Video- સુવર્ણમંદિર બાદ કપૂરથલામાં ‘બેઅદબી’નો મામલો, પંજાબમાં વધતો તણાવ
કપૂરથલાના નિઝામપુર ગામના ગુરુદ્વારામાં રવિવારે સવારે અભદ્ર વર્તન કરવાના આરોપમાં એક વ્યક્તિની હત્યા કરી દેવાઈ હતી. આ અંગે કપૂરથલાના સિવિલ હૉસ્પિટલના એસએમઓ સંદીપ ધવને ખરાઈ કરી હતી.
કપૂરથલાના એસએસપી હરકવલપ્રીતસિંહનો દાવો છે કે આ ચોરીનો કેસ છે. કેટલાક અહેવાલો પ્રમામે પોલીસે આ વ્યક્તિના મૃત્યુના કેસમાં હત્યાનો ગુનો નોંધવાનું કહ્યું છે.
બીબીસીના સહયોગી પ્રદીપ પંડિત સાથે ફોન પર વાત કરતાં એસએસપીએ કહ્યું કે “આ કેસ બેઅદબીનો નથી, દરબારસાહિબની ઘટના બાદ લોકો આ ઘટનાને પણ જોડી રહ્યા છે.”
આ પહેલાં ગુરુદ્વારાના ગ્રંથી અમરતજિતસિંહે એક વીડિયો પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે બેઅદબીના ઇરાદાથી આવેલી એક વ્યક્તિને પકડવામાં આવી હતી.
સુવર્ણ મંદિરમાં કથિત 'બેઅદબી'ના પ્રયાસમાં શંકાસ્પદ વ્યક્તિની હત્યા
શનિવારે અમૃતસરના સુવર્ણમંદિરના ગર્ભગૃહમાં કથિત રૂપે 'બેઅદબી' (ધાર્મિક લાગણીઓના આપમાન)ના પ્રયાસ બાદ ગુસ્સે ભરાયેલા ટોળાએ 'શકમંદ' વ્યક્તિની હત્યા કરી નાખી હતી. ઘટનાની વિડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.