ભારતની એક્શનથી પાકિસ્તાનમાં ફેલાયો ફફડાટ :PoK માં ઈમરજન્સી આદેશ લાગૂ, એલર્ટ મોર્ડ પર સેના
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ઝેલમ નદીમાં પાણીના પ્રવાહમાં અચાનક વધારો થવાને કારણે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) વહીવટીતંત્રે કટોકટી પ્રતિબંધો લાદ્યા છે અને આરોગ્ય કર્મચારીઓની રજાઓ અને સ્થાનાંતરણ તાત્કાલિક બંધ કરવાનો આદેશ જારી કર્યો છે. 25 એપ્રિલના રોજ જેલમ વેલી હેલ્થ ડિરેક્ટોરેટ દ્વારા જારી કરાયેલા આદેશમાં "કટોકટી પરિસ્થિતિ"નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને તમામ હોસ્પિટલો અને આરોગ્ય એકમોમાં તબીબી કર્મચારીઓને તેમના સંબંધિત ડ્યુટી પોઈન્ટ પર હાજર રહેવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. આદેશમાં જણાવાયું છે કે કોઈપણ કર્મચારીને રજા કે ટ્રાન્સફરની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સાથે સરકારી વાહનોના ખાનગી ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જાહેર આદેશમાં લખવામાં આવ્યું છે કે
''દેશમાં કટોકટીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તમામ આરોગ્ય કેન્દ્રોના ઇન્ચાર્જને જિલ્લા મુખ્યાલય હોસ્પિટલ તેમજ જિલ્લાના તમામ તબીબી કેન્દ્રોમાં કોઈપણ અનિચ્છનીય ઘટનાનો સામનો કરવા માટે ડોકટરો, પેરામેડિકલ સ્ટાફ અને એમ્બ્યુલન્સ ડ્રાઇવરોને હંમેશા તૈયાર રાખવાનો નિર્દેશ આપવામાં આવે છે.'' આ સાથે, આરોગ્ય કેન્દ્રોના તમામ તબીબી અધિકારીઓ/પેરા મેડિકલ સ્ટાફ કે જેઓ પહેલેથી જ રજા પર છે, તેમને તેમની રજા રદ કરવા અને ફરજ પર જતા પહેલા ઓફિસની લેખિત પરવાનગી લેવાનો નિર્દેશ આપવામાં આવે છે. જો બેદરકારી જણાશે, તો સંબંધિત ડોકટરો/પેરામેડિકલ મેડિકલ સ્ટાફ સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવશે.
પાકિસ્તાનમાં રેલીઓ કાઢવામાં આવી
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર વહીવટીતંત્રે અચાનક આ પગલું ભર્યું છે, જે ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં ફેલાયેલા ગભરાટના સંકેત તરીકે જોઈ શકાય છે. ભારતીય સુરક્ષા એજન્સીઓએ પણ આ કટોકટીના આદેશને ગંભીરતાથી લીધો છે અને ગુપ્તચર અહેવાલો અનુસાર, નિયંત્રણ રેખા નજીક, ખાસ કરીને પહેલગામ વિસ્તારમાં અને તેની આસપાસ અસામાન્ય લશ્કરી અથવા આતંકવાદી પ્રવૃત્તિઓ વધી શકે છે તેવી આશંકા છે. પાકિસ્તાની સેના સાથે એકતા વ્યક્ત કરવા અને ભારતના આક્રમક વ્યવહાર વિરુદ્ધ કરાચીમાં રેલીઓ કાઢવામાં આવી.