ગુજરાત મેડિકલ ટૂરિઝમ માટે હબ બન્યું છે. વિશ્વના ઘણા દેશોમાંથી દર્દીઓ ગુજરાતમાં સારવાર માટે આવી રહ્યા છે. ખાસ કરીને જ્યારે કોઈ વિદેશી ઈન્ટરનેટના માધ્મયથી સરકારી હોસ્પિટલને શોધતો આવે તે ગુજરાત માટે ગર્વ લેવા જેવી વાત છે. અફઘાનિસ્તાનમાં જન્મેલી ત્રણ વર્ષીય નઝીફા જન્મથી મૂકબધીર હતી. તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ સર્જરી કરી પછી તેણે અમદાવાદમાં તેના જીવનમાં પહેલવહેલી વાર અવાજ સાંભળ્યો હતો.
છેલ્લા ત્રણ દિવસથી તે પોતાના કાને પડતા અવાજનો પ્રતિસાદ આપી રહી છે. બુધવારે તેણે પોતાના મોઢાથી ‘આ’ શબ્દ બોલ્યો હતો. આ શબ્દ સાંભળી માતા-પિતાની ખુશીનો કોઈ પાર રહ્યો નહોંતો. નઝીફાના પિતા મોહમદ દાઉદ શીરઝાદે કહ્યું કે, દીકરીની સારવાર માટે જ્યારે ઈન્ટરનેટ પર સર્ચ કર્યું ત્યારે બેસ્ટ સેન્ટર તરીકે અમદાવાદ સિવિલ હોસ્પિટલનું નામ આવ્યું હતું. સિવિલના ડૉક્ટરોએ નઝીફાના બંને કાને કોક્લિયર ઈમ્પ્લાન્ટ કર્યું છે. જેના કારણે મારી મૂકબધીર નઝીફા આજે બોલતી અને સાંભળતી થઈ છે. ‘હું ભારતીય ડૉક્ટરોનો ઉપકાર ક્યારેય નહીં ભૂલી શકું’. નઝીફાના પિતા મોહમદ દાઉદ શીરઝાદ કાબુલ યુનિવર્સિટીમાં એન્વાયરમેન્ટલ સાયન્સ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. વર્ષ ૨૦૧૪માં તેમના ઘરે દીકરીનો જન્મ થયો હતો. દીકરી મોટી થતી ગઈ ત્યારે ખ્યાલ આવ્યો કે, તે બંને કાનથી સાંભળી શકતી નથી અને બોલી પણ નથી શકતી. કાબુલની હોસ્પિટલમાં દીકરીની તપાસ કરાવી પણ કોઈ સફળતા મળી નહોંતી ત્યારબાદ ઈન્ટરનેટના માધ્યમથી અમદાવાદ સિવિલ હોસ્પિટલનું એડ્રેસ મળ્યું હતું. સિવિલ હોસ્પિટલના ENT વિભાગના વડા અને પ્રોફેસર ડૉ. રાજેશ વિશ્વકર્માએ કહ્યું કે, જૂન મહિનાની ૧૯મી તારીખે બાળકીના બંને કાન અને ખોપડી વચ્ચે સંકેત મળે તે માટે કોક્લિયર ઈમ્પ્લાન્ટ કરવામાં આવ્યું હતું. સોમવારથી મશીનને શરૂ કરવામાં આવ્યું છે ત્યારથી નઝીફાને સંભળાવા લાગ્યું છે અને તેનો તે પ્રતિસાદ પણ આપી રહી છે. ડોક્ટરે જણાવ્યું બાળકીને બે વર્ષ સુધી બોલવાની સતત ટ્રેનિંગ આપવી પડશે. એક વાર આ ટ્રેનિંગ પૂરી થઈ જાય પછી ધીમે ધીમે નફીસા સામાન્ય બાળકોની જેમ જ બોલતા સાંભળતા શીખી જશે અને તેનુ જીવન સ્વતંત્ર રીતે જીવી શકશે.