શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 21 મે 2023 (11:42 IST)

રાજીવ ગાંધીની હત્યા હાર પહેરાવવા આવેલી છોકરીએ કઈ રીતે કરી હતી?

રાજીવ ગાંધીની હત્યા હાર પહેરાવવા આવેલી છોકરીએ કઈ રીતે કરી હતી?
 
ભારતની ધરતી ઉપર આ પહેલો આત્મઘાતી વિસ્ફોટ હતો, જેને એક મહિલાએ અંજામ આપ્યો હતો. એ વિસ્ફોટમાં કૉંગ્રેસના યુવા નેતા તથા પાર્ટીના વડા પ્રધાનપદના ઉમેદવાર રાજીવ ગાંધીનું મૃત્યુ થયું હતું.  એ સમયે મંચ ઉપરથી રાજીવ ગાંધીના સન્માનમાં એક ગીત ગવાઈ રહ્યું હતું, 'રાજીવ ગાંધીનું જીવન અમારું જીવન છે, જે જીવન ઇંદિરા ગાંધીના દીકરાને સમર્પિત નથી, તે જીવન શું જીવન છે?'
 
17 મેના રોજ જ રાજીવ ગાંધીનો કાર્યક્રમ સાર્વજનિક થયો હતો તો તામિલ ઉગ્રવાદીઓ માત્ર ચાર દિવસમાં જ આટલું મોટું પ્લાનિંગ કરી શક્યા હતા, જે ચોંકાવનારી બાબત હતી. ત્યારથી લગભગ થોડા અંતરે જ 'ગલ્ફ ન્યૂઝ'નાં સંવાદદાતા તથા વરિષ્ઠ પત્રકાર નીના ગોપાલ હતાં, જેઓ રાજીવ ગાંધીનાં સહયોગી સુમન દુબે સાથે વાતચીત કરી રહ્યાં હતાં. 
 
આગળ જતાં તેમણે 'ધ અસૅસિનેશન ઑફ રાજીવ ગાંધી' નામનું પુસ્તક લખ્યું. આ સિવાય સીબીઆઈની એસઆઈટીના વડા ડીઆર કાર્તિકેયને પણ પોતાના પુસ્તક 'ધ રાજીવ ગાંધી અસૅસિનેશન: ધ ઇન્વેસ્ટિગેશન'માં પણ અંતિમ સમયની સ્થિતિ તથા તપાસની જટિલતા વિશે લખ્યું છે.
 
'મારી નજર સામે વિસ્ફોટ થયો'
 
રાજીવ ગાંધીની ચૂંટણીપ્રચાર યાત્રાને કવર કરવા માટે પહોંચેલાં પત્રકાર નીના ગોપાલ યાદ કરતાં કહે છે, "મારી અને સુમનની વાત થયાને બે મિનિટ પણ નહોતી થઈ કે મારી સામે એક બૉમ્બ ફાટ્યો. સામાન્ય રીતે હું સફેદ કપડાં નહોતી પહેરતી, પરંતુ એ દિવસે ઉતાવળમાં મેં સફેદ સાડી પહેરી હતી. "
 
"વિસ્ફોટ બાદ મેં મારી સાડી તરફ જોયું તો એ કાળી પડી ગઈ હતી, એના પર માંસ લોચા તથા લોહી ચોટ્યાં હતાં. એ ચમત્કાર જ હતો કે હું બચી ગઈ હતી, મારી આગળ રહેલાં બધા લોકોએ એ વિસ્ફોટમાં મૃત્યુ પામ્યા હતા."
 
નીના જણાવે છે, "બોમ્બ વિસ્ફોટ પહેલાં પટ-પટ-પટ ફટાકડાં ફૂટવાનો અવાજ થયો અને પછી ભારે હૂશ જેવો અવાજ આવ્યો અને જોરદારના વિસ્ફોટ સાથે બૉમ્બ ફાટ્યો."
 
"મેં આગળ જઈને જોયું તો લોકોનાં કપડાં સળગી રહ્યાં હતાં, તેઓ ચીસાચીસ કરી રહ્યા હતા. ચોમેર નાસભાગ મચી ગઈ હતી. રાજીવ ગાંધી હયાત છે કે નહીં, તેના વિશે પણ અમે જાણતાં ન હતાં."
 
