓને હજારો ગરીબો માટે મિષ્ટાન સાથેનું રસોડું ચલાવ્યું હતું. ઉપરાંત તેઓએ પ્રાણીઓને પણ લોકડાઉનમાં ભોજન, ફળફળાદિ, શાકભાજી મળી રહે તે માટે અભિયાન ચલાવ્યું હતું.
 
સુરત જિલ્લામાં આઠ ગામોમાં ૩૨૦૦ રોપાનું વાવેતર
અત્રે ઉલ્લેખનીય છે કે  આ વર્ષે સુરત જિલ્લામાં કુલ આઠ ગામોને આવરી લઇ, કુલ ૩૨૦૦ રોપાનું વાવેતર સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. સામાજિક વનીકરણની દરેક યોજનાઓનો મુખ્યત્વે હેતુ વૃક્ષ ઉછેર અને પ્રકૃતિના જતન અને સંવર્ધનમાં જનતાની સહભાગિતા વધારવા તેમજ લોકોને પ્રોત્સાહિત કરવાનો છે. દરેક યોજનાઓ દ્વારા રાજ્યની પર્યાવરણીય અને જૈવિક વૈવિધ્યની સુરક્ષા અને સંવર્ધન કરવાનું છે તથા ગ્રામીણ ગરીબ લોકો માટે રોજગારીની તકો વધારવાનો હેતુ મુખ્ય છે. પર્યાવરણ સુરક્ષા માટે શહેર અને ગ્રામજનોએ સંકલ્પબદ્ધ થવું જરૂરી છે. મોટાભાગના વાવેતર ચોમાસા દરમિયાન વધુ અનુકુળ હોય છે. વન મહોત્સવના ભાગરૂપે રાજ્ય સરકારે વૃક્ષોના વાવેતર અને ઉછેરની કાળજી લીધી છે. ગામડાઓ હરિયાળા બને તે હેતુથી હરિયાળુ ગ્રામ યોજના બહાર પાડી હતી. 
 
આ યોજના અંતર્ગત ગામ અને શહેરોમાં યોગ્ય રીતે વાવેતર થાય અને ત્યાર પછીની માવજત પણ સુનિશ્ચિત થાય તે હેતુસર અમલી હરિયાળુ ગ્રામ યોજના હેઠળ વન વિભાગ દ્વારા વિનામૂલ્યે રોપા આપવામાં આવે છે. જમીનધારક પોતાની જમીન પર સરકારી ખર્ચે વાવેતર કરી શકે છે. આ યોજના હેઠળ ફળાઉ, સુશોભિત અને છાયા આપતા વૃક્ષો પર વધુ ભાર મુકવામાં આવે છે. આ યોજના હેઠળ પ્રતિ હેક્ટર ૪૦૦ રોપા આપવામાં આવે છે.