Last Modified: બુધવાર, 15 ફેબ્રુઆરી 2017 (14:04 IST)
કચ્છથી કન્યાકુમારીની નાવ યાત્રાની સાહસિક સફર
કૌસ્તુભ ખાડે અને શાંજલિ શાહીએ કંઈક એવી સાહસિક યાત્રા પૂર્ણ કરી છે, જે કદાચ ભાગ્યે જ કોઈકે કરી હશે અને કૌસ્તુભ એકલા હાથે કાયાકિંગ એટલે હલેસાં મારી નૌકાવિહાર કરી 2800 કિલોમીટરની કચ્છથી કન્યાકુમારી સાહસિક દરિયાઈ સફર ખેડવાવાળો પ્રથમ ભારતીય બની ગયો છે. શાંજલિએ સાથે રહી પ્રોત્સાહન આપવા સમાંતર રોડ પર સાયકલિંગ કર્યું હતું. કદાચ આવા અતૂટ પ્રેમના કારણે જ ન માત્ર એક પણ દરેક દિવસ વેલેન્ટાઈન બની રહેતા હશે. કૌસ્તુભે જણાવ્યું કે, કચ્છથી કન્યાકુમારી પહોંચ્યા ત્યાં સુધીમાં ગુજરાત જેવો પ્રેમ અને આતિથ્ય ક્યાંય નથી મળ્યા. દરિયામાં અનેક વખત કોસ્ટગાર્ડ પાસે પકડાઈ જવું અને ડોલ્ફિન સાથે રમત કરવી અનેરો રોમાંચિત હતો. શાંજલિને પણ આટલા લાંબા રોડ પ્રવાસમાં પંક્ચરથી લઇ સાયકલની ચેન તૂટવા સહિતના અનુભવ થયા હતા. વધુમાં ખાડેએ કહ્યું કે, કાયાકિંગને સૌથી વધુ સમગ્ર પ્રવાસમાં કેરળના લોકો સમજ્યા હતા. આ વ્યવસાય અને શોખથી જોડાયેલા હોતાં મને પ્રોત્સાહિત કરી ઘરે લઇ ગયા હતા. રોક્યો અને જમાડ્યો પણ. દેશ માટે ઇન્ટરનેશનલ કાયાકિંગ ચેમ્પિયનશિપ જીતેલા ખાડેએ સૌ આ રીતે કાયાકિંગ એટલે નૌકાવિહારનું મહત્ત્વ સૌ સમજે તેવી અભિલાષા દર્શાવી હતી. અત્રે નોંધનીય છે કે, કાયાકિંગને પ્રોત્સાહન આપવા જ કચ્છથી કન્યાકુમારી મિશન આદર્યું હતું, જે 85 દિવસમાં પૂર્ણ કર્યું અને કૌસ્તુભ અને શાંજલિ બન્નેએ પેશન જાળવી માટે પ્રોફેશન છોડી દીધું છે.