આ ઘટનાના થોડા સમય પહેલાં જ ઇરાકે અખાદના દેશ કુવૈત પર કબજો કર્યો હતો. તેના દ્વારા પાથરવામાં આવેલી માઇન્સને ફ્રાન્સના સુરક્ષાબળો દ્વારા નિષ્ક્રિય કરવામાં આવતી. આ ઑપરેશન્સને નજરે જોનારાં નીનાને સમજતાં વાર ન લાગી કે શું બન્યું છે.
 
રાજીવ ગાંધી જ્યાં ઊભા હતા, એ તરફ નીના આગળ વધ્યાં. તેઓ કહે છે, "હું જેટલે આગળ સુધી જઈ શકતી હતી, એટલે આગળ સુધી ગઈ. ત્યારે મને રાજીવ ગાંધીનું શરીર દેખાયું. મેં તેમના લોટ્ટો (Lotto) જૂતાં અને હાથમાં ગુચ્ચી (GUCCI)ની ઘડિયાળ જોઈ. થોડા સમય પહેલાં જ કારમાં પાછલી સીટ ઉપર બેસીને હું તેમનો ઇન્ટરવ્યૂ કરી રહી હતી. તેઓ આગળ ડ્રાઇવરની બાજુની સીટ ઉપર બેઠા હતા. એટલે એ ઘડિયાળ વારંવાર મારી નજરની સામે આવી રહી હતી."
 
રાજીવ ગાંધીની શોધખોળ
 
એ પછી તામિલનાડુ કૉંગ્રેસનાં ત્રણ દિગ્ગજ નેતા જીકે મૂપનાર, જયંતી નટરાજન તથા રામૂર્તી ત્યાં હાજર હતાં. 20 ફૂટ ઊંચે ઊડતો ધુમાડો થોડો વિખેરાયો એટલે રાજીવ ગાંધીને શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી.
 
તેમના શરીરનો એક ભાગ ઊલટો પડ્યો હતો, તેમનું કપાળ ફાટી ગયું હતું અને બાકીનો ભાગ તેમના સુરક્ષા અધિકારી પીકે ગુપ્તાના પગ પાસે પડેલો હતો, જેઓ અંતિમશ્વાસ ગણી રહ્યા હતા.
 
આગળ જતાં જીકે મૂપનારે એક જગ્યાએ લખ્યું, "વિસ્ફોટને પગલે લોકોમાં નાસભાગ મચી ગઈ. મારી સામે અનેક ક્ષત-વિક્ષત મૃતદેહો પડેલા હતા. રાજીવ ગાંધીના સુરક્ષાઅધિકારી પ્રદીપ ગુપ્તા હજુ જીવિત હતા. તેમણે મારી તરફ જોયું. કંઇક બોલ્યા અને પછી મારી નજર સામે જ દેહ છોડી દીધો. એવું લાગ્યું કે તેઓ રાજીવ ગાંધી વિશે માહિતી મેળવવા માગતા હતા. મેં તેમનું માથું ઊંચકવાનો પ્રયાસ કર્યો, પરંતુ મારા હાથમાં માત્ર માંસના લોચા અને લોહી જ આવ્યાં, મેં ટુવાલથી તેમને ઢાંકી દીધાં."
 
મૂપનારથી થોડે દૂર જ જયંતી નટરાજન અવાચક ઊભાં હતાં.
 
બાદમાં તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું, "તમામ પોલીસવાળા નાસી છૂટ્યા હતા. હું મૃતદેહોને જોઈ રહી હતી, એ આશાએ કે રાજીવ ગાંધી દેખાઈ જાય. પહેલાં મારી નજર પ્રદીપ ગુપ્તા પર પડી.... તેમના ઘૂંટણ પાસે જમીન તરફ એંક મોં પડ્યું હતું...મારા મોં માંથી સરી પડ્યું, ઓહ માઈ ગોડ......ધિસ લૂક્સ લાઇક રાજીવ."
 
રાજીવ ગાંધી, ડિસ્ટ્રિક્ટ પોલીસ સુપરિન્ટેનડન્ટ મહમદ ઇકબાલ સહિત 15 લોકોનાં મૃત્યુ થયાં હતાં, મૃતકોમાં નવ સુરક્ષાકર્મી હતા જ્યારે 43 અન્યોને ઈજા પહોંચી હતી.
 
આવા સંજોગોમાં ગાંધી પરિવારે તામિલનાડુ જવું જોઈએ કે નહીં, તે અંગે થોડું મંથન અને ચર્ચા થઈ, પરંતુ પ્રિયંકા મક્કમ રહ્યાં. છેવટ સુધી મક્કમ રહેનારાં પ્રિયંકા પિતાના મૃતદેહને જોઈ શક્યાં ન હતાં અને ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યાં હતાં.
 
થોડા દિવસો પછી સોનિયા ગાંધીના આગ્રહથી જ્યોર્જ વિન્સેન્ટે પત્રકાર નીના ગોપાલ સાથે તેમની મુલાકાત ગોઠવી આપી. જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં આ મુલાકાત થઈ.
 
નીના કહે છે, "આ બંને માટે મુશ્કેલ સમય હતો. સોનિયા વારંવાર પૂછી રહ્યાં હતાં કે અંતિમ ક્ષણોમાં રાજીવ ગાંધીનો મૂડ કેવો હતો તથા તેઓ છેલ્લે શું કહી રહ્યાં હતાં. મેં તેમને જણાવ્યું કે તેઓ સારા મૂડમાં હતા તથા વિજય માટે ઉત્સાહિત હતા. સોનિયા સતત રડી રહ્યાં હતાં. મને પાછળથી ખબર પડી કે તેમણે જયંતી નટરાજનને પૂછ્યું હતુ કે પેલી 'ગલ્ફ ન્યૂઝ'વાળી છોકરી મીના (નીનાને બદલે) ક્યાં છે ? જયંતી મારી તરફ ફર્યાં હતાં, ત્યારે જ ધડાકો થયો હતો."
 
નીનાના પરિવારજન તથા એ સમયે આંતરિક બાબતોની ગુપ્તચર સંસ્થાના વડા 'માઇક' એમકે નારાયણને તેમની પાસેથી ધીરજપૂર્વક માહિતી મેળવી.
 
અને પછી...
 
 
રાત્રે જ સીઆરપીએફના (સૅન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ) આઈજી (ઇન્સ્પેક્ટર જનરલ) ડીઆર કાર્તિકેયનના નેતૃત્વમાં વિશેષ સીબીઆઈ (સૅન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ની તપાસ સમિતિનું ગઠન કરવામાં આવ્યું. મોડી રાત્રે જ્યારે કાર્તિકેયનને આ વાત કહેવામાં આવી, ત્યારે તેમણે ત્રણ શરત સાથે આ કેસ સ્વીકારવાની તૈયારી દાખવી.
 
એક કે તેઓ રાજકીય દખલ નહીં ચલાવી લે, બીજું કે તેઓ કોઈ પણ આરોપીની સાથે થર્ડ ડીગ્રી નહીં અજમાવે તથા તેઓ સીબીઆઈની સાથે-સાથે સીઆરપીએફની પણ જવાબદારી સંભાળશે. પંજાબમાંથી આતંકવાદને નાબૂદ કરવાનો શ્રેય જેમને આપવામાં આવે છે, એવા કેપીએસ ગીલ એ સમયે સીઆરપીએફના વડા હતા. બીજા દિવસે બપોર સુધીમાં ત્રણેય મુદ્દે દિલ્હીથી મંજૂરી મળી ગઈ.
 
લગભગ ત્રણેક મહિનામાં તપાસનું કામ પૂર્ણ થઈ ગયું હતું, પરંતુ ફોરેન્સિક અહેવાલોને કારણે મોડું થયું, છતાં વરસી પહેલાં ચાર્જશિટ ફાઇલ કરી દેવાઈ.
 
કાર્તિકેયન પોતાના પુસ્તકમાં લખે છે કે આ દરમિયાન રાજીવ ગાંધીના સચિવ જ્યોર્જ વિન્સેન્ટ તેમની પાસેથી તપાસની માહિતી મેળવતા રહેતા. કારણ કે સોનિયા, પ્રિયંકા તથા રાહુલને તપાસમાં થયેલી પ્રગતિ વિશે જાણવાની ઉત્કંઠા હતી. આગળ જતાં વરિષ્ઠ અધિકારીઓની મંજૂરીથી તેમણે 10 જનપથ ખાતે ગાંધી પરિવાર સાથે મુલાકાત કરી હતી અને તેમનાં સવાલ-શંકાઓનું સમાધાન કર્યું હતું તથા જરૂરી માહિતી આપી હતી.
 
એ સમયે હરિબાબુના કૅમેરામાંથી 10 તસવીરો મળી હતી, જેણે કેસને ઉકેલવામાં તથા કેસનું પગેરું દાબવામાં મદદ કરી. એલટીટીઈના (લિબરેશન ઑફ તામિલ ટાઇગર ઇલમ) ઉગ્રવાદીઓએ આ કામને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું. શરૂઆતમાં દોષિતોને ફાંસી, આજીવન કેદ તથા અલગ-અલગ સજાઓ આપવામાં આવી.
 
અંતે સુપ્રીમ કોર્ટમાં તમામ ગુનેગારોને આજીવન કેદની સજા ફટકારી. તાજેતરમાં જ એક ગુનેગાર પેરારિવલનને છોડી દેવામાં આવ્યો.
 
મુખ્ય આરોપી શિવરાસન તથા અન્ય કેટલાક સાથીઓએ ધરપકડ પહેલાં સાઇનાઇડ ગળી લીધી.
 
કાર્તિકેયનના કહેવા પ્રમાણે, તપાસ દરમિયાન તેમની ઉપર રાષ્ટ્રીય તથા રાજ્યસ્તરેથી પ્રત્યક્ષ તથા અપ્રત્યક્ષ રીતે દબાણ આવ્યું હતું, પરંતુ તેઓ ઝૂક્યા નહોતા.
 
જીકે મૂપનારના પુત્ર જીકે વાસણ અને જયંતી નટરાજન સોનિયા ગાંધીની અધ્યક્ષતાવાળી યુપીએ સરકારમાં મંત્રી બન્યાં. મુખ્ય તપાસનીશ અધિકારી કાર્તિકેયન સીબીઆઈના ડાયરેક્ટર તથા રાષ્ટ્રીય માનવાધિકાર પંચના ડાયરેક્ટર જનરલ બન્યા.
 
તત્કાલીન આઈબી વડા એમકે નારાયણ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બન્યા. તત્કાલીન વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના પ્રથમ કાર્યકાળ દરમિયાનના મીડિયા પરામર્શક સંજય બારૂએ તેમના પુસ્તક 'ધ ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર'માં લખે છે કે, 'ડૉ. સિંઘે તેમને અનિચ્છાએ તેમની નિમણૂક કરી હતી. માઇક વિશે કહેવાતું કે તેમના તેમની પાસે દરેક વ્યક્તિની ફાઇલ રહેતી.'
 
  
રાજીવના મૃત્યુની આગાહી
 
ઇંદિરા ગાંધીના સમયમાં મુખ્ય સચિવ પીસી ઍલેક્ઝાન્ડરે તેમના પુસ્તક 'માય ડેઇઝ વિથ ઇન્દિરા ગાંધી'માં લખ્યું કે ઇન્દિરા ગાંધીની હત્યાના અમુક કલાક પછી ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિઝના (ઍઇમ્સ) કૉરિડોરમાં સોનિયા ગાંધી અને રાજીવ ગાંધીની વચ્ચે થયેલા ઝગડાના તેઓ સાક્ષી હતા.
 
રાજીવ ગાંધીએ તેમનાં પત્ની સોનિયાને જણાવ્યું હતું કે 'પાર્ટી ઇચ્છે છે કે હું વડા પ્રધાનપદના શપથ લઉં.' ત્યારે સોનિયા ગાંધીએ કહ્યું હતું, "બિલકુલ નહીં. તેઓ તમને પણ મારી નાખશે."
 
એના જવાબમાં રાજીવ ગાંધીએ કહ્યું હતું, "મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી, એમ પણ માર્યો જઇશ."
 
સાત વર્ષ પછી રાજીવ ગાંધીના એ શબ્દ સાચા પડ્યા હતા. ઇંદિરા ગાંધીની સરકારે શીખોના પવિત્ર ધર્મસ્થળ સુવર્ણ મંદિરમાં સૈન્યકાર્યવાહીના આદેશ આપ્યા હતા. આથી નારાજ તેમના જ શીખ સુરક્ષાકર્મીઓએ તેમની હત્યા કરી નાખી હતી.
 
જ્યારે રાજીવ ગાંધીની હત્યા માટે શ્રીલંકાના તામિલ બળવાખોરો વિરુદ્ધ કાર્યવાહી માટે ભારતીય સૈન્ય મોકલવાનો નિર્ણય જવાબદાર હતો.